મૂળ ઘારીના વતની અને હાલ રાજકોટમાં કણકોટ પાટીયા પાસે રહેતા યુવાનના ભાઈએ પ્રેમલગ્ન કર્યા હોય પ્રેમલગ્ન કરનાર યુવતીની બહેન અને અન્ય બે શખસોએ યુવાનના ઘરે આવી ઝઘડો કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. બચાવવા માટે યુવાનની માતા વચ્ચે પડતા તેને પણ ધક્કો માર્યો હતો. હવે ઘારીમાં કોઈ દેખાણા છો તો જીવતા નહીં રહેવા દઈએ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મૂળ ઘારીના વતની અને હાલ કણકોટ પાટીયા પાસે, કાલાવડ રોડ પ્રેમજીભાઈ મકવાણાના મકાનમાં ભાડેથી રહેતા સાગર સવજીભાઈ સરવૈયા(ઉ.વ ૨૯) એ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોમલ દાફડા, સાગર રવજીભાઈ દાફડા, રાજુ મનસુખભાઈ દાફડાનું નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેનો નાનો ભાઈ રોહિત અને ઘારી વેકરીયાપરામાં રહેતી યુવતી અસ્મિતા છેલ્લા નવ વર્ષથી પ્રેમ સંબંધમાં છે. ગત તા. ૧૦/૧૦/૨૦૨૫ ના રોજ રોહિત અને અસ્મિતાએ કોર્ટ મેરેજ કર્યા હતા. ગત તા. ૦૯/૧૦ ના રોજ અસ્મિતા તેના ભાઈ રોહિત સાથે ભાગીને ઘરે આવી ગઈ હતી. બાદમાં કોર્ટ મેરેજ કરી અલગ અલગ જગ્યાએ ફરતા હતા. ગઈકાલ તા. ૧૩/૧૦ ના રોજ સાંજના નવ વાગ્યા આસપાસ રોહિત અને અસ્મિતા ઘરે આવી ગયા હતા.
દરમિયાન દસ વાગ્યા આસપાસ અસ્મિતાના પરિવારજનો રોહિતના ઘરે આવેલા હતા. તે દરમિયાન પરિવારના લોકો ઘરની બહાર શાંતિથી વાતો કરતા હતા ત્યારે સાગર રવજીભાઈ દાફડા, રાજુ મનસુખભાઈ દાફડા, અસ્મિતાની બહેન કોમલ દાફડા ઘરમાં આવીને ઝઘડો કરવા લાગ્યા હતા અને કહ્યું કે રોહિત અને અસ્મિતાને અમારી સામે હાજર કરો બંનેને મારી નાખવા છે. એ બંને તમારા ઘરમાં જ છે અમે તેમને મારી નાખવા જ આવ્યા છીએ. બાદમાં યુવકે જણાવ્યું કે બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા છે તમે અહીંથી ચાલ્યા જાવ. સાગર,કોમલ અને રાજુએ ધમકી આપી કે તું, રોહિત કે તારા પરિવારના કોઈ સભ્યો ઘારીમાં દેખાણા તો જીવતા નહીં રહેવા દઈએ આટલું કહી ત્રણેય રોહિતને મારવા જતા હતા. યુવાને રોહિત અને અસ્મિતાને મારથી બચાવવા ઘરના રૂમમાં બંધ કરી દીધા હતાં. દરમિયાન સાગર અને રાજુ બન્નેએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારતા યુવકનો માતા વચ્ચે પડતા તેને પણ ધક્કો માર્યો હતો.સાગરને મો, કોણી અને પીઠના ભાગે ઇજા પહોંચી હતી. મકાન માલિક પ્રેમજીભાઈ વચ્ચે પડી આ લોકોને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. બાદમાં આ અંગે યુવાને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.