અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ તથા આગામી ચૂંટણીની રેસમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પ પર અમેરિકાના પેન્સિલ્વેનિયામાં આયોજિત એક રેલી દરમિયાન ગોળીબાર થયો તે સમગ્ર ઘટનાક્રમે લગભગ 60 વર્ષ પહેલાં ઘટેલી ઘટનાની યાદ અપાવી દીધી હતી, જ્યારે અમેરિકાના 35મા રાષ્ટ્રપતિ કેનેડીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તેઓ અમેરિકાના સૌથી યુવા, સુધારાવાદી, કરિશ્માઈ અને લોકપ્રિય રાષ્ટ્રપતિ હતા.
કેનેડી પર હુમલો થયો ત્યારે હજારો દર્શક હાજર હતા, જેઓ પ્રત્યક્ષદર્શી પણ હતા, જેના કારણે હજારો અટકળો વહેતી થઈ હતી. તા. 22 નવેમ્બર 1963ના દિવસે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જોન તથા જેક્લીન ’જેકી’ કેનેડી પર જીવલેણ હુમલો થયો હતો.
રાષ્ટ્રપતિ કેનેડી ખુલ્લી કારમાં ફરવાનું પસંદ કરતા. તેઓ લોકોને એ વાતનો અહેસાસ કરાવવા માગતા હતા કે તેઓ જનતાને માટે સતત ઉપલબ્ધ છે. તેમની અને જનતાની વચ્ચે કોઈ નથી. એ દિવસે રાષ્ટ્રપતિ તથા તેમનાં પત્ની જેક્લિન ખુલ્લી લિમોઝીન ગાડીમાં પસાર થઈ રહ્યાં હતાં. એ દિવસે ટેક્સાસના ડલાસ શહેરમાં રસ્તાઓ પર ભારે ભીડ હતી, ભીડ ખૂબ જ ખુશ હોય તેમ લાગતું હતું. છતાં કેટલાક લોકો રાષ્ટ્રપતિના કામથી ખાસ ખુશ ન હતા. કેનેડીની અમુક નીતિઓ સામે વિરોધ હતો, પરંતુ એના કારણે તેમની પર જીવલેણ હુમલો થઈ શકે તેવી કોઈ ગુપ્ત માહિતી સિક્રેટ સર્વિસને નહોતી મળી. અચાનક કોઈએ ગોળી છોડી અને તેઓ ઢળી પડ્યા. એ પછી સિક્રેટ ઍજન્ટ્સે ફર્સ્ટ લેડીને કારની અંદર જ છુપાવી દીધાં અને સુરક્ષાઘેરો બનાવ્યો.
અવસાન સમયે રાષ્ટ્રપતિ કેનેડીની ઉંમર 46 વર્ષની હતી અને તેઓ ત્રણ વર્ષ અગાઉ જ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ટેલિવિઝનનાં પ્રારંભિક વર્ષોમાં યુવા કેનેડી, તેમનાં પત્ની તથા બાળકોએ નાગરિકોમાં વ્હાઇટ હાઉસ પ્રત્યે આકર્ષણ ઊભું કર્યું હતું.
ઘટના સમયે ટેક્સાસના ગવર્નર પ્રેસિડન્ટની આગળની સીટ પર જ બેઠા હતા, તેઓ પણ ગોળી વાગવાથી ઘાયલ થયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમને બચાવી લેવાયા હતા.
હુમલાના એક જ કલાકમાં જેડી ટિપિત નામના પોલીસમેનની પણ હત્યા કરી દેવામાં આવી. એ પછી પોલીસે લી હાર્વે ઑસ્વાલ્ડ નામના શખ્સની ધરપકડ કરી. બાર કલાકની અંદર જ પોલીસે તેના પર રાષ્ટ્રપતિ કેનેડી તથા ટિપિતની હત્યાનું તહોમતનામું મૂક્યું.
