બચ્ચન સર, દીક્ષા જોષી અને યશ સોની નો જાદુ ચાલ્યો, ‘ફક્ત મહિલાઓ માટે’એ અત્યાર સુધી કરી 4.48 કરોડની કમાણી 

  • August 22, 2022 10:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીક્ષા જોષી, યશ સોની અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ ગુજરાતી ફિલ્મોની યાદગાર ફિલ્મોમાં શામેલ થાય તેવું લાગી રહ્યું છે. જન્માષ્ટમીના ખાસ અવસર પર આ પારિવારિક ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મનું પ્રથમ દિવસનું શાનદાર કલેક્શન 1.34 કરોડનું રહ્યું હતું. જયારે બીજા દિવસનું કલેક્શન 1.52 કરોડ નોંધાયું હતું, અને રવિવારે આ આંકડો 2 કરોડ જેટલો નોંધાયો હતો. ગુજરાતી સિનેમા માટે કલેક્શન ખુબ જ સારું નોંધવામાં આવી રહ્યું છે. 

ફિલ્મમાં ચિંતન પરીખ નામના 28 વર્ષીય મધ્યમ-વર્ગીય યવુકની વાત છે જે સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજી મંદિરની એક સફર પર તે પ્રાર્થના કરે છે અને એવી શક્તિ માંગે છે જે તેને સ્ત્રીઓને સમજવામાં મદદ કરી શકે અને સદભાગ્યે તેની આ ઈચ્છા મંજૂર થાય છે. ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ નું ટ્રેલર રીલીઝ થયું ત્યારે જ તેણે ધૂમ મચાવી હતી બાદ ફિલ્મનું ગીત 'જાય જાય અંબે' રીલીઝ થયુ જેને લોકેએ ખુબ વખાણ્યું. આ ફિલ્મમાં દિક્ષા જોષી, યશ સોની, ભાવીની જાનિ અને પ્રશાંત બારોટ જેવાં કલાકારોએ પોતાનો ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. અત્યાર સુધી અમિતાભ બચ્ચને માત્ર આપણે 'ખુશ્બુ ગુજરાત કી' કહીને ગુજરાતના પ્રવાસનને વેગ આપતા જોતા હતા. હવે બોલિવૂડના મહાનાયક ગુજરાતી ફિલ્મમાં ફ્કત મહિલાઓ માટેમાં પણ જોવા મળ્યા છે. 



ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે ફિલ્મ માટે જણાવ્યું હતું કે હું હંમેશા ગુજરાતી ભાષામાં કૌટુંબિક ફિલ્મો બનાવવા માંગતો હતો અને મારા મગજમાં આ માટે સૌથી પહેલું  નામ  અમિતાભ બચ્ચનનું આવ્યું હતું. હું ભાગ્યશાળી છું કે તેઓ માત્ર આ ફિલ્મમાં કેમિયો ભજવવા માટે જ નહીં, પરંતુ ફિલ્મની સ્ટોરીના વર્ણનમાં તેમનો જાદુઈ અવાજ આપવા માટે પણ સંમત થયા. મને આશ્ચર્ય તો આ વાતથી થાય છે કે જયારે મેં સૂચવ્યું કે અમે તેમના ભાગો ડબ કરી શકીએ, પરંતુ તેમણે ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, “આપ પહેલે હમારા કામ દેખીયે!” અને તેમણે સંપૂર્ણ ગુજરાતી શબ્દપ્રયોગ સાથે અવાજ રેકોર્ડ કર્યો. આ સૂચવે છે કે તેઓ તેમના કામ માં શોર્ટકટ નથી લેતા. અમિતાભ બચ્ચને એમના 50 વર્ષના લાંબા કરિયરમાં પહેલી વખત એક ગુજરાતી ફિલ્મ કરી છે.

ફિલ્મની વાર્તા, કૉમિક ટાઇમિંગ, અભિનય, શૂટિંગ લોકેશન, કૉસ્ચ્યૂમ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બધું એકદમ પરફેક્ટ છે. ઉપરાંત પરફોર્મન્સમાં ખામી શોધવી મુશ્કેલ છે. ફિલ્મના મુખ્ય કલાકારોથી માંડીને નાનકડી ભૂમિકા ભજવતા કલાકારોએ પણ પાત્રને સંપુર્ણ ન્યાય આપ્યો છે. ફિલ્મની સ્ક્રીપ્ટ લેખક કરણ ભાનુશાલી, હુમાયુ મકરાણી અને જય બોડસે સ્ક્રિપ્ટ લખી છે. ફિલ્મમાં બે ગીતો છે. ટાઇટલ ગીતના શબ્દો ભાર્ગવ પુરોહિતના છે. નક્ષ અઝિઝે ગાયેલું ગીત ફિલ્મની વાર્તાને સાર્થક કરે છે. સંગીત ડૉક્ટર કેદાર અને ભાર્ગવ પુરોહિતનું છે. ફિલ્મનું સુપરહીટ ગીત એટલે ગરબો એટલે ‘બોલ મારી અંબે’ કિર્તિદાન ગઢવીના અવાજમાં ગવાયેલો ગરબો ભાર્ગવ પુરોહિતે લખ્યો છે. કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિતનું સંગીત આ નવરાત્રીમાં ચોક્કસ ધુમ મચાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application