BREAKING NEWS

જામનગરમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાનની હત્યાનો પ્રયાસ

  • July 11, 2026 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાનની હત્યાનો પ્રયાસ

ટોટોડી વાડીમાં છરી, પાઇપ વડે હુમલો કરાયો: ચાર સામે ફરીયાદ: રીક્ષાવાળા પર ધારીયા-પાઇપ વડે પ્રહાર કરી તોડફોડ કર્યાની ત્રણ સામે રાવ 

જામનગર શહેરમાં રિક્ષા અને મોટરસાયકલ અથડાવવાની સામાન્ય બાબતે એક યુવાન પર છરી અને પાઈપથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે મહિલા સહિત ચાર સામે સીટી-એમાં ફરીયાદ કરવામાં આવી છે, જયારે રીક્ષાવાળા પર ધારીયા, પાઇપ વડે પ્રહાર કરીને રીક્ષામાં તોડફોડ કર્યાની ૩ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. બંને પક્ષની ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.

જામનગરના ટીટોડીવાડી સિલ્વર સોસાયટીમાં રહેતા સકીલભાઈ અબ્બાસભાઈ ખફી (ઉ.વ.૪૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે તેમના ઘરની બહાર અવાજ આવતાં બહાર નીકળતાં જુનેદ જાનમામદ બ્લોચની રિક્ષા તેમની મોટરસાયકલ સાથે અથડાઈ હતી. આ બાબતે ઠપકો આપતાં જુનેદ ગાળો બોલવા લાગ્યો અને થોડા સમય બાદ પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈને પરત આવ્યો હતો. તેની સાથે કામીલ છરી લઈને આવ્યો હતો, જ્યારે ફાતમાબેન તથા કામીલની માતા પણ ત્યાં પહોંચી ગાળો બોલવા લાગી હતી.

આ દરમિયાન ફરિયાદીના માસીના દીકરા મોઈને વચ્ચે પડી ગાળો બોલવાની ના પાડતાં કામીલે તેના પર છરી-પાઇપ વડે આરોપીઓએ હુમલો કર્યો હતો.  જેમાં મોઈનને વાંસાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા તેમજ છાતીના ભાગે હુમલો કરવાનો પ્રયાસ કરતાં બચાવ દરમિયાન તેના ડાબા હાથના અંગૂઠા પાસે અને બંને હોઠ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ જુનેદે લોખંડના પાઈપ વડે મોઈનના બંને પગ પર માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જતાં જતાં જુનેદે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

ઇજાગ્રસ્ત મોઈનને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સરવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શકીલભાઇ દ્વારા સિલ્વર સોસાયટીમાં રહેતા જુનેદ જાનમામદ બ્લોચ, કામીલ જાનમામદ બ્લોચ, ફાતમાબેન તથા કામીલની માતા સામે હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દરમ્યાનમાં ખોજા નાકા બહાર સિલ્વર સોસાયટીમાં રહેતા રીક્ષા ડ્રાઇવર જુનેદ જાનમામદ બ્લોચ (ઉ.વ.૨૪)એ સીટી-એ ડીવીઝનમાં ટીટોડીવાડીમાં રહેતા મોહસીન ઉર્ફે દંતો, શકીલ બાંધણીવાળો અને સાયરપીરના ચોક પાસે રહેતા નાજીર ઉર્ફે કાળો આ ૩ની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨ વિગેર કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.

ગઇકાલે ટીટોડી વાડી પાસે ફરીયાદી પોતાની રીક્ષા લઇને જતા હતા ત્યારે આરોપીની મોટરસાયકલ સાથે રીક્ષા અથડાતા બોલાચાલી કરી ઝઘડો કરી અપશબ્દો કહયા હતા, ફરીયાદી ત્યાથી જતા રહયા હતા એ પછી પોતાના ભાઇ કામીલ સાથે રીક્ષા લેવા જતા બધા આરોપીઓ ત્યાં હાજર હોય અને બે આરોપીઓએ રીક્ષામાં તોડફોર કરતા હોય જેથી ફરીયાદીએ ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા. 
​​​​​​​
બે આરોપીઓએ પાઇપ અને ધારીયા વડે ફરીયાદી જુનેદને આડેધડ માર માર્યો હતો શરીર અને માથાના ભાગે ઇજા કરી હતી, આ વેળાએ ફરીયાદીના ભાઇ કામીલ વચ્ચે બચાવવા જતા આરોપી નાજીરે પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. તેમજ આરોપી મોહસીને હવે જો મારા ઘર પાસેથી રીક્ષા ચલાવી તો જાનથી પતાવી દેશુ તેવી ધમકી દીધી હતી અને રીક્ષામાં આશરે ૨૦ હજાર જેટલુ નુકશાન પહોચાડયુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application