પરમાર્થના ભાવ સાથે પત્નીએ બ્રેઇનડેડ પતિના અંગોનું કર્યું દાન : બે કિડની અને એક લીવરનું દાન કરી ત્રણને આપ્યું નવજીવન

  • July 10, 2023 07:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજું હમણા તો લગ્ન થયા હતા.સજોડે પ્રેમ, લાગણીઓ,વિશ્વાસના બંધન થી બંધાયા હતા. આ કબીરા દંપતિએ કેટ-કેટલાક સ્વપ્ન જોયા હશે. ભાવી આયોજન ઘડ્યું હશે..અને એવામાં....!!!





તારીખ ૭મી જુલાઇનો એ દિવસ કબીરા પરિવાર માટે ગોઝારો બની રહ્યો. પરંતુ આ ગોઝારા દિવસમાં પણ જન કલ્યાણ અને જન સેવાનું ઉમદા કાર્ય કરીને એક મિશાલ પ્રસ્થાપિત કરી છે. 
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષના રસીકભાઇ કબીરાનું ૭મી જુલાઇના રોજ બ્લડપ્રેશર એકા એક વધી જવાથી ઇન્ટ્રાવેન્ટ્રીક્યુલર હેમરેજ(IVH) એટલે કે બ્રેઇનહેમરેજ થયું. પરિવારજનો ચિંતીત બનીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા. 


અમદાવાદ સિવિલ હોસ્ટિલમાં જરૂરી તમામ ટેસ્ટ અને સધન સારવાર શરૂ કરવામાં આવી. હોસ્પિટલમાં બે દિવસની સધન સારવારના અંતે રસીકભાઇને તબીબોએ બ્રેઇનડેડ જાહેર કર્યા.  પતિના બ્રેઇનડેડ થયાની જાણ થતા તેમના પત્નિ હિનાબહેન સહિત સમગ્ર પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યુ.  સ્વજન ગુમાવવાનું સમગ્ર પરિવારને દુ:ખ હતુ. પરંતુ પત્ની હિનાબહેનનું જીવન અંધકારમય બનવા જઇ રહ્યું હતું. તેઓને હરહંમેશ સથવારો અને સધિયારો આપનાર દેવલોક પામી રહ્યાં હતા. કદાચ આ ક્ષણે હિનાબહેનને તેમના બે પુત્રો અને એક પુત્રીના ભવિષ્યની પણ ચિંતા થઇ રહી હશે. આવી ભાવુક ક્ષણે પણ હિનાબહેન એ જનસેવાર્થે જનકલ્યાણનો એક હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.આ નિર્ણય હતો અંગદાનનો. 



અમદાવાદ સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સની ૬ થી ૭ કલાકની મહેનતના અંતે બ્રેઇનડેડ પતીના અંગદાનનો નિર્ણય કર્યો.  મૃત્યુ બાદ પણ મારા પતિ અન્ય કોઇના જીવમાં જીવંત રહેશે કોઇનું જીવન કાર્યક્ષમ અને સ્વસ્થ બનાવશે તેવા ઉમદા ભાવ સાથે તેઓએ પતિના અંગદાન કરવાનો નિર્ણય કર્યો. અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી છે. જેને જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાશે.  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૪૮ કલાકમાં દાનની સરવાણી વહી. આ ૪૮ કલાકમાં બે અંગદાતા પરિવારજનોએ તેમના બ્રેઇનડેડ સ્વજનનું અંગદાન કર્યું. આ અંગદાનથી  ૬ને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત બે દિવસ અંગદાનની વિરલ ઘટના બની. આ અગાઉ પણ ૧૦ થી ૧૨ વખત સતત બે દિવસમાં બે અંગદાતા પરિવારજનો દ્વારા સ્વજનનું અંગદાન કરવાની ઘટના બની છે.  






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application