જામ્યુકોના અમુક વિપક્ષી નગરસેવકો કોન્ટ્રાકટરોેને કેમ કહે છે કે અમારુ શું ?

  • May 12, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેટલાક વિપક્ષી સભ્યોને પણ કોન્ટ્રાકટરને દબાવવા ચડી ચાનક: તમે કયાં-કયાં કામ કરો છો ?, અમને તો હવે સાચવો...સહિતના પ્રશ્ર્નોની પુછતાછ...!!

જામનગર મહાપાલિકા હમણા-હમણા સતત વિવાદના વંટોળમાં રહે છે, અગાઉ કોન્ટ્રાકટની મીટીંગ બોલાવાયા બાદ કોન્ટ્રાકટરોમાં રોષની લાગણી જન્મી હતી, હજુ આ મામલો માંડ-માંડ શાંત પડયો છે ત્યારે છેલ્લા અઠવાડીયાથી વિપક્ષના કેટલાક કહેવાતા નગરસેવકોએ એક અડુકીયા-દડુકીયાનો સાથ લઇને કોન્ટ્રાકટરો સાથેની મીટીંગની ગોઠવણ કરી દેવામાં આવી છે, નગરસેવકો દ્વારા કોન્ટ્રાકટરોને એવી વાતો કહેવાઇ રહી છે કે, તમારે કેટલા કામ ચાલી રહ્યા છે ? કઇ-કઇ જગ્યાએ કામ ચાલે છે ? અને અમને કેમ સાચવતા નથી ? આ ન ચાલે, તેમ કહીને હાસ્યા મુડમાં પણ કોન્ટ્રાકટરને શાનમાં સમજાવી દેવાના કેટલાક વિપક્ષી સભ્યોના પ્રયત્નથી કોન્ટ્રાકટરોમાં રોષની લાગણી જન્મી છે અને એક કોન્ટ્રાકટરે નામ ન આપવાની શરતે કહ્યું છે કે, અમોને કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવે છે.
કોર્પોરેશનના કામ કરતા કેટલાક મોટા ગજાના અને નાના ગજાના કોન્ટ્રાકટરો ઘણી વખત નીચા ભાવનું ટેન્ડર ભરે છે, તેમને મોટુ કામ મળશે તેવી આશાએ તેઓ ઓછા ભાવે કામ લઇ લે છે, પરંતુ પાછળથી તેમના ઉપર શાસક અને વિરોધ પક્ષના કોર્પોરેરટરોના દબાણો સતત ચાલું રહે છે, ત્યારે હવે વિપક્ષના કેટલાક નગરસેવકોએ પણ ખેલ પાડવાનું શરુ કર્યુ છે, અત્યાર સુધી તેઓ તાલ, માલ અને તાસીરો જોઇ રહ્યા છે અને હવે તેઓની ડાઢ પણ ગળકી છે, ત્યારે કોન્ટ્રાકટરોમાં નિરાશાનું વાતાવરણ જોવા મળ્યું છે.
અમુક ચોકકસ જગ્યાએ વિપક્ષના કેટલાક નગરસેવકો દ્વારા કોન્ટ્રાકટરોને આપને થોડુ કામ છે કહીને મીટીંગ બોલાવવામાં આવે છે અને આ મીટીંગમાં એક અડુકીયો-દડુકીયો મોખરે હોય છે અને તેઓ જ બધી વાત કોન્ટ્રાકટરોને કહે છે અને મોટા ભાગનું સેટીંગની વાત આ કરે છે, કેટલાક નગરસેવકો ઉત્સાહીત થઇ ગયા છે અને કોન્ટ્રાકટરને સીધુ પુછી લે છે કે કોર્પોરેશનમાં તમારા કેટલા લાખના કામ છે ? તમે કોને-કોને સાચવો છો ? તે અમને ખબર છે, તો હવે અમને પણ સાચવો, અમે તમારુ શું બગાડયું છે ? થોડો પ્રસાદ અમને પણ વેંચો.
વિપક્ષના અમુક નગરસેવકો અધિકારીઓને દબડાવવા માહિર છે, પોતે નગરસેવક છે પરંતુ તેઓ પોતાનો હોલ્ટ જળવાઇ રહે તે માટે મરણીયા પ્રયાસ કરે છે અને અધિકારીઓની સાથે ઘણીવાર તુ-તુ મે-મે પણ કરી લે છે અને બોર્ડમાં પણ તમારા વિરુઘ્ધની ફરિયાદો જાહેરમાં કહેશું એવું કહી ધમકી આપે છે, આવું ન કરવું હોય તો અમને પણ સાચવી લો તેવી વાત કોન્ટ્રાકટરને કહી રહ્યા છે.
