ઝાકિર નાઈકે સેંકડો લોકોને ઈસ્લામ કબૂલ કરાવડાવ્યો, પુત્રનો દાવો

  • September 27, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં મની લોન્ડરિંગ અને આતંકવાદ સહિતના ઘણા કેસોમાં વોન્ટેડ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક અને તેનો પુત્ર શેખ ફારિક નાઈક  આવતા મહિને 5મી ઓક્ટોબરે પાકિસ્તાન જઈ રહ્યા છે. બંનેએ પાકિસ્તાન સરકારના આમંત્રણ પર પાકિસ્તાન જવાનું નક્કી કર્યું છે. આ પ્રવાસ પહેલા ઝાકિર નાઈકે એક પાકિસ્તાની યુટ્યુબરને ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે ભારત સાથે જોડાયેલી ઘણી વાતો કહી હતી. હવે તેમના પુત્ર ફારિક નાઈકનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. જેમાં તે પોતાના ભાગેડુ પિતા સાથે ભારત છોડવાની વાત કરી રહ્યો છે.


પાકિસ્તાની યુટ્યુબર નાદિર અલીના શોમાં ફારિક નાઈકને પૂછવામાં આવ્યું કે ક્યા સંજોગોમાં તેના પરિવારએ ભારત છોડ્યું. જવાબમાં ફારીકે કહ્યું, 'જ્યારે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે અમે ભારતમાં નહોતા. એવું કહેવામાં આવ્યું હતું કે ઝાકિર નાઈક ભારતમાંથી ભાગી ગયો હતો... મીડિયામાં પણ આ વાત કહેવામાં આવી રહી હતી પરંતુ તે સાચું નથી. અમે ભારતમાં હતા જ નહી. અમે ભારતમાં હોય અને પછી ત્યાંથી ભાગી જઈએ તો તેને ભાગી ગયા કહેવાય. તે સમયે અમે મક્કામાં હતા. આ વિવાદ ઈદના એક દિવસ પહેલા જ શરૂ થયો હતો.


બાંગ્લાદેશ બોમ્બ બ્લાસ્ટમાં આવ્યું હતું ઝાકિર નાઈકનું નામ


નાઈક ​​2016માં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. એક હુમલાખોરે કહ્યું કે તે ઝાકિર નાઈકના વીડિયોથી પ્રભાવિત થયો હતો. આ પછી નાઈક તેના પરિવાર સાથે ભારતમાંથી ભાગી ગયો હતો.


ત્યારે નાઈકના પુત્ર ફારિકનું કહેવું છે કે તેના પિતાને આ બ્લાસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી. બ્લાસ્ટનો એક ગુનેગાર તેના પિતાને સોશિયલ મીડિયા પર ફોલો કરતો હતો અને તેના કારણે તેના પિતાને આતંકવાદનો સમર્થક જાહેર કરવામાં આવ્યો હતો.


ફારીકે આગળ કહ્યું, 'અમે કહેવા માગતા હતા કે તમે અમને તેમના ભાષણમાંથી એક પણ નિવેદન જણાવો જે આતંકવાદને પ્રોત્સાહન આપે છે... અમે માની લેશું. પણ તેમના ભાષણમાં એવા સાત નિવેદનો હતા જે આતંકવાદ વિરુદ્ધ હતા.


' મક્કાથી ભારત પાછા ફરવા માંગતા હતા તેના પિતા '


ફારીકે કહ્યું કે હંગામો શરૂ થયા પછી પણ તેના પિતા પરિવાર સાથે મક્કાથી ભારત પાછા આવવા માંગતા હતા પરંતુ મીડિયાએ આ વાતને એટલી બધી અતિશયોક્તિ સાથે રજૂ કરી કે નાઈકે ભારત આવવાનો વિચાર જ છોડી દેવો પડ્યો.


ફારીકે કહ્યું કે તેના પિતા પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા પરંતુ એક પણ આરોપ સાબિત થયો નથી.


તેણે કહ્યું, 'તેઓ (ભારત સરકાર) કહેતા હતા કે તમે પહેલા ભારત આવો, પછી અમે તમારા પર ચાર્જ લગાવીશું પરંતુ આપણે જાણીએ છીએ કે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં લોકોને ખોટા કેસમાં જેલમાં નાખીને તેમનું આખું જીવન બરબાદ કરવામાં આવે છે. લોકો 10, 15 વર્ષ જેલમાં રહે છે અને પછી કહે છે કે તમે નિર્દોષ છો. તેથી જ મારા પિતાએ કહ્યું કે તમે જે પણ કેસ ચલાવવા માંગો છો, તે ઝૂમ પર કાર્યવાહી કરીએ પરંતુ તેઓ સંમત ન થયા.


