જામનગર મનપામાં ઐતિહાસીક વિજય સાથે ભાજપ સતત સાતમી વખત સત્તામાં
મનપાના ઇતિહાસમાં ભાજપને પ્રથમ વખત રેકર્ડબ્રેક જનસમર્થન અને બેઠક મળી
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતાં પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા કબજે કરી છે. સતત સાતમી વખત ભાજપે મહાનગરપાલિકાનું સુકાન સંભાળતા શહેરના રાજકીય ઇતિહાસમાં અનોખો દાખલો સર્જ્યો છે.
કુલ ૧૬ વોર્ડ અને ૬૪ બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે ૧૫ વોર્ડમાં પોતાની પેનલોને વિજય અપાવીને એકતરફી જનસમર્થન મેળવ્યું છે. મતદાતાઓએ ભાજપ પર વિશ્વાસ મૂકી પ્રચંડ જનમત આપતા શહેરમાં ભાજપની આંધી જોવા મળી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે જામનગર મહાનગરપાલિકાની રચના પછી આ પ્રથમ પ્રસંગ છે જ્યારે એક જ પાર્ટીને એટલું વિશાળ અને એકતરફી જનસમર્થન મળ્યું હોય. ભાજપે અગાઉથી જ મજબૂત સંગઠન અને વ્યૂહરચનાના આધારે આ જીતનો પાયો બાંધી દીધો હતો. અને આ ભાજપની સાતમી ટર્મ છે.
૧૯૯૦ ની સાલમાં સર્વપ્રથમ ભાજપે ૨૩ બેઠકો મેળવીને સત્તાના સુકાનો સંભાળવાનો પાયો નાખ્યો હતો, અને ત્યાર પછી પ્રત્યેક ચૂંટણીમાં બેઠકોનો ક્રમશ: વધારો થતો ગયો હતો, અને આ વખતની ચૂંટણીમાં ઐતિહાસિક કહી શકાય તેવી ૬૪ માંથી ૬૦ બેઠકો મેળવી લઈ જામનગર શહેર માટે ઇતિહાસ રચી દીધો છે.એકમાત્ર વોર્ડ નંબર ૧૨ (લઘુમતી વિસ્તાર)માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બે-બે બેઠકો મેળવી છે. અહીં બંને પક્ષોના એક-એક ઉમેદવાર જેલમાં હોવા છતાં કાર્યકરોના સમર્થનથી વિજયી બન્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે ભારે નિરાશાજનક પરિણામ આવ્યું છે.
એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસે ગત ટર્મ માં ૧૧ જેટલી બેઠકો મેળવી હતી, પરંતુ આ વખતે પાર્ટી માત્ર બે બેઠકો સુધી સીમિત રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ખાતું ખોલવામાં સફળતા મેળવી છે, પરંતુ તેનો પ્રભાવ માત્ર બે બેઠકો સુધી જ સીમિત રહ્યો છે.ભાજપ માટે આ જીત ઐતિહાસિક ગણાઈ રહી છે, જ્યારે વિપક્ષો માટે આત્મમંથનનો સમય આવ્યો છે.