નવા સમીકરણો ઉભા થઇ ગયા છે, શાસક અને વિપક્ષના કેટલાક નગરસેવકો કેટલાક કોન્ટ્રાકટરોને દબડાવીને પણ તેમને પ્રસાદ આપવા માટે આડકતરુ દબાણ કરે છે, કેટલાક તો એમ પણ કહે છે કે, શાસક પક્ષના નગરસેવકો કરતા વિપક્ષના અમુક નગરસેવકોને ભારે જલસા છે, બે કોન્ટ્રાકટરોએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, અમોને પણ કેટલાક વિપક્ષી નગરસેવકોએ બોલાવ્યા હતાં અને આડકતરો ઇશારો કરીને જણાવ્યું હતું કે, તમે કેવા-કેવા નબળા કામ કરો છો તેની અમોને ખબર છે, બહુ પ્રસિઘ્ધ ન થવું હોય તો તમારે અમારી સામે મીઠી નજર રાખવી પડશે.
ભાજપમાં પણ એક વ્યકિત અડુકીયા-દડુકીયાના નામે ઓળખાય છે, તે અવારનવાર જેમની સતા હોય તેના પડખે ચડી જાય છે અને એ સતાધીશનું પણ બે્રઇન વોસ કરી નાખવાની હલકી માનસીકતા ધરાવે છે, તેની સામે ભાજપના નેતાઓ ખુબ જ નારાજ છે અને આ વ્યકિત રાજકારણમાં અવારનવાર સખળ-ડખળ કરીને ભાજપના જ કોઇ સભ્યને નિરાતે બેસવા દેતા નથી, તેવી તેઓએ છાપ ઉભી કરી છે.
ખેર...જે કંઇ હોય હવે તો વિપક્ષી સભ્યો પણ ગેલમાં આવી ગયા છે, કોન્ટ્રાકટરોને એક પછી એક બોલાવવાની વાત શરુ થઇ છે અને ત્યારબાદ બે-ત્રણ અધિકારીઓને પણ બોલાવવામાં આવે તેવી પણ શકયતા છે ત્યારે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓએ આ સમગ્ર તાસીરા અંગે નજર રાખવી જોઇએ અને કોણ-કોણ પ્રસાદના વહિવટમાં સામેલ થવા ઇચ્છે છે તેમની સામે કોંગ્રેસની આબરુ બચાવવા લાલ આંખ કરવી જોઇએ.
**
નવા નેતાએ ખખડાવ્યાનું હજુ કોન્ટ્રાકટરો ભૂલ્યા નથી ત્યાં....
જામનગરના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણીના પરીણામ બાદ અનેરો બદલાવ આવ્યો છે, નવા નેતાઓ પોતાની છાપ પ્રસ્થાપીત કરવા ઘણી વખત સતા મર્યાદા બહાર જઇને અને પક્ષની છબીને ઘ્યાનમાં લીધા વગર કામ કરતા હોવાનું દેખાઇ રહ્યું છે, આ નવા નેતાઓનો કેમેરો મહાપાલિકા પર છે એવું અગાઉ આપણે જોઇ ચૂકયા છીએ, નવા નેતા પોતાને સુપર-ડુપરથી ઉપર માને છે, તેનો અહેસાસ તો લગભગ હવે બધાને થઇ ચૂકયો છે, આ વીવીઆઇપી નેતાગીરીનો સ્વાદ જામનગરને ચાખવા મળી રહ્યો છે, લોકશાહીમાં તો આવી ઠાઠશાહી આમ તો ચાલે નહીં પણ ઘણા હોય છે ને જે રાજકીય પક્ષોના નામે તરી જતાં હોય છે, નવા નેતા પણ આ પૈકીના જ એક છે અને આ નવા નેતાની માથે જો પક્ષનું બેનર ન હોય અને આ નવા નેતા ચૂંટણી લડે તો ૧૦૦ ટકા ડીપોઝીટ ડુલ થવાની ગેરેંટી અમે આપીએ છીએ. હાલમાં વાત તો મહાનગરપાલિકાની કરવાની છે કે જયાંના કોન્ટ્રાકટરોને વિપક્ષના કેટલાક નગરસેવકો પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે દબાવી રહ્યા છે, એમની વાત નિકળી એટલે નવા નેતાની નવી નિતી સાથેની કોન્ટ્રાકટરોવાળી ઓલી બેઠક યાદ આવી ગઇ છે, જેણે જામ્યુકોના સંકુલમાં ભારે ચર્ચા જગાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application