ત્રંબામાં યુવાનને કાકાજી સસરા અને સાળાએ લાકડી, પાઇપ વડે માર માર્યો

  • November 17, 2023 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં પેડક રોડ પર ગ્રામ લક્ષ્મી સોસાયટીમાં રહેતા ઇમિટેશનના ધંધાર્થી યુવાનને ત્રંબા ગામે તેના સાસરીયાના ઘરે કાકાજી સસરા અને સાળા સહિતનાઓએ લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પેડક રોડ પર ગ્રામલક્ષ્મી સોસાયટી શેરી નંબર 4માં રહેતા અને ઈમીટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર વિશાલ ગિરધરભાઈ મકવાણા(ઉ.વ 29) નામના યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાકાજી સસરા હરેશ શામજીભાઈ દેત્રોજીયા, વિરમ શામજીભાઈ દેત્રોજીયા અને પરેશ હરેશભાઈ દેત્રોજીયા(રહે. ત્રણેય, ત્રંબા)ના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલ સવારના દસેક વાગ્યે તે પત્ની સાથે ત્રંબા ગામે રહેતા સસરા ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેત્રોજીયાના ઘરે ગયો હતો અને સાંજ સુધી અહીં રોકાયો હતો. દરમિયાન તેણે સસરા ગોવિંદભાઈને વ્યવહારિક કામ માટે ઉછીના આપેલા રૂપિયા 1.65 લાખની માંગણી કરી હતી અને કહ્યું હતું કે, તમે મને વહેલી તકે પૈસા આપી દેજો મારે જરૂર છે તેવામાં કાકાજી સસરા હરેશ અને વિરમ પણ અહીં ઉભા હોય તેણે કહ્યું હતું કે, તું તાત્કાલિક પૈસાની ઉઘરાણી કેમ કરે છે? જેથી યુવાને કહ્યું હતું કે હાલ મારે થોડી મુશ્કેલી છે માટે ઉછીના આપેલા પૈસા પરત માગું છું. આ સાંભળી આ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના પાઇપ,લાકડી વડે યુવાન પર હુમલો કરી દીધો હતો. આ સમયે હરેશનો પુત્ર પરેશ પણ અહીં આવી ગયો હતો અને તેણે યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application