અમદાવાદ કોર્ટ કેમ્પસમાં જ લોહિયાળ જંગ, હાઈકોર્ટના બે અધિકારીઓ એક યુવતી માટે બાખડ્યા

  • September 20, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2 ડીવાયએસઓ અને યુવતીનું લવ ટ્રાયેન્ગલ



ગુજરાત હાઈકોર્ટ પાસે ૨ ડીવાયએસઓ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. એક જ યુવતીને પ્રેમ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેને લઈને એક ડીવાયએસઓ એ હુમલો કરી દેતા મામલો વધુ ગરમાયો છે. ગુજરાત હાઇકોર્ટના બે ડીવાયએસઓ  વચ્ચે યુવતી સાથેના સંબંધને લઇને કેટલાક મહિનાઓથી માથાકૂટ થઇ હતી. એક યુવતીને એક ડીવાયએસઓ સાથે વાતો થતી હતી પરંતુ બંનેના પરિવારજનો સગાઇ માટે તૈયાર થયા ન હતા. યુવતીના પરિવારજનોએ આ જ ડીવાયએસઓના મિત્ર કે જે તેની જ સાથે રહે છે અને ડીવાયએસઓ તરીકે ફરજ બજાવે છે તેની સાથે તેણીની સગાઇ નક્કી કરી હતી. આ અંગે એક ડીવાયએસઓને જાણ કરતા આ બાબતે માથાકૂટ કરી માથાના ભાગે ઘાતક હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જે મામલે સોલા પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી ગણતરીના પળોમાં જ ડીવાયએસઓની અટકાયત કરી હતી.


હાલ ગોતાના સ્તવન પરિશ્રયમાં રહેતા અને મૂળ ગોધરાના અમિતકુમાર પણદા ગુજરાત હાઈકોર્ટમાં સીએફસી લિસ્ટિંગ ક્રિમિનલ શાખામાં ડીવાયએસઓ છે. તેની સાથે જ રહેતો તેનો મિત્ર મયૂર બારિયા પણ હાઈકોર્ટમાં ડીવાયએસઓ તરીકે ફરજ બજાવે છે. નવરંગપુરાની હોસ્પિટલમાં ફિઝિયોથેરાસ્પિસ્ટ તરીકે ફરજ બજાવતી યુવતી સાથે એક વર્ષ પહેલાં મયૂર બારિયાની સગાઇની વાત ચાલતી હોવાથી યુવતી અને મયૂર બારિયા વાતચીત કરતા હતા. સાત આઠ માસ પહેલા બંનેના પરિવારજનોએ કોઇ કારણોસર સગાઇની મનાઇ કરી હતી.


આમ છતાં મયૂર બારિયા અને યુવતી સાથે વાત કરતો હતો. પણ યુવતી અમિતકુમારના વતન બાજુની હોવાથી બંનેના પરિવારના સભ્યો વચ્ચે સગાઇની વાત ચાલતી હતી. જેથી અમિતકુમાર પણ તે યુવતી સાથે વાતચીત અને મુલાકાત કરતા હોવાનું સામે આવ્યું છે. જોકે, યુવતી અને અમિતકુમારે આ બાબતે મયૂર બારિયાને વાત કરી ન હતી. આ દરમિયાનમાં થોડા દિવસો પહેલા અમિતકુમારની સગાઈ આ યુવતી સાથે થઈ હતી. જેની મયૂર બારિયાને જાણ થતા મયૂર બારિયાએ અમિતકુમારને અમે બન્ને લગ્ન કરવાના છીએ એ વાતની તને જાણ છે તેમ છતા તે કેમ સગાઈ કરી તેમ કહીને ઝઘડો કર્યો હતો. જેથી મયૂર અને અમિતકુમાર એક જ ઘરમાં રહેતા હોવા છતા એક બીજા સાથે બોલતા ન હતા.


આ દરમિયાનમાં સોમવારે સાંજે યુવતીનો અમિતકુમાર પર ફોન આવતા તેઓ ગુજરાત હાઈકોર્ટની વહીવટી બિલ્ડિંગમાં આવેલી બેંક પાસે ઊભા રહીને ફોન પર વાત કરતા હતા. તે સમયે મયૂર બારિયા પાવડો લઈને ત્યાં અચાનક જ આવ્યો અને અમિતકુમારના માથાના ભાગે ફટકા મારતા અમિતકુમારને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે લઇ જવાયા હતા. સોલા પોલીસને જાણ થતાં સોલા પોલીસે આ મામલે મયૂર બારિયા સામે ગુનો નોંધી ગણતરીના સમયમાં મયૂર બારિયાની અટકાયત કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application