લોકસભાની ચૂંટણી પૂર્વે આટકોટમાં આજે બોઘરા કરશે શક્તિ પ્રદર્શન

  • June 07, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પરવાડીયા હોસ્પિટલના કાર્યક્રમમાં મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય અને ગુજરાતના મંત્રીઓ, ધારાસભ્યો- સંસદ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે: 50000 લોકો માટે જમણવારનું આયોજન



જસદણ- વિછીયા તાલુકાની અને ભાવનગર જિલ્લાના હજારો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યા બાદ એક વર્ષમાં ૬૦ હજાર જેટલા લોકોએ તેનો લાભ લીધો છે. આજે સાંજે આ હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગમાં કેથલેબ અને બે મોડ્યુલર નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે. સામાજિક ઉત્તરદાયિત્વના ઉમદા ઉદાહરણ સ્વરૂપ આ કાર્યક્રમ છે. પરંતુ સાથોસાથ લોકસભાની ચૂંટણી પૂર્વે ડોક્ટર ભરતભાઈ બોઘરા દ્વારા શક્તિ પ્રદર્શન માટેનો આ કાર્યક્રમ હોવાનું રાજકારણમાં બોલાઈ રહ્યું છે.



આટકોટના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ, ધારાસભ્યો- સંસદ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે હજારોની સંખ્યામાં રાજકોટ શહેર જિલ્લા અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના ભાજપના આગેવાનો કાર્યકરો પણ તેમાં ઉપસ્થિત રહેવાના છે. 50000 થી વધુ લોકો માટે જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.



રાજકારણમાં ચર્ચાતી વિગત મુજબ તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જસદણની બેઠક પરનો દાવો જે રીતે ડોક્ટર ભરતભાઈ બોઘરાએ આસાનીથી જતો કર્યો હતો ત્યારથી જ એક એવી વાત શરૂ થઈ ગઈ હતી કે લોકસભાની ૨૦૨૪ માં યોજાનારી ચૂંટણીમાં રાજકોટ બેઠક પર ભાજપ બોઘરાને ટિકિટ આપશે.


પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણના અને ઉદઘાટનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે સાંજે પાંચ ૫-૧૫ વાગે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી છ વાગ્યા આસપાસ આટકોટ પહોંચશે. મુખ્યમંત્રીના સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આટકોટનો કાર્યક્રમ પૂરો કરીને મુખ્યમંત્રી રાત્રે 8:30 વાગ્યા આસપાસ રાજકોટ પરત કરશે અને અહીંથી ગાંધીનગર જવા નીકળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application