રાજકોટ કલેકટર તંત્ર દ્વારા છેલ્લા લાંબા સમયથી દબાણ યુક્ત જમીનો પર ચાલી રહેલી ડિમોલેશનની પ્રક્રિયા ફરી અટકી પડી છે. ડિમોલિશનની આ અટકી પડેલી પ્રક્રિયા ફરી પાછી શરૂ કરવી અતિ આવશ્યક છે. જોકે એપ્રિલ મહિના વિવિધ ચૂંટણીઓ હોવાથી સમગ્ર સ્ટાફ તેમાં કાર્યરત થઈ ગયો હતો. પરંતુ હાલમાં ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયું તેને પણ ૨૦ દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે ત્યારે બાકી રહેલી કામગીરી ફરી શરૂ કરવી અનિવાર્ય છે. રાજકોટ જિલ્લા કલેકટર ડોક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને આજે રોજ સાંજે ૫ વાગ્યે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં જમીનને લગતા ૭૦ જેટલા કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ ૧૦ જેટલા અરજદારોને રૂબરૂ સાંભળવામાં પણ આવશે. ત્યારે આવનારા ચુકાદાઓ પર સૌની નજર રહેશે. એપ્રિલ મહિનામાં યોજનારી ચૂંટણી પૂર્વે ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન રાજકોટ કલેકટર તંત્ર દ્વારા દબાણ યુક્ત જમીન પર ડિમોલેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. અચાનક જ જિલ્લા–તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ જતા ડિમોલીશનની કામગીરી ટૂંક સમય માટે અટકાવવામાં આવી હતી. જોકે તમામ ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેના પરિણામો પણ ૨૮ એપ્રિલના રોજ જાહેર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે કલેકટર તંત્રના અનેક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી કામગીરી માટે જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ડિમોલિશનની અટકી પડેલી કામગીરીઓ પુનઃ શરૂ કરવી જરૂરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આવનારા સમયમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ડિમોલેશનની પ્રક્રિયા ફરી હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટ શહેરના કલેકટર હેઠળના વિસ્તારોમાં ટીમોલિશનની પ્રક્રિયા સત્વરે શરૂ કરી દેવી જોઇએ. તેમજ આજની લેન્ડ ગ્રેબિંગની બેઠકના અંતે ડિમોલિશનને લઈને કોઈ નોટિસ નીકળે છે કે કેમ તે જોવું રહ્યું. દબાણ હટાવ કામગીરીમાં તંત્રનું ઢીલું અને કુણું વલણ દબાણકારોને પ્રોત્સાહિત કરવા પૂરતું સાબિત થઈ શકે છે. ત્યારે દબાણ યુક્ત જમીનને ફરી ખાલી કરાવવા કલેકટર તંત્રએ આળસ ખંખેરી સત્વરે કામગીરી શરૂ કરવી જોઈએ.