વર્ષ ૨૦૨૧ની સરખામણીએ રાજકોટ મનપા ચૂંટણીમાં આપનું નબળું પ્રદર્શન
વર્ષ ૨૦૨૧ની સરખામણીએ રાજકોટ મનપા ચૂંટણીમાં આપનું નબળું પ્રદર્શન
April 30, 2026 09:59 PM
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગત મનપા ચૂંટણીની સરખામણીએ આ વખતે આપ પાર્ટીની રાજકોટ શહેરમાં લોકપ્રિયતા ઘટી છે અને રાજકોટમાં આપ પાર્ટી થોડી નબળી સાબિત થઈ છે. તેમજ ભાજપનો વોટશેર વધ્યો છે પણ બેઠકોમાં ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસ પાર્ટીનો પણ વોટશેર ઘટયો છે પણ તેની બેઠકો વધી ગઈ છે. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. જેનું પરિણામ ગત તારીખ ૨૮ એપ્રિલના રોજ આવ્યું હતું. જો રાજકોટ મહાનગરની વાત કરીએ તો ગત ૨૦૨૧ની સરખામણીએ ઘણા ફેરફારો જોવા મળ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડ માટેની ૭૨ સીટ માટેના ૨૦૨૬ના પરિણામો જોઈએ તો ભાજપને ૬૫, કોંગ્રેસને સાત અને આપને શૂન્ય બેઠક મળી છે. જે સંદર્ભે ૨૦૨૧ના પરિણામો સાથે સરખામણી કરીએ તો આ વખતે ભાજપને ત્રણ સીટનો ફટકો પડ્યો છે અને કોંગ્રેસની ત્રણ સીટો વધી છે. જ્યારે આપ પાર્ટી આ વખતે પણ શૂન્ય પર જ રહી છે. અહીં મહત્વનું એ છે કે આ વખતે કોંગ્રેસની બેઠકો વધી છે પરંતુ તેનો વોટશેર ૦.૮૫ ટકા ઘટ્યો છે, જ્યારે ભાજપની બેઠકો ઘટી છે પરંતુ તેનો વોટશેર ૭.૪૮ ટકા જેટલો વધ્યો છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આપ પાર્ટીએ વિચારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ૨૦૨૧ની મનપા ચૂંટણીમાં આપને ૧૭.૪૦ ટકા મત મળ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૬માં આપને ૧૪.૧૨ ટકા જ મત મળ્યા છે. તેથી રાજકોટના શહેરી વિસ્તારમાં આપના વોટશેરમાં ૩.૨૮ ટકાનો નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. અત્રે ઉલ્લે ખનીય છે કે, આપ પાર્ટીએ ૨૦૨૬ની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘણું સારું પ્રદર્શન કરી પોતાનો વોટશેર વધાર્યાની સાથે અમુક બેઠકો પણ કબજે કરી છે. ત્યારે શહેરી વિસ્તારોમાં અને તેમાં પણ સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં આપ પાર્ટીએ મતદારોને રીઝવવા આવનારી ચૂંટણીમાં વધુ કમર કસવી પડશે તે નક્કી છે.