BREAKING NEWS

જામનગરમાં ચુંટણી ચક્ર શરૂ: મહાપાલિકા માટે ભાજપ દ્વારા ફોર્મ વિતરણ: કાલે સેન્સ

  • April 01, 2026 12:15 PM 

જામનગરમાં ચુંટણી ચક્ર શરૂ: મહાપાલિકા માટે ભાજપ દ્વારા ફોર્મ વિતરણ: કાલે સેન્સ

ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે આ વખતે પણ ત્રિપાંખીયો જંગ નિશ્ર્ચિત: હાલ આમ આદમી બીજા નંબરની મજબૂત પાર્ટી

આજ સવારથી શહેર ભાજપ કાર્યાલય ખાતે તમામ ૧૬ વોર્ડના ઇચ્છુકોને ફોર્મ આપવાનું શ‚ થયુ: કાલે શહેર કાર્યાલય અને ફ્રેન્ડસ હોલ ખાતે નિરિક્ષકો દાવેદારોને સાંભળશે: આ વખતે આવનારા નિરિક્ષકોનાં નામ ગુપ્ત રાખવાની ભાજપની નીતિ: ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટશે

આખરે રાજય માટે સેમીફાઇનલ જેવી ગણાતી પાલિકા -પંચાયતોની ચુંટણીનો જંગ ખુબ નજીક આવી ગયો છે. સતાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી મુરતિયા શોધવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે, ફોર્મ વિતરણ શરૂ થશે અને જે સ્થિતિ છે તે મુજબ દરેક વોર્ડમાંથી મોટી સંખ્યામાં ફોર્મ ઉપડવાની તથા હંમેશની જેમ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટવાની પૂરીપૂરી શકયતા છે. આમ પણ આ વખતે ચુંટણીની ટીકીટને લઇને ખુબ જ ઉતેજના એટલા માટે રહેશે કારણકે ભાજપે જે ધારાધોરણો નક્કી કર્યા છે જો તેનો પૂરો અમલ કરવામાં આવે તો ઘણા બધા મોટા માથા ગણાતા પૂર્વ નગરસેવકોને વણમાગ્યો આરામ મળી શકે છે, ભાજપની ટીકીટ એટલે રાજકારણમાં લોટરી સમાન ગણાતી હોવાથી તમામ ઇચ્છુકો પહેલેથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવતીકાલે મહાનગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા થશે જેમાં દાવેદારોને સાંભળવામાં આવશે અને તમામ નામની ભાજપના નિયમ મુજબ પેનલો બનાવી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે. 
​​​​​​​
મહાનગરપાલિકા માટે આજ સવારના ૧૦ વાગ્યાથી ૧ થી ૧૬ વોર્ડ માટે શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ફોર્મ વિતરણ શરૂ થઇ ગયુ છે જે સાંજના ૭ વાગ્યા સુધી ચાલશે, આવતીકાલ તા.૨ના રોજ વોર્ડ નં. ૧થી ૮ માટે ફ્રેન્ડસ હોલ ખાતે તથા વોર્ડ નં. ૯ થી ૧૬ માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને નિરિક્ષકો દ્વારા જે તે વોર્ડનાં દાવેદારોને સાંભળવામાં આવશે તેમ ભાજપના મીડીયા વિભાગના ભાર્ગવ ઠાકરની સતાવાર યાદીમાં વિગતો આપવામાં આવી છે.

જો કે આ પ્રેસ યાદીમાં કાલે આવી રહેલા નિરિક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. અને એવુ માનવામાં આવે છે કે જયાં સુધી સેન્સ પ્રક્રિયા શરૂ ન થઇ જાય ત્યાં સુધી શહેર માટે નિરિક્ષકોનાં નામ આ વખતે ગુપ્ત રાખવાની નીતિ રાખવામાં આવી છે.

અંતરંગ વર્તુળો કહે છે કે સેન્સ પ્રક્રિયા શરૂ થઇ જશે ત્યારે તો નિરિક્ષકોનાં નામ સ્વાભાવિક રીતે જાહેર કરાશે પરંતુ અગાઉથી એટલા માટે જાહેર કરવામાં આવી રહ્યા નથી કે નિરિક્ષકોને અત્યારથી જ દાવેદારો પરેશાન કરે નહીં.

કોંગ્રેસ દ્વારા અગાઉ સેન્સ પ્રક્રિયા પુર્ણ કરી લેવામાં આવી છે, ત્રીજા વિકલ્પ એવા આમ આદમી પાર્ટી દ્વારા તો ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. અને હવે જયારે પાલિકા -પંચાયતોની ચુંટણીનું જાહેરનામુ ગણતરીનાં દિવસોમાં બહાર પાડવાની સંભાવના છે ત્યારે સતાધારી ભાજપ દ્વારા પણ ચુંટણીની ગાડીનો પહેલો ગીયર નાખવામાં આવ્યો છે.

