BREAKING NEWS

જામનગર: બેડીમાં  સાયચાના આલીશાન બંગલા સહિત ૧૩ બાંધકામો પર બુલડોઝર

  • June 12, 2026 11:27 AM 

જામનગર: બેડીમાં  સાયચાના આલીશાન બંગલા સહિત ૧૩ બાંધકામો પર બુલડોઝર

અંદાજે રૂ.ર કરોડથી વધુની કિંમતની ગેરકાયદેસર ખડકાયેલી મિલકતો તોડી પાડવા સવારથી મેગા ઓપરેશન: ૧૦૦ થી વધુ પોલીસ જવાનો ઉતારવામાં આવ્યા: વહીવટીતંત્ર અને પોલીસ તંત્રનું સંયુકત ઓપરેશન: ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ

જામનગરમાં બેડી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવાનું શરૂ​​​​​​​ કરાયું છે. આજ સવારથી આશરે રૂ.ર કરોડની સાયચા બંધુ સહિતના લોકોએ કબજો જમાવેલી મિલકતો ઉપર જિલ્લાનાં વહીવટીતંત્રના સ્ટાફે પોલીસને સાથે રાખીને આ જમીન ખુલ્લી કરાવવા કાર્યવાહી શરૂ​​​​​​​ કરી છે અને સાંજ સુધીમાં ૯૧૮ ચો.મી. જમીન ખુલ્લી કરી દેવામાં આવશે. સવારથી ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓનું મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આજ સવારથી બેડી વિસ્તારમાં જે ડીમોલીશન થઇ રહ્યું છે તે જગ્યાની કિંમત આશરે રૂ. ૨ કરોડ થવા જાય છે. જાણવા મળતી વિગત પ્રમાણે આ અગાઉ બેડીમાં મેગા ડીમોલીશન કરવામાં આવ્યું હતું ત્યારે રૂ.૧૬ કરોડની ૧૨૯૫૦ ચો.મી. જમીન ખુલ્લી કરી દેવામાં આવી હતી. આજે સવારે ૮ વાગ્યે બેડીના ઢાળીયા નજીક ૧૩ જેટલી ગેરકાયદેસર મિલકતો ઉપર મજબૂત પોલીસ બંદોબસ્ત હેઠળ ડીમોલીશન કરવામાં આવ્યું હતું. એસડીએમ, મામલતદાર તેમજ ડીવાયએસપી જયવીરસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ આ જમીન ખુલ્લી કરાવવા મેગા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પાડતોડ માટે જામનગર મહાપાલિકા પાસે જેસીબી મેળવાયા હતા. 

આજ સવારથી જ શરૂ કરાયેલા આ મેગા ઓપરેશનમાં સાયચા બંધુઓની કેટલીક મિલકતોનો સમાવેશ થાય છે, અગાઉ પણ સાયચા બંધુઓની કરોડોની મિલકત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સવારે બેડી વિસ્તારમાં આ ડીમોલીશન શરૂ કરાયુ ત્યારે મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સવારથી જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે મકાન ધારકોને કેટલોક સામાન લઇ જવા દેવામાં આવ્યો હતો. 

આ પાડતોડમાં જિલ્લા કલેકટરનું તંત્ર અને પોલીસ તંત્ર કામે લાગ્યુ હતું. અગાઉ પણ બેડીમાં આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજે જે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે જેમાં સાયચા બંધુનો એક આલીશાન બંગલો પણ હોવાનું જાણવા મળ્યું છે. 

જામનગરના બેડેશ્ર્વરમાં આજે દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વ્હેલી સવારથી ડીમોલીશન કામગીરી અંતર્ગત એસપી ડો. રવિ મોહન સૈનીના  માર્ગદર્શન હેઠળ સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા એલસીબી, એસઓજી, સીટી-બી સહિતના પીઆઇ અને ૭ પીએસઆઇ સહિતનો ૧૦૦ જેટલો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો હતો, પીઆઇ ચૌધરી, પીઆઇ ગઢવી અને સીટી-બી, બેડી ચોકી તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બેડી વિસ્તારમાં સાયચા બંધુઓની ગેરકાયદે મિલકતો પર જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને આજે ફરી બુલડોઝર સાથે કાફલો ઘસી ગયો હતો.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application