BREAKING NEWS

જામ્યુકોમાં જન્મ મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે હાલાકી

  • June 02, 2026 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોમાં જન્મ મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે હાલાકી

અવારનવાર સર્વર બંધ હોવાને કારણે લોકો આખો દિવસ થાય છે હેરાન: કોઇ અધિકારી સાંભળતા ન હોવાનો આક્ષેપ

જામનગર મહાનગર પાલિકાની જન્મ-મરણ શાખામાં સિસ્ટમની ખામીના કારણે સર્ટિફિકેટ મેળવવા આવતા અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકો દાખલો મેળવવા લાઇનમાં ઉભા રહે છે અને તેનો વારો આવે છે ત્યારે સર્વર બંધ થઇ જાય છે. ફકત જામનગર મહાપાલિકામાં જ શા માટે સર્વર બંધ થઇ જાય છે તે અંગે તપાસ કરવાની જરૂર છે. જન્મ મરણ શાખામાં અધિકારી નિમાયા છે પરંતુ તેને શા માટે આ શાખામાં મુકવામાં આવતા નથી. 

સરકારની નવી કાર્યપ્રણાલી અરજદારો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી છે. શુક્રવારે  સર્વરના પણ ધાંધિયા સર્જાતા હોબાળો મચી જવા પામ્યો હતો, જો કે અધિકારીઓ તમાસો જોઈ રહ્યા છે, પરંતુ નિરાકરણ માટે કોઈ પગલાં લેવાતા નથી.

સર્વપ્રથમ સપ્ટેમ્બર-૨૦રપ માં જન્મ-મરણના સર્ટિ અથવા દાખલા માટે નવા પોર્ટલની શરૂઆત કરવા તજવીજ શરૂ થઈ હતી. આ પછી તા. ૧૬-૨-૨૦૨૬ થી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારપછી ધીમી સમસ્યાની શરૂઆત થઈ હતી.

ગુજરાત સરકારના ઈ-ઓળખ પોર્ટલને કેન્દ્ર સરકારની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં વિલીન કરવામાં આવી અને જન્મ-મરણના દાખલા કાઢવાની રાષ્ટ્રીય સ્તરની કામગીરી શરૂ થઈ હતી, જો કે ત્યારથી લોકોની માઠી બેઠી હતી.

મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં તા. રપ-૫-૨૦૨૬ થી સિંગલ કોમ્પ્યુટર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ફક્ત એક જ કોમ્પ્યુટરમાં કામ થતું હોવાથી અરજદારોનો ભારે ધસારો જોવા મળે છે. જેમાં પણ ગઈકાલે સર્વર ડાઉન થતા હોબાળો મચી જવા પામ્યો હતો. એક અંદાજ મુજબ ૭૦૦ થી વધુ અરજીઓ પેન્ડીંગ છે, અને અરજદારો તેમણે મેળવવાની રાહમાં છે.

સરકારના નવા ફતવા અને મહાનગરપાલિકાના જવાબદારોની બેદરકારીના કારણે હાલ તો અજદારો પરેશાન થઈ ગયા છે. શહેરમાં અનેક સિવિક સેન્ટરમાં દાખલા નીકળી શકે તેમ છે, પરંતુ સરકારે એક જ આઈડી ફાળવતા અન્ય સ્થળે કામગીરી બંધ છે.પહેલા સબરજિસ્ટ્રાર માટેની આઈ.ડી.માં મલ્ટી લોગીન થતું હતું હવે માત્ર એક જ કોમ્પ્યુટરમાં કામ થાય છે, જો કે ચાર બારી માં અરજી સ્વીકારવામાં આવે છે અને બે સ્થળે પ્રિન્ટ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application