આ વખતેની ચુંટણી રાજયની અન્ય મહાનગરપાલિકા કરતા જામનગરમાં વધુ ઉતેજનાસભર અને કાંટે કી ટક્કર જેવી બની રહેવાની પૂરેપૂરી સંભાવના છે. અહીં ત્રિપાંખીયો જંગ થવાનો છે અને ભાજપ -કોંગ્રેસ ઉપરાંત વધુ એક વખત આપના નામનો ત્રીજો વિકલ્પ મતદારોને મળવાનો છે. 

ભાજપ તો સતામાં છે એટલે પૈસેટકે બધી રીતે મજબૂત પક્ષ છે, કોંગ્રેસ વયોવૃદ્ધ પાર્ટી છે, અનુભવ ધરાવે છે, અને કેટલાક ઉપસ્થિત થનારા ફેકટરને કારણે કોંગ્રેસના બાહુઓમાં થોડુ બળ આવવાની શકયતા છે તો બીજી તરફ જે ત્રીજો વિકલ્પ છે તે આમ આદમી પાર્ટી હાલ જામનગર જિલ્લામાં બીજા નંબરની પ્રભુત્વ પાર્ટી ગણી શકાય.....શું કામ? 

કારણ સીધુ છે જામનગર જિલ્લાની વિધાનસભા બેઠકોમાંથી જામજોધપુરની બેઠક આમ આદમી પાર્ટી પાસે છે, બાકી બધી પર ભાજપનો કબજો છે અને કોંગ્રેસ એક પણ ધારાસભ્ય નહીં ધરાવતી પાર્ટી છે એટલે ઓન પેપર મજબૂતીની દ્રષ્ટિએ ભાજપ પછી આપને ગણી શકાય.

ત્રિપાંખીયો જંગમાં બીજો મહત્વનો વણાંક એ પણ છે કે અત્યાર સુધી કોંગ્રેસના મજબૂત ગઢ ગણાતા વોર્ડ નં. ૧૨માં જબરી ઉથલપાથલ છે, બે શકિતશાળી ચહેરા સહિત ત્રણ અનુભવી પૂર્વ નગરસેવકો આપનો સાંવરણો લઇને ચુંટણી લડવાના છે અને જોવાનુ એ છે કે શું આ વખતે આ વોર્ડમાં આપ કોંગીનો સફાયો કરી શકે છે કે કેમ? 

વોર્ડ નં. ૧ પણ કોંગ્રેસના મજબૂત ગઢ સમાન છે અને ત્યાં પણ આમ આદમી પાર્ટીની ત્રીજા વિકલ્પ તરીકેની ભૂમિકા હાલની તકે તો કોંગ્રેસ માટે જ નુકશાનકારક દેખાઇ રહી છે, જોવાનું એ છે કે આ વોર્ડની પ્રજા કોંગ્રેસને રીપીટ કરે છે કે પછી આમ આદમી પાર્ટીને તક આપે છે.

ઉપર કહ્યા મુજબ મહાનગરપાલિકાની  ચુંટણી ખુબ જ રસપ્રદ બનવાની છે. ભાજપ પાસે ત્રણ દાયકાના સતાના કરેલા કામોની મોટી યાદી છે તો સાથે સાથે ભ્રષ્ટાચારના થયેલા આક્ષેપોની કાલી ટીલ્લી પણ કયાંકને કયાંક લાગેલી છે તેમાં પણ છેલ્લી સ્ટેન્ડીંગ કમીટીમાં દલાતરવાડીની જેમ ધડાધડ દરખાસ્તો પાસ કરવામાં આવી તેના કારણે ભાજપની છબી પર જે છાંટા ઉડયા છે તેની ઇફેકટ પણ પડી શકે છે. અત્રે નોંધનીય છે કે કોંગીએ તો આ વખતે ભાજપના ભ્રષ્ટાચારના મુદે જ ચુંટણી લડવાનું જાહેર પણ કરી દીધુ છે અને પોતાનું બનાવેલુ તહોમતનામુ પણ ડિકલેર કરી દીધુ છે. 

ખુબ જ મિશ્ર અને ઉતેજનાસભર લાગી રહેલા માહોલ વચ્ચે જાહેરનામાનો ઇંતજાર છે જો કે ભાજપે ચુંટણી પ્રક્રિયા તેજ બનાવી હોવાથી એવી પૂરી શકયતા છે કે ખુબ જ નજીકના દિવસોમાં ચુંટણીની તારીખ જાહેર થઇ શકે છે, અધુરામાં પુરુ આ વખતે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચુંટણીનું મતદાન એક જ દિવસે થવાનું હોવાથી રાજકીય પક્ષો માટે દોડધામ વધી જશે. 

