અજીબોગરીબ કિસ્સોઃ રાજકોટમાં મહિલાના નાકમાં દાંત ઊગ્યો, દૂરબીનથી ઓપરેશન કરી બહાર કાઢ્યો

  • December 27, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઈ વ્યક્તિના નાકમાં દાંત ઉગે તેવું તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. પણ આ કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. 38 વર્ષની મહિલાને નાકમાં દાંત ઉગી નીકળતા તેઓ છેલ્લા 10 વર્ષથી પીડાતા હતા. આને અકેટોપિક ટૂથ તરીકે ઓળખવામાં આવે છે. આ મહિલાના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું અને અસહ્ય માથાનો દુખાવો રહ્યા કરતો. તેમજ વારંવાર શરદીની સમસ્યાથી પીડાતા હતા. 10 વર્ષથી ઘણી જગ્યાએ દવા લીધી પણ આનો કોઈ ઈલાજ થતો નહોતો. પરંતુ રાજકોટના ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કર પાસે ઇલાજ માટે આવ્યા ત્યારે ખબર પડી કે, નાકમાં દાંત ઉગી નીકળ્યો છે. આથી ડોક્ટરે દુરબીનથી ઓપરેશન કરી દાંત બહાર કાઢી મહિલાને પીડામાંથી મુક્ત કરી છે.


આ એક અતિ દુર્લભ સ્થિતિ છે
ડો. ઠક્કરે નાકની એન્ડોસ્કોપી અને સીટી સ્કેન કર્યું, જેમાં જમણા નાકમાં દાંત જેવી રચના મળી, જે ગ્રેન્યુલેશન ટિશ્યુ અને પ્રવાહી થી ઘેરાયેલી હતી. આને "એક્ટોપિક ટૂથ" તરીકે ઓળખવામાં આવે છે, જે દાંત ખોટી જગ્યાએ ઉગે ત્યારે થાય છે. આ એક અતિ દુર્લભ સ્થિતિ છે, જેની ઘટનાઓ માત્ર 0.1% થી 1%  કેસમાં થાય છે અને સાહિત્ય અનુસાર વિશ્વભરમાં 50થી પણ ઓછા કેસ નોંધાયેલા છે.


આથી મહિલાના પરિવારને એન્ડોસ્કોપિક સર્જરીની સલાહ આપી. ઓપરેશન દરમિયાન મોટી પથ્થર જેવી રચના. જેને  rhinolith કહેવાય છે તે બહાર કાઢવામાં આવી, જેમાં દાંત સમાયેલો હતો. આ દાંત જમણા નાકના અંદરના ભાગ (ઇન્ફિરિયર ટર્બિનેટ) માંથી ઉગ્યો હતો. સર્જરી પૂરી રીતે સફળ રહી અને દર્દીને કોઈ પણ જાતની  તકલીફો  વિના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

હવે મહિલા સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે. તેમનો માથાનો દુખાવો દૂર થઈ ગયો છે અને તેઓ સરળતાથી શ્વાસ લઈ શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application