રાજુલાના કડિયાળી ગામે બે પક્ષો વચ્ચે સામાન્ય બાબતે જૂથ અથડામણ, ૧૩ લોકો સામે ફરિયાદ

  • January 18, 2023 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કડીયાળી ગામે માત્ર હાથ અડી જવા જેવી સામાન્ય બાબતે બબાલ થતા બે પક્ષો સામસામે આવી ગયા હતા અને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી. બે વ્યક્તિઓ ઈજાઓ થતા સામ-સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો .


અહીં સરપંચ પુત્ર અને અન્ય એક શખ્સ વચ્ચે બોલાચાલી થઇ હતી.જે બાદ વિવાદ થયો હતો અને મોટું પરિણામ આવ્યું હતું.બંને પક્ષો સામ-સામે આવી જઈને એક બીજા સાથે જૂથ અથડામણ કરી તેમજ વાહનોમાં પણ તોડફોડ કરી હતી. બંને પક્ષોના ૧૩ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.જોકે બને પક્ષોના ૮ જેટલા લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.
ગામના સરપંચ તરીકે ફરજ બજાવતા ગંભીરભાઈ ભગુભાઈ બારૈયા (ઉ.વ.૩૭) એ ફરિયાદ નોંધાવી હતી કે,તેમનો દીકરો કુલદીપભાઈ તેના ગામના દાનાભાઇ જાનાભાઇ નકુમની દુકાને કરિયાણું લેવા માટે ગયેલ હતો.તે અરસામાં તેનો હાથ દિલુભાઈ ધાખડાના ભાણેજ રવિભાઈ વાળા ને અડી જતાં કુલદીપને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.તેમજ ઢીંકા પાટાનો મુંઢ માર માર્યો હતો.આ બાદ વિવાદ વધુ વકરતાં જોરૂભાઇ ભાભલુભાઇ ધાખડા, ભુપતભાઇ ભાભલુભાઇ ધાખડા, દિલુભાઇ નનકુભાઇ ધાખડા,ભગીભાઇ દિલુભાઇ ધાખડા,હકુભાઇ નનકુભાઇ ધાખડા,રાજદિપભાઇ હકુભાઇ ધાખડા રહે.તમામ કડીયાળી,રવિભાઇ જસુભાઇ વાળા રહે.વિરપુર દિલુભાઈ ધાખડા નો ભાણેજ સહિતના શખ્સો એક સંપ થઈને ગેરકાયદેસર મંડળી રચી ને પ્રાણ ઘાતક હથિયારો લઈ ધસી  આવી સરપંચ ને ગાળો આપી તેમજ બજારમાં પાર્ક કરેલ સરપંચના વાહનોમાં તોડફોડ કરી અનેછુટા પથ્થરના ઘા કરી  મારી નાખવાની ધમકી આપી હતી.જોકે આ બાદ સામે પક્ષે ભુપતભાઇ ભાભલુભાઈ ધાખડા (ઉ.વ.૪૫)એ ફરિયાદ નોંધાવી હતી કે,ભાણેજ રવિભાઈ વાળા તથા ગંભીરભાઈ ભગુભાઈ બારૈયાના દીકરા બંને વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયેલ હતી.જે બાબતે મનદુ:ખ રાખી  ૬ જેટલા શખ્સો ગંભીરભાઇ ભગુભાઇ બારૈયા, જીલુભાઇ ભુપતભાઇ બારૈયા, કુલદિપભાઇ ગંભીરભાઇ બારૈયા, વિદુરભાઇ જોરૂભાઇ બારૈયા, કાળુભાઇ ભગુભાઇ બારૈયા, રામભાઇ ગંભીરભાઇ બારૈયા તમામ રહે.કડીયાળી વાળાએ પ્રાણ ઘાતક હથિયારો વડે  ભૂપતભાઈ તેમજ જોરૃભાઈનેઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટના વધુ મોટું રૂપ ધારણ ન કરે તે માટે અમરેલીના એસપી હિમકર સિંહ ની સૂચના પ્રમાણે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને કોમ્બિંગ શરુ કરી દીધું હતું.તેમજ બંને પક્ષોના ચાર-ચાર લોકોને ધરપકડ કરી તેમજ સમગ્ર ગામમાં પોલીસ કાફલો ગોઠવી દઈનેશાંતિ જળવાય તે પ્રકારની કામગીરી શરુ કરી હતી.૫૦ જેટલા કર્મચારીઓ ગોઠવી ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું.

સાવરકુંડલાના બાઢડા ગામના ખાનગી ટાવરમાંથી ૩.૬૭ લાખની ચોરી
અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામેઆવેલ એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવર માંથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ટેલિકોમ ટાવર ને લગતા કિંમતી માલ સામાનની ચોરી કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતા મહમદઆરીફ લીયાકતઅલીસિપાઈ (ઉ.વ.૩૨) એ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જી.ટી.એલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. કંપનીનાબાઢડા ગામે આવેલ મોબાઈલ ટાવર માંથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ૩,૬૭,૬૮૭ ની કિંમતના ટેલિકોમ ટાવર નેલગતી કિંમતી સામાનની ચોરી કરી હતી. પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે,આ બનાવગત ૦૬/૦૬/૨૦૦૭ થી ૧૧/૧૦/૨૦૨૨ ના સમયગાળાના ૧૫ વર્ષ જેવા દરમિયાન બની હોવાનું જણાવવામાં આવ્યું છે.આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application