કેમ બોલું, ધાણીફૂટ અંગ્રેજી કેમ રે બોલું

  • July 26, 2022 05:16 PM 

તેચીનીની સ્કૂલ કેમ બદલી?
આટલી મોંઘી સ્કૂલમાં બેસાડી તોયે સારીને ઈંગ્લીશમાં કંઈ મેળ જ નથી પડતો. બેન બા પાંચમા ધોરણમાં ડ્રોઈંગ સિવાય બધાય વિષયમાં નાપાસ છે. અને કાંઈ કહીએ તો કહે છે કે ટીચર ઈંગ્લીશમાં બોલે એ કંઈ સમજાતું જ નથી. એટલે એના પપ્પાએ ગુજરાતી મીડીયમમાં બેસાડી દીધી.


વેકેશન પૂરું થઈ ગયાના એક-દોઢ મહિના પછી બાળકોને ક્યા માધ્યમમાં ભણાવવા એ માટેની કોઈ ચર્ચા નથી કરવી. એ માટે જીવનમાં બીજા ઘણા વિષય છે. બસ શરત એટલી જ કે એ ચર્ચા અંગ્રેજીમાં હોવી જોઈએ. કારણકે અંગ્રેજી ગ્લોબલ ભાષા છે કે નહિ, એ નથી ખબર પણ માભો પાડે એવી ભાષા તો છે જ. બરાબર ને? 


ભણવામાં અને રોજિંદા કામોમાં અંગ્રેજીનો વપરાશ એ હદે વધી ગયો છે કે એ આપણા લોહીમાં વણાઈ ગયું છે. પણ તકલીફ ત્યારે પડે છે જ્યારે આ લોહીમાં રેડ બ્લડ સેલ્સ અને વ્હાઇટ બ્લડ સેલ્સની માત્રામાં ઊંઘી વધઘટ થાય. જોયું? અહીં પણ અંગ્રેજી આવી જ ગયું. આપણે બધા અંગ્રેજીનો વપરાશ વધારતાં રહ્યા એટલા માટે અંગ્રેજીની અગત્યતા વધતી ચાલી, કે અંગ્રેજીની અગત્યતા વધતી જતી હતી એટલે આપણે એનો વપરાશ વધારતાં રહ્યા; એ બીજી અગત્યની મોટી ચર્ચા છે જેને હાલ પૂરતી મુલતવી રાખીશું.
​​​​​​​
ભાષા એટલે મૂળે તો અભિવ્યક્તિનું માધ્યમ જે કંઈપણ લખીએ કે બોલીએ એ હકીકતમાં તો લખનાર કે બોલનારની અભિવ્યક્તિ જ છે. અને અનુક્રમે વાંચનાર અને સાંભળનાર સુધી પહોંચે છે. આ વાક્યમાં અનુક્રમેનો પ્રયોગ થોડો અઘરો છે, કારણકે વ્યવહારની ભાષામાં વ્યાવસાયિકો સિવાય જવલ્લે જ કોઈ તેનો ઉપયોગ કરે છે. અને ઝીણવટથી તપાસીએ તો રોજિંદા સંવાદમાં ભાગ્યે જ ઉપયોગમાં લેવાતા શબ્દો પુસ્તકોમાં વારંવાર જોવા મળે છે. તો એવું શા માટે થાય છે કે પુસ્તકોમાં જળવાયેલી, લખાયેલી ભાષા સમજવામાં અને ઉપયોગમાં લેવામાં અઘરી પડે છે? આવું  આપણી ભાષામાં જ નહિ અંગ્રેજીમાં પણ થાય છે.


