દ્વારકા: બરડા અભયારણ્યમાં આવતા પ્રવાસીઓ માટે વન વિભાગની મહત્વની જાહેરાત: સમગ્ર વિસ્તાર ‘પ્લાસ્ટિક મુક્ત’ જાહેર
કપુરડી ચેક પોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરાશે : શ્રાવણ માસ પૂર્વે તેમજ પર્યાવરણના રક્ષણ કાજે તંત્ર દ્વારા ખાસ નિર્ણય
દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની સરહદોને સ્પર્શતા બરડા વન્યજીવ અભયારણ્યની કુદરતી સમૃદ્ધિ અને વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી અને જંગલની સુખાકારીને ધ્યાનમાં રાખીને પોરબંદર વન વિભાગ દ્વારા બરડા ડુંગર અભયારણ્યને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવ્યું છે.
ખાસ કરીને ચોમાસાની વર્તમાન ઋતુ દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે બરડા વન્યજીવ અભયારણ્ય અંતર્ગત આવેલા સુપ્રસિદ્ધ કિલેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે તેમજ બરડા જંગલ સફારીની મજા માણવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવી રહ્યા છે. આ તમામ મુલાકાતીઓ જંગલની અંદર પ્લાસ્ટિક કચરો ન ફેલાવે તે માટે ભાણવડ ક્ષેત્રિય રેન્જ વન વિભાગની કચેરી દ્વારા એક સત્તાવાર પ્રેસ નોટ જાહેર કરીને ખાસ અપીલ કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર, બરડા અભયારણ્યની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓએ જંગલની અંદર કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક ન લઈ જવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. યાત્રાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની સિંગલ યુઝ બોટલો તેમજ પ્લાસ્ટિક પેકિંગમાં આવતો નાસ્તો કે અન્ય કોઈ ખાદ્ય સામગ્રી સાથે લાવવાનું સંપૂર્ણપણે ટાળે. તેના બદલે પર્યાવરણને અનુકૂળ એવી કાપડની થેલી, પીવાના પાણી માટે ઘરેથી જ લાવેલી સ્ટીલની બોટલ અથવા અન્ય પુન: ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રીનો આગ્રહ રાખવો.
વન વિભાગનો મુખ્ય હેતુ માત્ર કાયદા કે નિયમોનું પાલન કરાવવાનો નથી, પરંતુ નો પ્લાસ્ટીક ઈન બરડા અભિયાન હેઠળ સમગ્ર અભયારણ્ય વિસ્તારને પ્રદૂષણમુક્ત રાખી વન્યજીવોને સુરક્ષિત રાખવાનો છે.
આ કડક અમલવારીના ભાગરૂપે વન વિભાગ દ્વારા જંગલમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલી કપુરડી ચેક પોસ્ટ ખાતે પ્લાસ્ટિકના વપરાશ અંગે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. ચેક પોસ્ટ પર તૈનાત વન વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ વાહનો અને પ્રવાસીઓનું નિયમિત તેમજ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ યાત્રાળુ પાસે પ્લાસ્ટિકમાં પેક કરેલો નાસ્તો, પ્લાસ્ટિકની બોટલો કે અન્ય પ્રતિબંધિત સામગ્રી મળી આવશે, તો તેને ચેક પોસ્ટ પર જ જપ્ત કરી લેવામાં આવશે અને ત્યાં જ રાખવાની ફરજ પાડીને જંગલ કે મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
વન વિભાગે જણાવ્યું છે કે પ્રવાસીઓ જો પ્લાસ્ટિક સાથે લાવશે તો ચેકિંગ પ્રક્રિયા લાંબી ચાલશે, જેના કારણે તેમનો કિંમતી સમય પણ વેડફાશે. આથી, જો તમામ પ્રવાસીઓ અગાઉથી જ પ્લાસ્ટિકમુક્ત આયોજન કરીને આવશે તો ચેકિંગની કામગીરી ઝડપી બનશે અને કોઈપણ પ્રકારની અનાવશ્યક અસુવિધા વિના તેઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશે. વન વિભાગે તમામ ભાવિક ભક્તો અને પ્રકૃતિપ્રેમીઓને આ પર્યાવરણલક્ષી સંકલ્પને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહયોગ આપવા આહવાન કર્યું છે.