ગોંડલમાં ગાંઠિયાના પૈસા માગતા યુવાનને માર મારી છરી ઝીંકી દીધી

  • August 31, 2023 01:50 PM 

ગોંડલમાં હાઇવે પર આવેલી ગાંઠિયાની દુકાને નાસ્તો કરવા આવેલા શખસ પાસે વેપારીએ નાસ્તાના પૈસા માંગતા આ શખસ ઉશ્કેરાયો હતો અને વેપારી સાથે ઝઘડો કર્યો હતો બાદમાં આ શખસના પિતા અને ભાઈ સહિતનાઓ અહીં ધસી આવ્યા હતા અને યુવાનને માર મારી હાથમાં છરી ઝીંકી દીધી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વેપારી યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલમાં જેતપુર રોડ પર હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર ૧૨ માં રહેતા ભાવિનભાઈ પ્રવીણભાઈ નિમાવત(ઉ.વ ૪૦) દ્વારા ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં વોરાકોટડા રોડ પર રહેતા હિતેશ જાદવભાઈ ભરવાડ, હિતેશનો ભાઈ હિતેશના પિતા જાદવ ભરવાડ અને હિતેશના મિત્રના નામ આપ્યા છે.
​​​​​​​
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને અહીં ગોંડલ પાસે હાઈવે પર જેતપુર ત્રણ ખુણીએ ગુરુકૃપા નામની ફરસાણની દુકાન આવેલી છે. તેની દુકાને હિતેશ જાદવ અને તેના મિત્રો ગાંઠિયા ખાવા માટે આવ્યા હતા. નાસ્તો કરી લીધા બાદ આ હિતેશ પાસેથી નાસ્તાના પૈસા માંગતા તેણે નાસ્તાના પૈસા આપવાની ના પાડી હતી અને કહ્યું હતું કે, તારાથી થાય તે કરી લે નાસ્તાના પૈસા આપવા નથી આમ કહી તે જતા રહ્યા હતા.થોડીવાર બાદ હિતેશનો ભાઈ દુકાને આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે મારા ભાઈને કેમ ગાળો આપી જેથી યુવાને કહ્યું હતું કે, ગાળો નથી આપી નાસ્તો કર્યો તેના પૈસા માંગ્યા હતા. દરમિયાન હિતેશના પિતા જાદવે ફોનમાં યુવાનને કહ્યું હતું કે, મારા દીકરા પાસે પૈસા કેમ મંગાય તેમ કહી ગાળો દેતા યુવાને ફોન કાપી નાખ્યો હતો.
થોડીવાર બાદ આ ચારેય શખસો અહીં દુકાને આવ્યા હતા અને યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન હિતેશે પોતાની પાસે રહેલી છરી વડે યુવાન પર હુમલો કરી દીધો હતો જેમાં તેને હાથનાભાગે ઈજા પહોંચી હતી હિતેશના પિતા જાદવભાઈ ભરવાડે ધમકી આપી હતી કે તારા દિવસો ગણવા માંડ તને પતાવી દેવો છે. દરમિયાન દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારી સહિતના અહીં આવી યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો ત્યારબાદ યુવકને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં યુવાને આ મામલે ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૩,૩૨૪, ૫૦૪,૫૦૬(૨), ૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application