રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટ નજીક પાંચેક દિવસ પહેલા આઇશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જયારે મિત્રને ઇજા થતા સારવાર આપવામાં આવી હતી. બામણબોરમાં ફેકટરીમાં કામ કરતો યુવક મિત્ર સાથે કુવાડવા ગામે સ્કૂલમાંથી પુત્રનું એલસી લેવા જઈ રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી આઇશર ચાલક નાશી ગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ આસામનો વતની અને હાલ બામણબોરમાં આવેલી કંપનીમાં કામ કરતો અને ત્યાંજ ઓરડીમાં પરિવાર સાથે રહેતો દિપક ભાબીન સોનોવાલ (ઉ.વ.45) અને મિત્ર રવિ ગિરધરભાઈ રંગતા (ઉ.વ.26) બંને ગત તા.7-5ના બાઈક લઈને કુવાડવા ગામે જતા હતા ત્યારે હિરાસર એરપોર્ટ નજીક પહોંચતા પુરપાટ ઝડપે આવતા આઈશરે બાઇકને ઉલાળતા બંને યુવક ફંગોળાયા હતા. બનાવના પગલે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દીપકને ગંભીર ઇજા થવાથી સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી દરમિયાન ગત રાત્રીના દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક દીકરો દીકરી છે. પુત્ર કુવાડવા ગામની સ્કૂલમાં અભ્યાસ કરતો હોય ત્યાંથી વતનમાં ભણવા બેસાડવાનો હોવાથી તેનું લિવિંગ સર્ટી કઢાવવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. પોલીસે આઇશર ચાલકની શોધખોળ હાથ ધરી છે.