BREAKING NEWS

ખતરનાક કૃત્યઃ અમદાવાદમાં ધો.છના વિદ્યાર્થીએ સહપાઠીની પાણીની બોટલમાં ડામર ભેળવી દીધો!, પાણી પીતા જ છાત્રના હાલ બેહાલ

  • February 03, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા વિદ્યાલયમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ-છમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાએ માત્ર શાળા સંચાલન નહીં પરંતુ વાલીઓ અને શિક્ષણ જગતમાં પણ ચિંતા ફેલાવી છે. શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય મુદ્દે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ એક વિદ્યાર્થીએ બદલો લેવા માટે અત્યંત વિચિત્ર અને ખતરનાક હરકત કરી હતી. આરોપ મુજબ, એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે ડામરનું મિશ્રણ ભેળવી દીધું હતું. બોટલમાં ભેળવાયેલા આ પાણીને પીધા બાદ વિદ્યાર્થીની તબિયત અચાનક લથડી ગઈ હતી અને તેને ઉલટીઓ થવા લાગી હતી.


ઘટનાની જાણ થતા જ શાળા સંચાલન તંત્ર હરકતમાં આવ્યું હતું. બીમાર થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. સદનસીબે બાળકને કોઈ ગંભીર શારીરિક નુકસાન થયું નથી. જોકે, આ ઘટના જો વધુ ગંભીર રસાયણિક પદાર્થ સાથે જોડાયેલી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


શાળા સંચાલકોએ સમગ્ર ઘટનાની તપાસ માટે શાળામાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. ફૂટેજમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ તેની પાણીની બોટલમાં કથિત રીતે કંઈક ભેળવતો જોવા મળ્યો હતો. આ પુરાવા આધારે શાળાએ તાત્કાલિક પગલાં લીધાં હતા.


આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતા જોતા બંને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવી કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ તકેદારીના ભાગરૂપે બંને વિદ્યાર્થીઓના સેક્શન બદલી નાખવામાં આવ્યા છે, જેથી ફરી આવી ઘટના ન બને.

નાની ઉંમરે અભ્યાસ કરતા બાળકોમાં આવી હિંસક અને બદલો લેવાની માનસિકતા ઉદભવે તે અત્યંત ચિંતાજનક બાબત ગણાઈ રહી છે. આ ઘટનાએ વાલીઓને પણ વિચારવા મજબૂર કર્યા છે કે બાળકોની માનસિક સ્થિતિ, વર્તન અને મિત્રવર્તુળ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. શિક્ષણ માત્ર પાઠ્યક્રમ પૂરતું ન રહી, પરંતુ મૂલ્યો, સહનશીલતા અને સંવાદની સમજ વિકસાવવા તરફ પણ ધ્યાન આપવું જરૂરી હોવાનું નિષ્ણાતો માને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application