રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં પોશ બજાર વિસ્તાર ડો.યાજ્ઞિક રોડ ઉપરના સર્વેશ્વર ચોક વોંકળાના કામને ઝડપી બનાવી ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે આજે તા.૧૨ને શનિવારે રાત્રે ૧૨ના ટકોરેથી યાજ્ઞિક રોડ બંધ કરાશે. સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.૨૦ સુધીનો ડો.યાજ્ઞિક રોડ ચાર મહિના બંધ થશે. અલબત્ત અહીં સૌથી આશ્ચર્યની વાત એ છે કે ન્યુ જાગનાથ અને જુના જાગનાથ પ્લોટની શેરીઓમાં બેફામ ખોદકામ કર્યા બાદ આજે મધરાતથી યાજ્ઞિક રોડ બંધ કરવા નિર્ણય કર્યો છે ત્યારે ભયંકર ટ્રાફિક સમસ્યા સર્જાશે અને વાહન ચાલકોની હાલત માઠી થશે તે નક્કી છે.
યાજ્ઞિક રોડથી ન્યુ રાજકોટ જોડતા તમામ એપ્રોચ રોડ ન્યુ જાગનાથ પ્લોટમાંથી યાજ્ઞિક રોડને જુના રાજકોટ સાથે જોડતા એપ્રોચ રોડ જૂના જાગનાથ પ્લોટમાંથી પસાર થાય છે અને જાગનાથ વિસ્તારમાં હાલ પીવાના પાણીની નવી ડકટ આયર્ન પાઇપલાઇન નાખવા માટે યુધ્ધના ધોરણે ખોદકામ ચાલી રહ્યું છે અને ખોદકામ બાદ રાબેતા મુજબ યોગ્ય રીતે પુરાણ કરાતું નથી કે તેના ઉપર પેવરકામ પણ કરાતું નથી. યાજ્ઞિક રોડ બંધ કરવાની તૈયારી શરૂ કરાઇ છે અને જાગનાથ વિસ્તાર ખોદી નાખ્યો છે ત્યારે વાહનચાલકો ચાલશે ક્યાંથી ? સૌથી વધુ તકલીફ તો જાગનાથના રહીશોને પડશે કારણ કે યાજ્ઞિક રોડ બંધ કરાયા બાદ વાહનચાલકો જાગનાથ પ્લોટની શેરીઓમાંથી વાહનો દોડાવશે. અભણ નાગરિક પણ સમજે કે આવું કરવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય, પણ મહાપાલિકાના ડીગ્રી હોલ્ડર ઇચ્છાધારી ઇજનેરો આવી સામાન્ય વાત સમજ્યા નથી.
દરમિયાન આ અંગે સેન્ટ્રલ ઝોનના સિટી એન્જીનિયર એ.એ.રાવલનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો, જ્યારે વોર્ડ નં.૭ના ડેપ્યુટી એન્જીનિયર ગાવીતનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આજે રાત્રે ૧૨ વાગ્યાથી કોન્ટ્રાકટર એજન્સી યાજ્ઞિક રોડ બંધ કરશે. સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં.૨૦ સુધીનો રસ્તો ચાર મહિના બંધ રહેશે. રસ્તો બંધ કરવાની કાર્યવાહી વેળાએ મ્યુનિ.સ્ટાફ ઉપરાંત પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એજન્સીની ટીમ પણ હાજર રહેશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ડાયવર્ઝન માટેના વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામા અનુસાર, નીચે મુજબ વૈકલ્પિક વ્યવસ્થા રહેશે.યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા તમામ પ્રકારના વાહનો ડો.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક-મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક-જિલ્લા પંચાયત ચોક પર તથા રામકૃષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસ થી ડાબી તરફ શ્રી સ્વામી વિવેકાનંદ માર્ગ પર રામકૃષ્ણનગર શેરી નં.૧૦ પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી- ટાગોર રોડ પર થઇને એસ્ટ્રોન ચોક-મહિલા કોલેજ-કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઇ શકાશે.
જ્યારે રેસકોર્ષથી માલવિયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ વિગેરે વાહનોની અવર જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોકથી જ્યુબેલી ગાર્ડન ચોક- જવાહર રોડ ઉપરથી ત્રિકોણ બાગ સર્કલથી માલવીયા ચોક તથા રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થ્રી-વ્હીલર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક- મોટી ટાંકી ચોક- લીમડા ચોકથી પસાર થઇને ડો.રાજેન્દ્રપ્રસાદ રોડથી પસાર થઇ માલવીયા ચોક તરફ જઈ શકશે.
તદઉપરાંત ડો.યાજ્ઞિક રોડ પરથી માલવીયા ચોકથી રેસકોર્સ તરફ અવર-જવર માટે સર્વેશ્વર ચોક ખાતે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા ૫૦-૫૦ મીટર બંધ કરવામાં આવશે. સર્વેશ્વર ચોકની આસપાસની દુકાન-ઓફિસની પાર્કીંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે અને વ્યાપારી-ગ્રાહકોની અવર-જવર માટે રસ્તો ચાલુ રહેશે જયાં ગાડીઓનું પાર્કીંગ કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech