અમારી રમતમાં શું ભૂલ છે ?

  • September 27, 2023 01:11 PM 

ડિસ્કો દાંડીયાનો કાર્યક્રમ ઇનામ વિતરણ સહિત હજી દસ મિનીટ પહેલાં પૂરો થયો જ છે. દાંડીયા રાસમાં નિર્ણાયક તરિકે જે બહેન હતાં એની આસપાસ અમૂક છોકરીઓ અને બહેનોનુ ટોળુ વળેલ હતું. એક બહેન કે જે વર્ષોથી દાંડીયા રાસના કાર્યક્રમમાં હાજરી આપીઆપીને અનુભવોથી રીઢા થઇ ગયાં હતાં એ અને અનેક વાર નિર્ણાયક તરીકે રહી ચૂક્યા હતાં એવાં જમાનાના ખાધેલ આજના પણ નિર્ણાયક બેન વચ્ચે ચર્ચા આસમાને ચડી હતી. બેમાંથી એકેય એકબીજાને ખોલ આપવાં તૈયાર નહોતાં.
બેન, હું તમને મળી શકું પાંચ મિનીટ ??
​​​​​​​
હા, બોલો ને !
ના, કાંઇ નહી બસ ! આ મારી બેબી છે. અહીયાં રમતી હતી. તમે જોઇ ને ?
હા, જોઇ ને ! બહું જ સરસ રમતી હતી હો બેટા ! બહું જ સરસ.
હા, એટલે જ હું તમને મળવા આવી હતી કે આટલું સરસ રમતી હતી તો ય...... ભલે અમે તો બેન તમારૂં નામ ખૂબ સાંભળ્યુ છે. તમારૂં રિઝલ્ટ હોય એટલે એ એકદમ પાક્કું જ હોય. તમારાં પર એકદમ વિશ્વાસ જ છે. પણ તો ય બસ ખાલી પૂછવાં માટે.... કે ભવિષ્યમાં ધ્યાન રાખી શકીએ ને એટલાં માટે કે આની શું ભૂલ હતી ?
ના, કાંઇ ભૂલ નહોતી. પણ જેને પ્રાઇઝ મળ્યા ને એ લોકો આના કરતાં સારૂં રમતાં હતાં. આ પણ સરસ જ રમતી હતી પણ જરાંક માટે જરાં ઓગણીસ વીસ રહી જાય. તો એમાં નારાજ કે દુ:ખી નહી થવાનુ. બીજી વાર હજી સારૂં રમવાનુ હો બેટા !
ના ના, પણ આમ તો એ ખાલી જ કે હવે પછી સારૂં રમશે એમ નહી, એ તો સારૂં જ રમે છે. સાવ નાની પાંચ વર્ષની હતી ત્યારથી ગરબા રમે છે. અને લગભગ તો છે ને ક્યારેય એ પ્રાઈઝ વગર પાછી આવી નથી. અને આજે એને પ્રાઇઝ ન મળ્યુ ને એટલે મને એમ થયું કે લાવ હું તમને પૂછી લઉ.
ના ના, પણ મે તમને કહ્યું ને કે એ બહું જ સરસ રમતી હતી. પણ પેલી દિકરીઓ પણ બહું જ સરસ રમતી હતી. હવે ઇનામ તો ત્રણ જ હતાં. એટલે અમારાં હાથ પણ બંધાયેલા જ હતાં. જો એકાદ ઇનામ પણ વધારે હોત ને તો જરૂર આને પ્રાઇઝ મળત. અમે આયોજકોને પણ વાત કરી હતી કે આમાં ઇનામો થોડાં વધારો. પણ એ લોકોએ ત્રણ જ ઇનામ રાખવાનુ કહ્યું હતું.
