દોઢ મહિનાના વિરામ બાદ રાજ્યમાં ભાદરવો ભરપુર જેવી સ્થિતિ, બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

  • September 20, 2023 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિઝનનો ૧૦૦%થી વધુ વરસાદ, ૧૭,૨૪૨ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો


લગભગ દોઢ મહિનાના વિરામ બાદ રાજ્યભરમાં વરસાદે ફરી ધમાકેદાર બેટિંગ શરુ કરી છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ફરી સક્રિય થયેલા ચોમાસાને કારણે મંગળવાર સાંજ સુધીમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. મંગળવારે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં સૌથી વધુ સાડા ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.


મંગળવારે રાજ્યના ૧૯૬ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. તેમાંથી ૩૪ તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં સૌથી વધુ સાડા ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો. સવારે આઠથી દસની વચ્ચે અહીં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.


જયારે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો. હળવદ અને ટંકારા તાલુકામાં ત્રણ ઈંચ અને વાંકાનેરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં ૭૯ મીમી, ધ્રોલમાં ૫૦ મીમી તો વડોદરાના પાદરામાં ૬૭ મીમી વરસાદ નોંધાયો છે. ૨૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ છે.



બે દિવસ ભારે વરસાદની આગાહી

બુધવાર અને ગુરુવારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. તો અન્ય  કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે.



૧૬,૦૦૦થી વધુ લોકોના સ્થળાંતર, ૧,૦૦૦થી વધુનું રેસ્ક્યુ

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર વરસાદથી પ્રભાવિત નવ જિલ્લાઓમાં ૧૦૭૬ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે ૧૬,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૦ ટીમો અને એસડીઆરએફની ૧૦ ટીમો તૈનાત છે.

વરસાદના પગલે રાજ્યભરના ૧૭,૨૪૨ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેમાંથી મંગળવાર સુધીમાં ૧૭,૧૪૨ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. અન્ય ૯૩ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે રસ્તાઓનું સમારકામ પણ ચાલી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application