દ્વારકાધીશ મંદિર પરિસરમાં મહિલા પોલીસ પર હુમલો
સુરતના પાંચ દર્શનાર્થીઓ સામે ગુનો નોંધાયો : લાઇન તોડવા બાબતે સમજાવતા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી : ફરજમાં અડચણ બદલ કાર્યવાહી
યાત્રાધામ દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિર પરિસર માં પૂનમના દિવસે ભારે ભીડ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવી રહેલી મહિલા પોલીસ કર્મચારી સાથે મારામારી કરી સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરવાના બનાવમાં દ્વારકા પોલીસે સુરતના પાંચ દર્શનાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તા. ૨૯ જૂનના રોજ પૂનમ નિમિત્તે શ્રી દ્વારકાધીશ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન મંદિર સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક સેજલબેન જેસીંગભાઈ રાઠોડ સવારે ૫.૦૦ વાગ્યાથી શક્તિમાતા મંદિર નજીક દર્શનાર્થીઓની લાઇન વ્યવસ્થા સંભાળી રહ્યા હતા.
સવારના અંદાજે ૧૧.૧૫ કલાકે લાઇનમાં ઉભેલા કેટલાક દર્શનાર્થીઓએ લાઇન તોડી આગળ જવાનો પ્રયાસ કર્યો હતો અને અન્ય લોકો સાથે બોલાચાલી શરૂ કરી હતી. ફરજ પર હાજર મહિલા પોલીસ કર્મચારી તેમજ એસ.આર.પી.ના એ.એસ.આઈ. રામભાઈ બોળીયાએ તેમને શાંતિ જાળવી લાઇનમાં રહેવા સમજાવ્યા હતા.
આ સમજાવટ દરમિયાન ઉશ્કેરાયેલા દર્શનાર્થીઓએ પોલીસ કર્મચારી સાથે અશોભનીય વર્તન કરી ગાળો આપી હતી. ત્યારબાદ ત્રણ મહિલાઓએ મહિલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી હોવાનો આક્ષેપ છે, જેમાં વાળ ખેંચવા, માર મારવો તેમજ ધમકી આપવાનો બનાવ બન્યો હતો. જ્યારે સાથે આવેલા બે પુરુષોએ પણ વચ્ચે પડનાર લોકોને અટકાવી ગાળો આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ઝપાઝપીમાં મહિલા પોલીસ કર્મચારીના યુનિફોર્મને નુકસાન થયું હતું તેમજ વ્હીસલ ગાર્ડ અને સોલ્ડર બેઝ ખેંચાઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસ કર્મચારીઓ અને લોકોએ દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો અને પાંચેય લોકોને મંદિર પોલીસ ચોકી ખાતે લઈ જવાયા હતા. પોલીસ તપાસમાં પકડાયેલા તમામ આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓમાં હેમેશ્વરી અનીલભાઈ પાટીલ, સીમાબેન ત્રિભુવનદાસ દેવરે, સંગીતાબેન અનીલભાઈ પાટીલ, ચેતનભાઈ અનીલભાઈ પાટીલ અને અજય મનોહર વાઘનો સમાવેશ થાય છે.
હુમલામાં ઈજાગ્રસ્ત મહિલા પોલીસ કર્મચારીને સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની ફરિયાદના આધારે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ભારતીય ન્યાય સંહિતા મુજબ મારામારી, ફરજમાં અડચણ, ધમકી સહિતની કલમો હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સમગ્ર બનાવની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ સુરૂભા ગોહીલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.