હા, એ તો બરાબર. પણ આ છે ને સાવ નાની હતી ને ત્યારથી જ પ્રાઇઝ મેળવે છે. તમે છે ને કોઇ પણ ને પૂછી લો તો તમને કહેશે જ કે એ કેટલી વાર પ્રિન્સેસ બની છે. અરે, ચાર વાર તો ક્વિન પણ બની છે. ગ્રાઉન્ડમાં એ રમતી હોય ને તો લગભગ બધાંને ખાત્રી જ હોય કે આને જ પ્રાઇઝ મળશે. આજે તો બધાં લોકો પણ ચકિત થઇ ગયાં કે આને કેમ પ્રાઇઝ ન મળ્યુ. પણ એ તો જે હોય તે હું તો તમારી પાસે એટલે જ આવી છું કે આને કાંઇ સુધારાની જરૂર હોય તો કહો. તો અમે એટલું ધ્યાન રાખીએ ને !
અરે ના ના, તમે જ કહો છો ને કે આટલાં વર્ષોથી રમે છે તો હવે તો એનો પણ અનુભવ કેટલો થઇ ગયો હોય. બધું આવડતું જ હોય એને એટલે સુધારો તો હવે એમાં શું કરવાનો ! બસ, રમવાનુ આનંદથી. ઇનામની લાલચ રાખ્યા વગર રમવાનુ.
હું પણ બેન એને એમ જ કહું છું કે આપણે ઇનામને ધ્યાનમાં રાખીને રમવાનુ જ નહી. જો આપણી રમત સારી હશે તો આપણને પ્રાઇઝ ઓટોમેટિક મળી જ જશે. પણ એને છે ને બહું જ શોખ છે. ગરબા પાછળ તો આમ પાગલ છે. એને આટલો શોખ છે ને એટલે જ હું તમારી પાસે આવી કે તમારી પાસેથી કાંઇક ટિપ્સ મળે. તો એ સારૂં રમી શકે. બાકી ઇનામ-બીનામ તો ઠીક છે, એ તો આપણે સારૂં રમીએ તો આપણને મળવાના છે. જો આટલાં વર્ષથી ઇનામો મળે જ છે ને ! આજે એક જરાંક અમારાં ધાર્યા બહારનુ પરિણામ આવ્યું એટલે જ મને થયું કે તમારી સાથે વાત કરી લઉ કે હવે તમે જે કહો ને એ અમલમાં મૂકીએ અમે અને એનુ ધ્યાન રાખીએ.
ના ના બેન, તમે જરાંય ચિંતા ન કરો. આ છોકરી તો બહું જ સરસ રમે છે. તમે જ કહ્યું ને તમે એને સલાહ આપો છો કે પ્રાઇઝ માટે નહી રમવાનુ. મતલબ કે ફક્ત પોતાના આનંદ માટે રમવાનુ. તો ફક્ત પર્ફોર્મન્સમાં તો કોઇ ચિંતા જ નહી. એમાં તો થોડુંક ઓગણીસ-વીસ હોય તો પણ ચાલે ! એમાં ક્યાં ઇનામ જીતવાના છે !
સાચી વાત છે બેન તમારી. પણ આ તો શું છે કે તમારૂં નામ આટલું મોટું છે ને તમે જો કાંઇક સજેશન્સ આપો ને તો પર્ફોર્મન્સ હજી સુધરે ને !
અરે ના હવે, હરીફાઇ ન હોય ને ફક્ત જો પર્ફોર્મન્સ જ હોય તો તો પર્ફોર્મન્સ એટલું બધું બરાબર ન હોય તો ચાલે. અને તમારી દિકરી તો જ્યાં ફક્ત પર્ફોર્મન્સ હોય ત્યાં સરસ પર્ફોર્મ કરી શકે એટલી તો હોશિયાર છે જ.
હા, પણ બેન તો ય તમારાં અનુભવનો જો લાભ મળે તો મારી દિકરીની પ્રગતિ થાય ને !
પણ આ તો દિકરી બહું જ સરસ રમે છે.
હવે આમ જ વાતો ચાલતી રહી એટલે જેને પ્રાઇઝ નહોતું મળ્યુ એના મમ્મીની ધિરજ હવે થોડી જવાબ આપી ગઈ. એટલે એ હવે મુખ્ય વાત પર આવી ગયાં.