જિલ્લા-તાલુકા પંચાયતો માટે આજે લેવાઇ સેન્સ 

ધ્રોલ, જોડીયા, કાલાવડ, લાલપુર અને સિક્કાની બેઠક માટે અટલ ભવનમાં સેન્સ લેવાશે: પંચાયતના રાજકારણમાં ગરમાવો: તાલુકા પંચાયત બેઠકો માટે પણ સેન્સ લેવાશે

જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે અને તાલુકા પંચાયતની બેઠકો માટે આગામી દિવસોમાં ચુંટણીની પ્રક્રિયા થશે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવા માટે આજે નિરિક્ષકો આવી પહોંચ્યા છે અને સાત રસ્તા નજીક આવેલા ભાજપના અટલ ભવન ખાતે કેટલીક બેઠકો માટે ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઇ ભંડેરીએ જણાવ્યું હતું. 

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આ વખતે સામાન્ય વર્ગની મહિલાને સ્થાન મળશે ત્યારે ભાજપનુ ગયા વર્ષે શાસન હતું આજે જામનગર જિલ્લા પંચાયતની ધ્રોલ, જોડીયા, કાલાવડ, લાલપુર અને સિક્કાની બેઠક માટે ઉમેદવારની સેન્સ લેવા માટે નિરિક્ષકો મધુબેન, હિતેન્દ્રભાઇ પટેલ અને વીણાબેન આવી પહોંચ્યા છે. આ વખતે પણ વધુને વધુ બેઠકો મળે તે માટે ભાજપે અત્યારથી જ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે આમ આદમી પાર્ટી દ્વારા કેટલીક બેઠકોનાં ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. 

ગ્રામ્ય કક્ષાએ બેઠકોનું બહુ મહત્વ હોય, સવારથી જ ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવ્યો છે, આ વખતે તકલીફ એ છે કે કેટલાક જૂના ઉમેદવારને પોતાનો મતવિસ્તાર ફેરવવો પડે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે તેઓ કયો વિસ્તાર બદલીને ટીકીટ માંગે છે તે હજુ નકકી થતુ નથી પરંતુ કેટલાક લોકોને વિસ્તાર બદલવાથી તકલીફ પડે તેવી પણ શકયતા છે. ખાસ કરીને ગામડાના રાજકારણમાં ભારે ચહલપહલ શરૂ થઇ છે, કાલાવડ, ધ્રોલ અને જોડીયામાં ભાજપના અનેક ચહેરાઓ આ વખતે ટીકીટ માંગે તેવી શકયતા છે ત્યારે જિલ્લા પંચાયતમાં કેટલીક બેઠકો ફરી જતા કેટલાક ઉમેદવારોને મુશ્કેલી સર્જાશે અને બે દિવસ નિરિક્ષકો ઉમેદવારોને સાંભળશે.

ભાજપ દ્વારા ગ્રુપ ૧ ના નિરીક્ષક તરીકે ગાંધીનગરના પૂર્વ જિલ્લા પ્રમુખ નૈલેશભાઇ શાહ, મહિલા મોરચા પ્રદેશના પૂર્વ મહામંત્રી વીણાબેન પ્રજાપતિ, જનકભાઇ પટેલ અને ગ્રુપ ર ના નિરિક્ષક મહિલા મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ મધુબેન પટેલ, પ્રદેશના પૂર્વ સહપ્રવકતા હિતેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ બાવલીયા આજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી જોડીયા જિલ્લા પંચાયત અને પીઠડ તાલુકા પંચાયતની બેઠક, બપોરે ૧ થી ૩ દરમ્યાન જિલ્લા પંચાયતની ખારવા, લતીપર અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર નિરિક્ષકો સાંભળશે. બપોરે ૩ થી ૬ દરમ્યાન સિકકા નગરપાલિકાના વોર્ડ નં. ૧ થી ૭ની બેઠક માટે ૩ થી ૬ દરમ્યાન અને તાલુકા પંચાયતની તમામ બેઠક ઉપરાંત જામનગર તાલુકાની આમરા, અલીયા, બેડ, ચેલા, ધુતારપર, ખીમરાણા, મોરકંડા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર આવતીકાલે તા. ૨, સવારે ૯ વાગ્યાથી સેન્સ ચાલુ થશે.

ઉપરાંત ગ્રુપ ર માં સવારે ૧૦થી ૧માં કાલાવડ વિસ્તારની જિલ્લા પંચાયતની બેઠકમાં ખંઢેરા, ખરેડી, નવાગામ, નિકાવા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપરાંત લાલપુર વિસ્તારની બેઠક માટે બપોરે ૨ થી ૬ જિલ્લા પંચાયતની ભણગોર, લાલપુર, પીપરટોડા અને સીંગચ તેમજ લાલપુર તાલુકા પંચાયતની તમામ બેઠકો અને આવતીકાલ તા.૨ના રોજ સવારે ૯ વાગ્યે જામજોધપુર વિસ્તારમાં ગીંગણી, સતાપર, ગોપ, શેઠવડાળા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પર આવતીકાલે સવારે ૯ વાગ્યાથી સેન્સ લેવામાં આવશે આમ બે દિવસ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી  માટે સેન્સ લેવામાં આવશે. 
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News