પાણીપુરી પર બેન ?, મંચુરિયન બાદ હવે આ સરકારની ગોલગપ્પા પર નજર

  • July 03, 2024 11:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્ટ્રીટ ફૂડ માટે કોણ ક્રેઝી નથી હોતું ? અને તેમાં પણ રસ્તા પર પાણી-પુરીનો સ્ટોલ જોઈને દરેકનું મન લલચાય છે પરંતુ હાલમાં, કર્ણાટકના મોટાભાગના શહેરોમાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પાણી-પુરીના સ્ટોલ તપાસ હેઠળ છે. જે દરમિયાન સરકારને પાણી-પુરીના પાણીમાં કેમિકલયુક્ત રંગો મળી આવ્યા છે જે કેન્સરનું જોખમ ઉભું કરે છે. સરકાર આ મામલે તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જો જરૂર પડશે તો પાણી-પુરી પર પણ પ્રતિબંધ લાદી શકાય છે. અગાઉ, સરકારે ગોબી મંચુરિયન અને કૃત્રિમ રંગોથી તૈયાર થતા કબાબ પર પ્રતિબંધ મૂક્યો હતો.

કર્ણાટક આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેમાં, રાજ્યભરની દુકાનોમાંથી લગભગ 250 પાણીપુરીના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે કુલ સેમ્પલમાંથી 40 સેમ્પલ ફૂડ સેફ્ટી માપદંડોને પૂર્ણ કરતા નથી. તેમાં બ્રિલિયન્ટ બ્લુ, ટાર્ટ્રાઝીન અને સનસેટ યલો જેવા કેન્સર પેદા કરતા રાસાયણિક રંગો હોવાનું જાણવા મળ્યું છે. આ એવા રસાયણો છે, જેના નિયમિત સેવનથી શરીરના અંગોને ઘણું નુકસાન થઈ શકે છે. કેન્સર સહિત અનેક ગંભીર બીમારીઓનો ખતરો છે.

કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું છે કે સ્વાસ્થ્ય વિભાગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. દિનેશ ગુંડુ રાવે લોકોના સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે એક પગલું આગળ વધારતા વિભાગીય અધિકારીઓને સ્ટ્રીટ ફૂડ બનાવતી વખતે સ્વચ્છતા જાળવવા, રસોઇ બનાવતી વખતે સાવચેતી રાખવા અને કેમિકલ રંગોનો ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ લાવવા આદેશ આપ્યા છે.

રાવે કહ્યું, "કૃત્રિમ રંગોનો ઉપયોગ કરીને કોટન કેન્ડી, ગોબી મન્ચુરિયન અને કબાબના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી, રાજ્યમાં વેચવામાં આવતા ગોલગપ્પાના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ઘણા નમૂનાઓ પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. તેમણે કહ્યું કે આ અંગે વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને આરોગ્ય વિભાગ ટેસ્ટ રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરશે. ઉપરાંત, જનતાએ તેમના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જોઈએ અને આપણા સ્વાસ્થ્યને અસર કરતી ખાદ્ય વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application