રાજકોટમાં રઘુવંશી સમાજના યુવકોએ સ્વામિનારાયણના સાધુના પૂતળાને લાતો મારી સળગાવ્યું, પોલીસે ઠાર્યું; 10ની અટકાયત

  • March 05, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આજે રાજકોટમાં  ભૂપેન્દ્ર રોડ પર આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા આવી પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાનપ્રકાશના પૂતળા પર લાતો મારી પૂતળું સળગાવવામાં આવ્યું હતું. જો કે, તુરંત પોલીસ પહોંચી જતા પૂતળું સળગતું ઠારી વિરોધ કરી રહેલા યુવાનોને ડિટેઈન કરાયા હતા.


2 મહિલા સહિત 10 લોકોને ડિટેઈન કરાયાં
વિરોધને પગલે પોલીસે રઘુવંશી સમાજનાં 10 યુવકો તેમજ 2 મહિલાઓને પણ ડિટેઈન કરી હતી. વિરોધના પગલે અગાઉથી જ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે એ ડિવિઝન પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમા લોહાણા સમાજના યુવકે જણાવ્યું હતું કે, વીડિયો કોલિંગના માધ્યમથી માંગવામાં આવેલી માફી અમને મંજૂર નથી. જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર રૂબરૂ આવીને માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.


મંગળવારે મામલો થાળે પડ્યો હતો
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો તેમજ જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માગે એવી ભાવિકોએ માગ કરી હતી. રાજકોટના સાંસદ રૂપાલાએ પણ કહ્યું હતું કે જલારામ બાપા વિશે બોલવાની સ્વામીની હેસિયત નથી. આ માગને લઈ મંગળવારે (4 માર્ચે) સવારે અગિયાર વાગ્યે વીરપુર ગ્રામપંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી તેમજ જલારામ બાપાના મંદિર સુધી ભક્તોએ પદયાત્રા કરી હતી. ત્યાર બાદ 4 માર્ચ, 2025 વીરપુર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે સાંજે આ વિવાદ થાળે પડ્યો હતો.


શું છે સમગ્ર વિવાદ
વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતમાં સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા... ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે. નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાઇ છે.


જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સત્સંગનો વીડિયો વાઇરલ થતાં ઠેર ઠેર વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે.


વિવાદ વધતા સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે,"સંત શિરોમણિ જલારામ બાપાનાં ચરણોમાં સત્-સત્ વંદન. સાથે મારી વાત રજૂ કરું છું. થોડાક સમય પહેલાં એક બુકમાં એક પ્રસંગ મેં વાંચ્યો હતો. એ જ પ્રસંગ એક મેગેઝિનમાં પણ વાંચ્યો હતો. મને લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું, "અયોધ્યામાં જલારામ બાપાએ જે કાર્યો કર્યાં અને ભગવાનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં, જો કોઈપણ સમાજને કે વ્યક્તિને મારી વાત દુઃખદ લાગી હોય, તો હું સાચા દિલથી માફી માગું છું."તેમણે વધુમાં જણાવ્યું કે, "આ વીડિયો અમે તરત જ હટાવી લીધો છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application