આરોપી ઑસ્વાલ્ડની પર ખટલો ચાલે અને તેમણે એકલા હાથે હત્યાકાંડને અંજામ આપ્યો કે તેમની સાથે બીજું કોઈ પણ હતું? ક્યારથી તૈયારીઓ શરૂ કરી? શા માટે કેનેડીથી નારાજ હતા? શું તેમનો કોઈ વિદેશી તત્ત્વો સાથે સંપર્ક હતો? જેવા સવાલના જવાબ મળે તે પહેલાં એક નાટ્યાત્મક ઘટના ઘટી.
રાષ્ટ્રપતિની હત્યાના બે દિવસ પછી તા. 24 નવેમ્બરે જેક રૂબી નામના સ્થાનિક નાઇટક્લબ માલિકે ડલાસ પોલીસ ડિપાર્ટમેન્ટના બેઝમેનન્ટમાં ઑસ્વાલ્ડની હત્યા કરી નાખી. આ હત્યાકાંડ ટેલિવિઝન પ્રસારણ દરમિયાન કેમેરામાં કેદ થઈ ગયો હતો.
રૂબી પર ઑસ્વાલ્ડની હત્યાનો ખટલો ચલાવવામાં આવ્યો અને તેમને મૃત્યુદંડની સજા મળી, જેની સામે તેમણે અપીલ કરી. જોકે, ખટલો શરૂ થાય તે પહેલાં વર્ષ 1967માં કેન્સરને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું.
જેફર્સન મોર્લી વોશિંગ્ટન પોસ્ટના પૂર્વ પત્રકાર છે. તેમણે આ હત્યાકાંડ વિશે અનેક પુસ્તક લખ્યાં છે. તેમનું કહેવું છે કે ’મેં હત્યાકાંડ વિશે તથ્યો જ લખ્યાં છે અને ક્યારેય ષડયંત્રકારી વાતો નથી લખી.’
જેફર્સનનું માનવું છે કે કેનેડી માટે જીવલેણ નીવડેલી ગોળી પાછળથી નહીં, પરંતુ આગળથી છોડવામાં આવી હતી. ઝેપરૂડર નામના સ્થાનિકે કેનેડીની અંતિમ ક્ષણોને વીડિયો કેમેરામાં ઉતારી હતી.
એ વીડિયોને ટાંકતા જેફર્સન કહે છે કે ’કેનેડીનું માથું પાછળની તરફ ફંટાય છે. મને ખ્યાલ છે કે એવી થિયરી છે કે જ્યારે પાછળથી ગોળી મારવામાં આવે, ત્યારે માથું ગોળીના સ્રોત તરફ નમે છે. પરંતુ સામાન્ય સમજ પણ કહે કે એમ થવાની સંભાવના નથી. એટલે એવું લાગે કે સામેથી ગોળી છૂટી હશે.’ જ્યારે કોઈ શખ્સ ગોળીબાર કરે ત્યારે તેના શરીર પર ગનપાઉડર ચીપકી જાય છે. સંદિગ્ધનો પેરાફિન ટેસ્ટ કરીને તેણે ગોળીબાર કર્યો છે કે કેમ, તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ટેસ્ટની વિશ્વસનિયતા સંદિગ્ધ રહી છે. છતાં ઑસ્વાલ્ડના ગાલના પેરાફિન ટેસ્ટમાં ગનપાઉડર નહોતો મળ્યો. જેના કારણે ઑસ્વાલ્ડે ગોળી છોડી હતી કે કેમ, તેના વિશે સવાલ ઊભા થયા હતા.
