'તારા બાપે કરિયાવર કેમ નથી આપ્યો', અમદાવાદમાં સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • February 10, 2023 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


@aajkaalteam 

અમદાવાદના સોલામાં સાસરિયાંના  ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ કિસ્સાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. માતા-પિતાએ દહેજ આપ્યું હોવા છતાં નવું મકાન લેવા બાબતે ત્રાસ આપતાં પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.


આ મામલે ગોતાની વિકાસનગર સોસાયટીમાં રહેતાં લક્ષ્મીબહેન મકવાણાએ દુષ્પ્રેરણાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. લક્ષ્મીબહેનની દીકરી પ્રીતિએ સમાજના રીતરિવાજ મુજબ મહેસાણામાં રહેતા રાજુ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ શરૂઆતમાં સાસરિયાંએ પ્રીતિને સારી રીતે રાખી હતી. ત્યાર બાદ પ્રીતિ અને તેનો પતિ ચાંદલોડિયા ખાતે રહેવા આવી ગયાં હતાં. આ દરમિયાન પ્રીતિ સાથે પતિએ ઘરકામ બાબતે ઝઘડા કરવાનું શરુ કર્યુ અને ઘરે આવી ત્યારે તારા બાપે કરિયાવર કેમ નથી આપ્યો તેમ કહીને તેને માનસિક ત્રાસ આપતા હતા.


પતિ પણ તેમનું ઉપરાણું લઈ પ્રીતિ સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. આ બાબતે પ્રીતિ અવારનવાર તેની માતા લક્ષ્મીબહેનને ફોન કરીને આ બધી જાણ કરતી હતી. દીકરીનું ઘર ન તૂટે તે માટે માતાએ જમાઈને સોનાના દાગીના, મોબાઈલ ફોન તેમજ એક્ટિવા દહેજમાં આપ્યું હતું. તેમ છતાં પતિ પત્નીને નવું ઘર લેવા માટે અવારનવાર ત્રાસ આપતો હતો. માતા લક્ષ્મીબહેન દીકરીને બધું સારું થઇ જશે તેમ કહીને સાંત્વના આપતાં હતાં.થોડા દિવસ પહેલાં લક્ષ્મીબહેનના પતિ સુરેશભાઈએ દીકરીને ફોન કર્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો, જેથી વેવાઈએ સુરેશભાઈને ફોન કરીને કહ્યું હતું કે તમે જલદી ચાંદલોડિયા ખાતે આવી જાઓ. તેમણે આમ કહેતાં સુરેશભાઈ અને લક્ષ્મીબહેન દીકરીના ઘરે પહોંચી ગયાં હતાં. દીકરી પ્રીતિએ ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું

દીકરીએ આપઘાત કરી લેતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ ગઈ હતી. દીકરીને માનસિક ત્રાસ આપી હેરાન કરતાં હોવાથી તેણે અંતિમ પગલું ભર્યું હતું. આથી લક્ષ્મીબહેને સોલા પોલીસ સ્ટેશનમાં જમાઈ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી હાલ વધુ તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application