અંગ્રેજી હોય, રાષ્ટ્રભાષા હોય કે માતૃભાષા હોય, કોઈપણ ભાષામાં અભિવ્યક્ત થવા માટે જરૂરી છે કે લખનાર કે બોલનાર વિચારે પણ જે-તે ભાષામાં. જો શબ્દભંડોળ, વ્યાકરણ કે અન્ય કોઈ મર્યાદાના કારણે ભાષાને ગ્રહણ કરતી વખતે મગજનું રિસેપ્શન સેન્ટર કામ ન કરે તો તકલીફ પડે. જે-તે વિસ્તારની ભાષામાં પણ બાર ગામે બોલી બદલેની જેમ નાનો-મોટો ફેર પડતો જ હોય છે. અને એ યાદીમાંથી અંગ્રેજી પણ બાકાત નથી. અમેરિકન, યુરોપિયન કે ઇન્ડિયન: ત્રણેય અંગ્રેજીનાં ઉચ્ચારણ અલગ છે. અને જ્યારે જરૂરિયાત માટે નહિ પરંતુ સ્ટેટસ માટે અંગ્રેજીનો ઉપયોગ થતો હોય ત્યારે એ બોલવાની લઢણ (એકસેન્ટ) પર પણ ધ્યાન આપવામાં આવે છે.


વિશ્વમાં ફક્ત અંગ્રેજીનો ઉપયોગ કરતા દેશોની વસ્તી, અંગ્રેજી સિવાયની ભાષાનો ઉપયોગ કરતા દેશોની સાપેક્ષે ઘણી ઓછી છે. તેમ છતાં દેશની જ નહિ ઘરની બહાર નીકળવામાં, અરે ઘરે જ રહેવામાં પણ અંગ્રેજીની જાણકારી અનિવાર્ય બની ગઈ છે. રોજિંદા વપરાશની એવી કેટલીયે વસ્તુઓ છે જેને અંગ્રેજીમાં જ ઓળખીએ છીએ. ટૂંકમાં આપણા દેશની ભાષા નથી, સ્વદેશી જ અપનાવવું જોઈએ, આપણે ક્યાં વિદેશ જવું છે વગેરે તર્ક સાવ તર્કવિહીન છે. અંગ્રેજી આવડવું જરૂરી છે, તો છે. એના વિરોધમાં બિનજરૂરી ઊર્જાપ્રદર્શન કરવાના બદલે જરૂરી હોય એટલું શીખી લઈએ એ વધારે ઈચ્છનીય છે.


અગાઉના સમય કરતાં ઓછી, પરંતુ હજીપણ મોટાભાગની સ્ત્રીઓ ઘરમાં જ રહે છે. આખો દિવસ એક જ વાતાવરણમાં રહીને ક્યારેક મનની મોકળાશ ઓછી થાય છે. એ સમયે બીજી બહાર જતી સ્ત્રીઓની જેમ પોતે પણ હોંશિયાર છે એનો દેખાડો કરવામાં ઘણી વખત અંગ્રેજીને હથિયાર બનાવવામાં આવે છે. સ્ત્રી સહજ સ્વભાવના કારણે અંગ્રેજી ક્યારેક દેખાદેખીનો વિષય બને છે. જો કે એવું નથી કે કામ ન કરતી હોય એ સ્ત્રીને અંગ્રેજી ન જ આવડે. પૂરતી જાણકારી અને પ્રભુત્વ ન હોય ત્યારે અંગ્રેજી બોલીને  હાંસીપાત્ર બનવાને બદલે પોતાને આવડતી ભાષામાં બોલવું વધારે સારું. અને આ વાત ખાલી ગૃહિણીઓને જ નહિ આર્થિક રીતે પગભર સ્ત્રીઓ અને દરેક પુરુષોને પણ લાગુ પડે છે. પોતે અંગ્રેજી જાણે છે એ બાબતનો વટ પાડવા સાચું-ખોટું ગમે તે અંગ્રેજી લખે-બોલે છે. આવું બીજી ભાષાઓ માટે પણ થતું જ હોય છે. પણ અંગ્રેજીની ખબર એટલે પડે કે વધતે-ઓછે અંશે બધાને એ ભાષા આવડે છે. બાકી તમે ગુજરાતી હો અને કોઈ ખોટું તમિલ બોલે તો તમને ક્યાંથી ખબર પડવાની? સાથે જ એવું પણ છે કે સમયાંતરે અમુક શબ્દોનું પ્રચલન ઓછું કે બંધ થઈ ગયું હોવાથી તે શબ્દ તમારી જ ભાષાનો હોવા છતાં સમજી ન શકો.


