રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૧માં આ વખતે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાશે, ભાજપ કદાચ આ વોર્ડમાં નોરિપિટ થિયરી લાગુ કરે તેવા રાજકીય સમીકરણો સર્જાયા છે. અનામત રોસ્ટર અનુસાર ઓબીસી પુરુષ અનામત આવતા લીલુબેન જાદવની ટિકિટ કપાય તેવી શક્યતા હોવાની ચર્ચા છે. ગત ટર્મમાં આ વોર્ડમાં એસસી અનામતના કારણે અનામત બેઠક ઉપરથી ચૂંટણી લડેલા રણજીતભાઇ સાગઠીયા પણ હવે આ વોર્ડમાં ચૂંટણી લડી શકે તેમ નથી. લેઉવા પાટીદાર અગ્રણી વિનોદભાઇ સોરઠીયાને ૬૦ વર્ષ પૂર્ણ થયા હોય પક્ષ તેમને રિપિટ કરે તેવી શક્યતા ઓછી છે. જો આ વોર્ડમાં કોઇ રિપિટ થાય તો કદાચ ભારતીબેન પાડલીયા થાય તો થાય તેવી શક્યતા છે પરંતુ કડવા પાટીદાર સમાજમાંથી સોનલબેન ફળદુ સહિતના અનેક સક્ષમ મહિલા અને પુરુષ દાવેદારો રેસમાં છે. આ સંજોગોમાં ભાજપ વોર્ડના તમામ ઉમેદવારો બદલાવે તેવી પ્રબળ સંભાવના હોવાનું સામે આવ્યું છે. ભાજપના નેતા અને કડિયા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીના પુત્ર ટિકિટ માટે દાવેદારી કરશે તેવી ચર્ચા પણ વહેતી થઇ છે.
નાના મવા ચોક સર્કલથી શરૂ કરી ન્યારી ડેમ રોડ સુધીના ભૌગોલિક ક્ષેત્રફળ મુજબ શહેરનો સૌથી મોટો વોર્ડ નં.૧૧ મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ પણ રાજકોટનો સૌથી મોટો વોર્ડ છે. તાજેતરમાં પ્રસિધ્ધ થયેલી પ્રાથમિક મતદાર યાદી મુજબ વોર્ડ નં.૧૧માં ૯૦,૧૪૮ મતદારો છે જે સમગ્ર શહેરના તમામ વોર્ડમાં સૌથી વધુ છે. વોર્ડ નં.૧૧માં ૪૬,૭૩૫ પુરુષ મતદારો અને ૪૩,૪૧૧ સ્ત્રી મતદારો છે.આગામી ચૂંટણીમાં અનામતના રોસ્ટર મુજબ વોર્ડ નં.૧૧માં ચાર બેઠકોમાં પહેલી બેઠક સામાન્ય મહિલા, બીજી બેઠક સામાન્ય મહિલા, ત્રીજી બેઠક પછાત વર્ગ પુરુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય વર્ગ પુરુષ આવી છે. અનામતના નવા રોસ્ટરને કારણે તેમાં અન્ય કારણોસર આ વોર્ડના ભાજપના ચારેય ઉમેદવારો બદલાય તેવી સ્થિતિ છે.
ગત ચૂંટણીનું ફ્લેશ બેક જોઈએ તો વોર્ડ નં.૧૧માં ૨૦૨૧-૨૦૨૬ની ટર્મમાં ભાજપના ચારેય ઉમેદવાર ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલીયા, લીલુબેન છગનભાઇ જાદવ, રણજીતભાઇ જેઠાભાઇ સાગઠીયા અને વિનોદભાઇ તેજાભાઇ સોરઠીયા ચૂંટાયા હતા. ગત ચૂંટણીમાં વોર્ડ નં.૧૧માં ૭૬,૭૬૪ મતદારો હતા તેમાંથી ૩૭,૯૭૧એ મતદાન કરતા ૪૯.૪૬ ટકા મતદાન નોંધાયું હતું.
વોર્ડના મુખ્ય માર્ગો-વિસ્તારો
નાના મવા રોડ, કાલાવડ રોડ (પાર્ટ), મોટા મવા (પાર્ટ), મવડી (પાર્ટ), ૧૫૦ ફૂટ રિંગ રોડ, ન્યૂ રિંગ રોડ, મવડી-પાળ રોડ, ન્યારી-૧ ડેમ રોડ સહિતના મુખ્ય માર્ગો. શાસ્ત્રી નગર (અજમેરા), નહેરુનગર, સિલ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારો
વોર્ડમાં મતદારોનું જ્ઞાતિનું ગણિત
વોર્ડ નં.૧૧માં રાજકીય કાર્યકરોના સર્વે મુજબ ૨૫,૦૦૦ લેઉવા પાટીદાર, ૨૦,૦૦૦ કડવા પાટીદાર, ૧૨,૦૦૦ પ્રજાપતિ, ૧૦ હજાર અન્ય ઓબીસી સમાજ, અન્ય તમામ સમાજના અંદાજે ૨૩ હજાર મતદારો છે.
વોર્ડમાં અધૂરો વિકાસ, કોર્પોરેટરો સામે નારાજગી
વિકાસની અપાર સંભાવના અને વિશાળ વિસ્તાર ધરાવતા વોર્ડ નં.૧૧માં અધૂરો વિકાસ થયાની લોકમુખે ચર્ચા છે. ખાસ કરીને વર્તમાન કોર્પોરેટરો સામે લોકોમાં નારાજગી જોવા મળી છે. કોર્પોરેટરો મોબાઇલ ફોન રિસિવ કરતા નહીં હોવાની વ્યાપક ફરિયાદો છે. વિકાસકામો અનેક થયા છે પરંતુ લોકો સુધી વિકાસની વાત પહોંચી નથી. આ વોર્ડમાં લોકદરબારમાં પણ હોબાળો થયો હતો.
વોર્ડ નં.૮, ૯, ૧૦ના કડવા પાટીદાર મતદારોનું વોર્ડ નં.૧૧માં સ્થળાંતર
રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૮, ૯ અને ૧૦ના કડવા પાટીદાર મતદારો મોટાપાયે વોર્ડ નં.૧૧માં સ્થળાંતરિત થઇ મુખ્યત્વે મવડીના સ્પીડવેલ એરિયામાં સ્થાયી થયા છે. આ ઉપરાંત નાના મવા, મોટા મવા અને ન્યૂ રિંગ રોડ વિસ્તારમાં બનેલા હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં સ્થાયી થયા છે. અમુક મતદારોએ નામ જુના વોર્ડમાં નામ યથાવત રાખ્યા છે તો અમુકે નવા સરનામે મતદાર નોંધણી કરાવી લીધી છે.