ફારીકે વધુમાં કહ્યું કે જો કેસની સુનાવણી ન્યાયી રીતે થઈ હોત તો ઝાકિર નાઈક ભારત આવી ગયો હોત.


કેટલા લોકો ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા?


ઈન્ટરવ્યુ દરમિયાન ફારિક નાઈકે ધર્માંતરણ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, 'જ્યારે અમે ભારતમાં હતા ત્યારે અમે ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને આ સંગઠનમાં જોડાઓ, તે સંગઠનના સંપર્કમાં રહેવા માટે કહેતા હતા પરંતુ ભારતમાંથી બહાર આવ્યા પછી... હવે સમગ્ર વિશ્વમાં લોકો ઇસ્લામ સ્વીકારી રહ્યા છે... જ્યારે તેઓ અમને બોલાવે છે, ત્યારે અમે તેમને કહીએ છીએ કે તેઓ કયા સ્થાનિક ઇસ્લામિક સંગઠનમાં જોડાઈ શકે છે.


ફારિક નાઈકને પૂછવામાં આવ્યું કે પુરુષો અને સ્ત્રીઓમાંથી કોણ વધુ ઈસ્લામ સ્વીકારે છે. તેના જવાબમાં તેણે કહ્યું, 'મને લાગે છે કે પુરુષો કરતાં વધુ મહિલાઓ ઇસ્લામ સ્વીકારે છે. તેનું કારણ એ છે કે ઇસ્લામમાં મહિલાઓને ખૂબ સન્માન આપવામાં આવ્યું છે. પશ્ચિમી સભ્યતાએ જે રીતે મહિલાઓની અધોગતિ કરી છે તેના કારણે તેઓ ઇસ્લામ તરફ વળી રહી છે. સત્ય એ છે કે અમેરિકામાં 9/11ના હુમલા પછી પશ્ચિમી દેશોમાં ઇસ્લામ સ્વીકારનારાઓમાં બે તૃતીયાંશ મહિલાઓ છે.


યુટ્યુબરે વધુમાં પૂછ્યું કે ઝાકિર નાઈકે સેંકડો લોકોને ઈસ્લામ કબૂલ કરાવડાવ્યું છે, ફારિક નાઈકે કેટલાને ઈસ્લામ કબૂલ કરાવડાવ્યું?  ફારિકે જવાબ આપ્યો, 'જ્યાં સુધી મને યાદ છે, મેં માત્ર બે-ત્રણ લોકોને જ ઈસ્લામ કબૂલ કરાવડાવ્યું હતું. આ સિવાય ઘણા લોકો પીસ ટીવી દ્વારા ઈસ્લામ કબૂલ કરે છે… અમે આ લોકોના ચોક્કસ આંકડા શોધી શક્યા નથી.


'મલેશિયા મુસ્લિમ દેશ છે તેથી...'


ઇન્ટરવ્યુ દરમિયાન ફારિકે કહ્યું કે તે ભારતમાં જન્મ્યો છે અને ત્યાં જ મોટો થયો છે, તેથી તેને ભારત ખૂબ જ યાદ આવે છે. તેણે કહ્યું કે જો કે, હવે તે તેના પરિવાર સાથે મલેશિયામાં રહે છે એટલે  તેને આ દેશ ગમે છે. તેણે કહ્યું, 'અમે મલેશિયામાં સંતોષપૂર્વક જીવીએ છીએ. આ મુસ્લિમ દેશ છે. ઇસ્લામ એ દેશનો ધર્મ છે અને ખાસ કરીને અમે જ્યાં રહીએ છીએ… પુત્રજયામાં, ત્યાંના 90-95% લોકો મુસ્લિમ છે, તેથી અહીંનું વાતાવરણ ઇસ્લામિક છે.


 ઝાકિર નાઈકે ઘણા સમય પહેલા પીસ ટીવી નામની ચેનલ શરૂ કરી હતી જેના પર તે ઉશ્કેરણીજનક ભાષણો આપે છે. નાઈક ​​પર તેમના ભાષણો દ્વારા યુવાનોને પ્રભાવિત કરીને કટ્ટરવાદ તરફ વળવાનો આરોપ છે. પરંતુ તેમના પુત્રનું કહેવું છે કે આ ચેનલ ઈસ્લામની સેવા માટે છે અને લોકોને ઈસ્લામ વિશે જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application