પણ બેન, મારી દિકરી આટલું સરસ રમે છે, આટલાં વર્ષોથી એ પ્રાઇઝ મેળવે છે ને છતાંય તમે એને સિલેક્ટ ન કરી તો એની કાંઇક ભૂલ તો હશે જ ને !
આ સાંભળીને પેલાં નિર્ણાયક બેનને ખબર પડી ગઇ કે આ બેન હવે મુખ્ય પોઇન્ટ પર આવી ગયાં છે. એ ય જમાનાના ખાધેલ હતાં. આવાં લોકો બહું જોયેલ હતાં એણે.
ના રે ના, તમે જ કહો છો ને કે ઇનામ એ ગૌણ વસ્તુ જ છે. તમારી દિકરી તો બહું જ સરસ રમે છે. બસ આમ જ રમતી રહેશે તો એક દિવસ તો એ જીતશે જ.
આ સાંભળીને એ બેનને ખબર પડી ગઇ કે અહીયાં દાળ ગળવાની નથી. અત્યાર સુધી આ બન્નેની વાતો સાંભળતા બધાંને એમ હતું કે આ બેન હમણાં લડવા માંડશે. પણ એણે ય હવે દાંડીયા રાસના કાર્યક્રમોમાં પીએચડી કરી લીધું હતું અને ખબર હતી કે એક વખત ઇનામ વિતરણ થઇ જાય પછી કાંઇ ન થાય આટલે માથાકુટ કરવાનો કોઇ મતલબ નથી. એટલે તરત વાતનો રૂખ ફેરવી નાખ્યો.
હા બેન, તમારી વાત સાચી છે. દાંડીયા રાસ રમ્યા રાખવાના એટલે એક દિવસ પ્રગતિ થાય. કેવી અદ્ભુત વાત છે તમારી. હું એને આજે જ સમજાવી દઇશ કે ઇનામની ગણતરીએ ક્યારેય નહી રમવાનુ. વાહ વાહ બેન વાહ. ખૂબ સરસ અનુભવ છે તમારો. કેટલી ઉચ્ચ કક્ષાની વાત કરી છે તમે. અમારૂં ઘર અહીયાં નજીક જ છે. આવો ચા પાણી પીવા.
વાત કરવાના વાતાવરણમાં આવેલ આવાં અચાનક પલટાથી તો નિર્ણાયક બેન પણ થોડાં આભા બની ગયાં. અચાનક આ શું થયું તે વાટાઘાટોમાં મૈત્રી કરાર આવી ગયાં. નહીતર અત્યાર સુધી તો એવું લાગતું હતું કે હમણાં બન્ને દેશો એકબીજા પર પરમાણુ હુમલા કરવાની ધમકી આપવાં માંડશે.
આ આખું કન્વર્ઝેશન ઘણાં વર્ષોથી દાંડીયા રાસનુ આયોજન કરતાં બાજુમાં ઉભેલા આયોજક સાંભળતા હતાં. એને હવે ઘરે જવાની ઉતાવળ હતી. લાઈટ વાળો ક્યારનો લાઇટ્સ બંધ કરવાની ઉતાવળ કરતો હતો પણ આ ભાઇને પેલાં બેન જે દરેક કાર્યક્રમ પૂરો થાય પછી આવાં ખેલ કરે એ જોવાંમાં મજા આવતી હતી. એને આગાઉથી જ ખબર હતી કે હવે વાટાઘાટોમાં કેવો વળાંક આવશે. પણ લાઇટમેન ઉતાવળ કરવાં માંડ્યો એટલે નછૂટકે એણે પેલાં બેનના કાનમાં જઈને ફક્ત એટલું જ કહ્યું કે આપણે નિર્ણાયક તરીકે આ બેનને આવતાં વર્ષે બચલાવવાના નથી
બસ આટલું કહ્યું ત્યાં તો આખી પરિષદનો અચાનક અંત આવી ગયો. નિર્ણાયકને ચા પીવા આવવાનુ કહ્યું હતું એ પણ ભૂલાય ગયું અને અચાનક જ દિકરીને લઇને પેલાં બેનના પગ ઘર ભણી ચાલવા માંડ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application