અદાણીના કડાકા બાદ એલ.આઈ.સી. ની મૂડીની વેલ્યુ ઘટીને 26,862 કરોડ થઈ ગઈ

  • February 24, 2023 07:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



30 જાન્યુઆરીએ LIC રૂ. 35,917 કરોડનું રોકાણ ધરાવતી હતી



હિન્ડનબર્ગના અહેવાલના પગલે અદાણી જૂથના શેરોમાં જે ભારે ધોવાણ થયું છે તેના કારણે દેશની સૌથી મોટી નાણાકીય સંસ્થા એલઆઈસી (LIC)ને પણ જંગી નુકસાન ભોગવવું પડ્યું છે. LICએ અદાણી જૂથની કંપનીઓમાં જે રોકાણ કર્યું હતું તેની વેલ્યૂ નેગેટિવ થઈ ગઈ છે. 23 ફેબ્રુઆરીના આંકડા પ્રમાણે એલઆઈસીએ અદાણીના સ્ટોક્સમાં જે મૂડી રોકી હતી તેની વેલ્યૂ ઘટીને 26,862 કરોડ થઈ ગઈ છે.


હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો અને LIC સામે સવાલો થયા ત્યારે 30 જાન્યુઆરીએ LICએ જણાવ્યું હતું કે તે અદાણી ગ્રૂપના શેરોમાં ઈક્વિટી અને ડેટ તરીકે રૂ. 35,917 કરોડનું રોકાણ ધરાવે છે. આ શેરોની ખરીદ કિંમત રૂ. 30,127 કરોડ હતી અને 27 જાન્યુઆરીએ આ હિસ્સાની વેલ્યૂ રૂ. 54,142 કરોડ હતી.


અદાણી જૂથની 10 લિસ્ટેડ કંપનીઓ છે. હિન્ડનબર્ગનો અહેવાલ આવ્યા પછી એક મહિનાની અંદર તેની સંયુક્ત વેલ્યૂમાં 146 અબજ ડોલરનો ઘટાડો થયો છે. એટલે કે અમેરિકન શોર્ટ સેલરે અદાણી સામે આરોપો મુક્યા પછી તેના શેરોની વેલ્યૂમાં 60 ટકાથી વધારે ધોવાણ થયું છે. અમુક સ્ટોક્સ તો 85 ટકા સુધી ઘટી ગયા છે.


અદાણીની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસમાં એલઆઈસી 4,81,74,654 શેર એટલે કે કંપનીની કુલ પેઈડ અપ કેપિટલના 4.23 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી પોર્ટ્સમાં તેનો હિસ્સો 9.14 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.65 ટકા, અદાણી ગ્રીનમાં 1.28 ટકા અને અદાણી ટોટલ ગેસ માં 5.96 ટકા હિસ્સો છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ એલઆઈસીની ટોટલ એસેટ અંડર મેનેજમેન્ટ 41.66 લાખ કરોડ હતી.


અદાણી જૂથના શેરોમાં તીવ્ર ઘટાડો થવાના કારણે અદાણી જૂથના વડા ગૌતમ અદાણીની સંપત્તિ પણ ઘટીને 42.7 અબજ ડોલર નોંધાઈ છે. બ્લૂમબર્ગની વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ ટોપ-25માંથી નીકળીને 29મા ક્રમે પહોંચી ગયા છે. અમદાવાદ સ્થિત અદાણી જૂથની સ્થાપના ગૌતમ અદાણીએ કરી હતી અને તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટી, પાવર, રિયલ એસ્ટેટ અને સિમેન્ટ સેક્ટરમાં હાજરી ધરાવે છે.


ગુરુવારે અને શુક્રવારે અદાણીના શેરોમાં આવેલા ઘટાડાથી એલઆઈસીનું ઈન્વેસ્ટમેન્ટ નેગેટિવ થઈ ગયું છે. 30 જાન્યુઆરી પછી એલઆઈસીએ અદાણીના કોઈ શેર ખરીદ્યા કે વેચ્યા નથી તેવી ધારણાના આધારે આ ગણતરી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application