વોરન કમિશનના તારણથી વિપરીત ટેક્સાસના ગવર્નરનું કહેવું હતું કે જે ગોળીથી રાષ્ટ્રપતિની હત્યા થઈ, એ જ પ્રકારની ગોળી તેમને નહોતી વાગી. સીઆઈએના કાઉન્ટર-ઇન્ટેલિજન્સ સ્ટાફ દ્વારા ઑસ્વાલ્ડ પર નજર રાખવામાં આવી રહી હતી, વર્ષ 1959માં ઑસ્વાલ્ડની ફાઇલ ખુલ્લી જે નવેમ્બર-1963માં બંધ થઈ હતી. તેની ઉપર નજર રાખનારાઓમાં જેમ્સ ઍંગ્લટન પણ હતા, જેઓ આગળ જતાં સીઆઈએના ડાયરેક્ટર પણ બન્યા.પ્રો. થોમસ વ્હેલનના કેનેડી હત્યાકાંડના અભ્યાસુ છે. વોરન કમિશનના રિપોર્ટને ટાંકતા તેઓ કહે છે કે ’વર્ષ 1959માં સ્વઘોષિત માર્ક્સવાદી ઑસ્વાલ્ડે તત્કાલીન સોવિયેટ સંઘની મુલાકાત લીધી. ઑસ્વાલ્ડે સોવિયેટ સંઘના નાગરિકત્વ માટે અરજી કરી હતી અને વર્ષ 1962 સુધી ત્યાં જ નિવાસ કર્યો હતો.’ ’કેનેડીની હત્યાના બે મહિના પહેલાં સપ્ટેમ્બર-1963માં ઑસ્વાલ્ડે મેક્સિકો સિટી ખાતે ક્યૂબા અને રશિયાની ઍમ્બેસીની મુલાકાત લીધી હતી. શું ત્યાં ઑસ્વાલ્ડે સોવિયેટ કે ક્યુબાના ગુપ્તચર અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી? શું તેમણે હત્યા માટે ઑસ્વાલ્ડને લીલીઝંડી આપી હતી? મિસાઇલ સંકટને કારણે ક્યૂબાના ફિડલ કાસ્ત્રો પાસે કેનેડીની હત્યા માટે ચોક્કસ કારણ હતું.’ એક એવી થિયરી વહેતી થઈ હતી કે ખુદ અમેરિકાની જ ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઍજન્સીએ તેના રાષ્ટ્રપતિની હત્યા કરાવી હતી. વર્ષ 1975માં રોકફિલર કમિશને સીઆઈએની સંડોવણી અંગે વિશ્વસનીય પુરાવા ન હોવાનું ઠેરવીને આ થિયરી પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય એક કરતાં વધુ શખ્સોએ ગોળીબાર કર્યો હોવાની થિયરી પણ વહેતી થઈ હતી.
વર્ષ 1979માં ’હત્યાકાંડ વિશેની હાઉસ સિલેક્ટ કમિટી’ વોરન કમિશનનાં મોટાં ભાગનાં તારણોને અનુમોદન આપ્યું છતાં ઉમેર્યું કે, બે બંદૂકધારીઓએ રાષ્ટ્રપતિ કેનેડી તરફ ગોળીઓ છોડી, તેની બહુ વધુ સંભાવના છે. કેનેડી તથા તેમના હત્યાકાંડ વિશે 40 હજાર કરતાં વધુ પુસ્તક લખાયાં છે, જે કદાચ પુસ્તકાલય નહીં તો તેના અનેક કબાટને ભરી દેવા માટે પૂરતાં છે. આગળ પણ જેમ-જેમ સેનેટ દ્વારા વર્ષ 1992માં આકર્ઇિવ કરી દેવાયેલા લાખો દસ્તાવેજ સાર્વજનિક થતાં જશે, તેમ નવી વિગતો અને કદાચ પુસ્તકો બહાર આવતી રહેશે.વર્ષ 2017ના એક સર્વેમાં લગભગ 61 ટકા અમેરિકનોએ મત વ્યક્ત કર્યો હતો કે કેનેડીની હત્યામાં એક કરતાં વધુ લોકો સંડોવાયેલા હતા અને આગામી વર્ષોમાં સર્વે થશે તો પણ કદાચ જ અલગ તારણ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech