સગા ભત્રીજાની હત્યાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો

  • February 22, 2023 11:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસની હકીકત એવી છે કે, આ કામના આરોપીઓ વિક્રમસિંહ નારૂભા રાઠોડ તથા દોલુભા નારૂભા રાઠોડ (રહે. સાધના કોલોની, રણજીતસાગર રોડવાળા) ના સગા ભત્રીજા એટલે કે મરણ જનાર મહાવીરસિંહ ભાવેશસિંહ રાઠોડ તેમની સાથે રહેતો હતો. બંને આરોપીઓ ફ્રુટનો વેપાર કરતા હતા અને અને અવારનવાર તેના ભત્રીજા મહાવીરસિંહને ધંધામાં મદદ કરવા જણાવતા અને આ બાબતે ત્રણેય વચ્ચે અનેક વખત બોલાચાલી અને માથાકુટ થયેલી. તા. ૧૩-૦૫-૨૦૧૯ ના રોજ વિક્રમસિંહ રાઠોડે ઘરમાં પડેલા લાકડાના ધોકાથી મહાવીરસિંહને માથામાં ગંભીર ઇજા કરેલ અને ત્યારબાદ દોલુભાએ પણ ધોકા વડે ઉપરાઉપરી ઘા મારી મહાવીરસિંહનું મોત નિપજાવેલું.

જે બાબતની ફરિયાદ મરણ જનારના માતા ગુલાબબા ભાવેશસિંહ રાઠોડે જામનગર સીટી એ ડીવીઝનમાં નોંધાવી હતી. સદર ફરિયાદના કામે તપાસ કરનાર અધિકારી દ્વારા પુરાવાઓ એકત્રિત કરી વિક્રમસિંહ રાઠોડ તથા દોલુભા રાઠોડ વિરૂઘ્ધ ચાર્જશીટ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.


ત્યારબાદ સદર કેસ ચાલવા પર આવતા સરકારી પક્ષ દ્વારા કુલ ૧૬ સાહેદો તપાસવામાં આવેલા તથા ર૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા. જે અંગે આરોપી તરફે રોકાયેલા વકીલ ધવલ બી. વજાણી દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ સુનાવણી વખતે આરોપી તરફે રોકાયેલા વકીલ ધવલ પી. વજાણી દ્વારા સાક્ષીઓની જુબાનીમાં આવેલ વિરોધાભાસ ઘ્યાને દોરી અને આરોપીઓને છોડી મુકવા અરજ કરેલ.


જે દલીલ માન્ય રાખી પ્રિન્સીપાલ સેશન્સ જજ વી.જી. ત્રિવેદી દ્વારા બંને આરોપીઓને આઇપીસી કલમ ૩૦ર વિગેરેના ગુન્હામાંથી નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.


ઉપરોક્ત કેસમાં આરોપી વિક્રમસિંહ તથા દોલુભા તરફે વકીલ ધવલ બી. વજાણી રોકાયેલા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application