BREAKING NEWS

અમેરિકાની ઈરાનમાં 140 ઠેકાણા પર એરસ્ટ્રાઈક, વળતા જવાબમાં ઈરાને કુવૈત, બહેરીનમાં ધડાકા કર્યા

  • July 12, 2026 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. શનિવારે મોડી રાત્રે અમેરિકાએ ઈરાન સામે અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી કરતા તેના અનેક સૈન્ય ઠેકાણાઓ પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ ઓપરેશન દરમિયાન ઈરાનના અંદાજે 140 જેટલા રણનીતિક અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને તબાહ કરવામાં આવ્યા છે. અમેરિકાના આ આક્રમક પગલાથી સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે.


અમેરિકી વાયુસેનાએ ઈરાનના અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા પાંચ અગ્રણી શહેરોને નિશાન બનાવ્યા હતા. જેમાં ઈરાનનું ન્યુક્લિયર સિટી ગણાતું બુશહર, અસાલુયેહ, બંદર-એ-દેયર, જાસ્ક અને ચાબહાર સામેલ છે. આ શહેરોમાં આવેલા ઈરાની સેનાના ઠેકાણાઓ, કમાન્ડ સેન્ટર્સ અને શસ્ત્રાગારો પર અમેરિકાએ ભીષણ એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલા પાછળનું મુખ્ય કારણ જણાવતા સેન્ટકોમે ઉમેર્યું હતું કે, હોર્મુઝની સમુદ્રધૂનીમાં સાયપ્રસના ધ્વજવાળા એક કન્ટેનર જહાજ પર ઈરાન સમર્થિત જૂથો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જહાજના એન્જિનને ભારે નુકસાન થયું હતું, આગ લાગી ગઈ હતી અને ક્રૂનો એક સભ્ય ગુમ થયો હતો, જેના જવાબમાં અમેરિકાએ આ આકરી સૈન્ય કાર્યવાહી કરવી પડી છે.

અમેરિકાના આ પ્રચંડ હવાઈ હુમલાના ગણતરીના કલાકોમાં જ ઈરાને પણ વળતો પ્રહાર કરવાનો દાવો કર્યો છે. ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલ IRIBના અહેવાલ મુજબ, ઈરાની સૈન્યએ પડોશી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ ડ્રોન હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે તેઓએ કુવૈત અને બહેરીનમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હુમલા કર્યા છે. જોકે, ઈરાનના આ દાવાઓ અંગે હજુ સુધી અમેરિકા, કુવૈત કે બહેરીનની સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કે નુકસાનીના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.


ઈરાની ન્યૂઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, કુવૈતમાં તૈનાત અમેરિકાની અત્યાધુનિક પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ, દારૂગોળાના ડેપો અને રડાર સાઇટ્સને ઈરાની ડ્રોન્સે નિશાન બનાવી છે. આ ઉપરાંત બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્યના કોમ્યુનિકેશન સિસ્ટમ અને રડાર સ્ટેશન પર પણ ત્રાટકવાનો દાવો કરાયો છે. આ જવાબી હુમલા બાદ ઈરાને સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર અને બહેરીન જેવા ખાડી દેશોને પણ ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે, જેને પગલે આ તમામ દેશોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.


આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી એપી (AP) ના અહેવાલ મુજબ, કતારમાં મોડી રાત્રે અનેક પ્રચંડ ધમાકાના અવાજો સાંભળવા મળ્યા હતા, જેના તુરંત બાદ દેશભરમાં મિસાઈલ એલર્ટના સાયરન ગુંજી ઉઠ્યા હતા. બહેરીનમાં પણ કટોકટીની સ્થિતિ વચ્ચે સાયરન વગાડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બહેરીનમાં જ અમેરિકી નૌકાદળનો અત્યંત મહત્વનો પંચમો કાફલો (5th Fleet) તૈનાત છે, જેના કારણે ત્યાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવાઈ છે. બીજી તરફ, UAE સરકારે પણ સંભવિત મિસાઈલ અને ડ્રોન હુમલાની આશંકાને જોતા નાગરિકો માટે એડવાઈઝરી અને ચેતવણી જાહેર કરી છે. જોકે, ત્યાં હજુ સુધી કોઈ પ્રત્યક્ષ હુમલા કે જાનમાલના નુકસાનના અહેવાલો સત્તાવાર રીતે સામે આવ્યા નથી. સમગ્ર વિસ્તારમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application