વેરાવળમાં ડો.ચગ આપઘાત પ્રકરણમાં પોલીસને એફએસએલ રિપોર્ટની રાહ

  • February 16, 2023 08:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હસ્તાક્ષર નિષ્ણાતનો પણ રિપોર્ટ મગાયો છે: પુરાવાના આધારે આગળ વધવામાં આવશે તેમ જણાવતા એસ.પી. જાડેજા: પરિવારજનોને સાંત્વના પાઠવતા રઘુવંશી અગ્રણી ગિરીશ કોટેચા અને કૃષિ બેન્ક ચેરમેન ડોલર કોટેચા




વેરાવળના નામાંકિત, સેવાભાવી તબીબ ડો.અતુલ ચગના આપઘાતને ચાર દિવસ થવા છતાં હજુ સુધી તપાસ આગળ વધી નથી તેવા સંજોગોમાં એસપી મનોહરસિંહ જાડેજાએ એફએસએલનો રિપોર્ટ તેમજ હસ્તાક્ષર નિષ્ણાતોનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસને તપાસની દિશા મળશે તેમ જણાવ્યું હતું.





વેરાવળમાં ડો.ચગના આપઘાતથી ગીર–સોમનાથ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં ભારે ચકચાર જાગી છે ત્યારે તેમાં નામજોગ સ્યુસાઈડ નોટ હોવા છતાં તપાસમાં કોઈ પ્રગતિ થઈ નથી ત્યારે એસપીએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ ઉપરાંત ડિલીટ થયેલ સહિતના મેસેજનો રિપોર્ટ ઉપરાંત ડોકટરના ઓફિસના સાહિત્ય અને સ્યુસાઈડ નોટના લખાણનો હસ્તાક્ષર નિષ્ણાતો પાસે તપાસનો રિપોર્ટ માગવામાં આવ્યો છે ત્યારે પોલીસ મળતા પુરાવાઓને આધારે તપાસ આગળ વધારશે.





બીજી તરફ ડો.ચગના આપઘાતથી સૌરાષ્ટ્ર્રભરના રઘુવંશી સમાજ તેમજ તબીબી જગતમાં તીવ્ર પ્રત્યાઘાતો પડયા છે જેમાં ગઈકાલે ડો.અતુલ ચગના પરિવારજનોની મુલાકાતે રઘુવંશી સેનાના સુપ્રીમો અને જૂનાગઢના ડે.મેયર ગીરીશભાઇ કોટેચા તથા કૃષિ બેકના ચેરમેન ડોલરભાઇ કોટેચા આવેલ હતા. આ તકે તેઓએ પોલીસ તંત્રની તપાસ પર પુરો ભરોસો હોવાનું જણાવી પરીવારને ન્યાય મળશે અને કોઇ પણ ચમરબંધી હશે તેને છોડવામા નહી આવે તેમ જણાવેલ હતું.





વેરાવળમા નામાંકિત ડો.અતુલ ચગ ના આપઘાતનો બનાવ ગત તા.૧૨ના રવિવારે બનેલ હતો. ત્યારબાદથી આ પરીવારની પડખે લોહાણા સમાજ સહીતના આગેવાનો સાથે રહેલ છે ત્યારે  રઘુવંશી સમાજના સુપ્રીમો અને જૂનાગઢના ડે.મેયર ગિરીશભાઇ કોટેચા તથા ગુજરાત કૃષિ બેકના ચેરમેન ડોલરભાઇ કોટેચા પણ પીડિત પરીવારની મુલાકાત લીધેલ તે સમયે તેમની સાથે સ્થાનીક આગેવાનો રહેલ હતા.





આ સમગ્ર ઘટના અંગે ડો.ચગના પરીવારજનો સાથે ચર્ચાઓ કરી જાણકારી મેળવી હતી. આ મુલાકાત બાદ રઘુવંશી અગ્રણી કોટેચા બંધુઓએ આ ઘટનામાં જે કોઇ પણ ચમરબંધી હશે તેને છોડવામા નહી આવે અને ગુજરાત નહી પણ ભારતનો રઘુવંશી સમાજ ડો.ચગના પરીવારની સાથે ઉભો રહેશે તેમ જણાવેલ હતું.




દરમિયાન વેરાવળના લોકપ્રિય તબીબ ડો.અતુલ ચગના આપઘાત બાબતે સ્યુસાઈડ નોટ હોવા છતાં અને તેમાં સ્પષ્ટ્ર નામોલ્લેખ હોવા સંદર્ભે જવાબદારો સામે કડક પગલા લેવા માટે વેરાવળ ઉપરાંત સૌરાષ્ટ્ર્રભરના રઘુવંશી સમાજમાં માગ ઉઠી છે. તેમાં જૂનાગઢ સહિત ગામે–ગામના લોહાણા મહાજન દ્રારા પણ આ બાબતે કડક પગલા લેવાની માગ સાથે મૌન રેલી યોજીને આવેદન પત્ર સુપરત કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application