તો તમારી માતૃભાષા કે રાષ્ટ્રભાષા સારી રીતે સમજી શકતા હો ત્યારે અંગ્રેજીની જરૂર છે કે નહિ તેના સમર્થનમાં અને વિરોધમાં ઘણી દલીલ કરી શકાય. પણ અંગ્રેજી આવડતું હોય કે ન આવડતું હોય ત્યારે શું ન જ કરવું એ માટે જરૂર વિચારી શકાય. કોઈ વ્યક્તિ પોતાની ઇચ્છા માટે અંગ્રેજી શીખવા માંગતી હોય એ સમયે તેને અંગ્રેજીના અંધભક્તનું સંબોધન કરતા પહેલા પોતાને સ્ટેચ્યુ કહી દેવું. કોઈને અંગ્રેજી ન આવડતું હોય અને એ બીજી ભાષામાં વાત કરે ત્યારે તમારા અંગ્રેજીના જ્ઞાનનો રૂઆબ બતાવી તેને પ્રત્યક્ષ કે પરોક્ષ અપમાનિત કરવું શોભસ્પદ નથી જ. તમને અંગ્રેજી ન આવડતું હોય એ બાબતે કોઈ ક્ષોભ રાખવાની જરૂર નથી. અંગ્રેજી ભાષા જ છે, જ્ઞાન નહિ. જે જગ્યા પર જરૂર નથી ત્યાં ફક્ત પોતાની મહત્તા બતાવવા અંગ્રેજીનો ઉપયોગ કરીને હીણાં ન બનવું. લગ્નવિષયક ઉમેદવારીના માપદંડમાં અંગ્રેજીની આવડતને વિશેષ પ્રાધાન્ય આપવાની કોઈ જરૂર નથી. અંગ્રેજી શીખો ત્યારે ઘર પરિવારના લોકો સાથે સરળતાથી વાત કરી શકો એ માતૃભાષાને ઊતરતી ન માનવી . અંગ્રેજી બોલવામાં આત્મવિશ્વાસ ઓછો હોય એવા લાયક ઉમેદવારને ફક્ત એ એક કારણથી પસંદ ન કરો એ તમારા ધંધા માટે પણ સારું નથી.  જ્યાં સુધી અર્થનો અનર્થ ન થતો હોય ત્યાં સુધી કોઈની અંગ્રેજી એકસેન્ટ પર ટિપ્પણી કરવી વાજબી નથી. ભાષા સંવાદનું માધ્યમ છે, જ્ઞાનપ્રદર્શનનું નહિ. તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવામાં તકલીફ પડતી હોય તોયે અંગ્રેજીમાં જ ભણાવવાનો દુરાગ્રહ ન રાખવો. અંગ્રેજીનાં જ નહિ કોઈપણ ભાષાના કોઈ શબ્દના અર્થ વિશે પૂરતી માહિતી ન હોય ત્યાં સુધી તેનો પ્રયોગ ન કરવો. ખાસ જરૂર ન હોય તો ભારેખમ શબ્દોનો ઉપયોગ ટાળવો. કોઈને પોતાની વાત ભાષાજ્ઞાનના અભાવે યોગ્ય રીતે કહેતા ન આવડે તો તેના હાવભાવ, ઇશારાથી વાત સમજવાનો પ્રયત્ન ન કરવા જેટલા દુર્જન ન બનવું.  તમારા સંતાનના પહેલા શિક્ષક તમે જ છો. તેને સારા-નરસાનો, દુનિયદારીનો પાઠ શીખવો ત્યારે આ પાયાની વાત સમજાવવી ખાસ જરૂરી છે. એને અંગ્રેજીનું જ્ઞાન હોય કે ન હોય, પોતાની વાત કોઈપણ માધ્યમથી સચોટપણે કરી શકે એ આત્મવિશ્વાસ કેળવે. અને સાથે જ જે સ્થાન પર રહે છે ત્યાંની સ્થાનિક ભાષા શીખવાનો પ્રયત્ન કરે.
નેનો ફોલ્ડ:
તને આટલું અંગ્રેજી તો આવડે છે. હવે વળી કયો કોર્સ બાકી છે?
શશીથરૂરિકસ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application