અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તે સમયે મોટો આંચકો લાગ્યો જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટે વિવિધ દેશો પર લાદવામાં આવેલા તેમના ટેરિફના નિર્ણયને રદ કરી દીધો. આ મામલે હવે ભારતની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તેઓ આ સમગ્ર ઘટનાક્રમ અને તેની આર્થિક અસરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે.
ભારત સરકારનું વલણ
વાણિજ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, "અમે શુક્રવારે ટેરિફ પર યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણયની નોંધ લીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વિષય પર પ્રેસ કોન્ફરન્સ કરી છે અને અમેરિકી વહીવટીતંત્રે કેટલાક નવા પગલાંની જાહેરાત કરી છે. અમે આ તમામ ડેવલપમેન્ટ્સ અને ભારત પર તેની સંભવિત અસરોનું વિશ્લેષણ કરી રહ્યા છીએ."
સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું હતો?
કોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે ૧૯૭૭ના જે જૂના કાયદાનો ઉપયોગ કરીને ટ્રમ્પે વિશ્વભરના દેશો પર અચાનક ટેરિફ ઝીંકી દીધા હતા, તે કાયદો રાષ્ટ્રપતિને આવા મનસ્વી નિર્ણયો લેવાની સત્તા આપતો નથી. આ ટેરિફને કારણે ભારત સહિત અનેક દેશોના નિકાસ બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી.
ટ્રમ્પનો આક્રોશ: 'મને શરમ આવે છે'
કોર્ટના આ નિર્ણયથી ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થઈ ગયા છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કોર્ટના સભ્યો પર આકરા પ્રહારો કરતા કહ્યું, "મને કોર્ટના કેટલાક સભ્યો પર શરમ આવે છે, કારણ કે તેમનામાં આપણા દેશ માટે સાચું કામ કરવાની હિંમત નથી."
ટ્રમ્પે વધુમાં દાવો કર્યો હતો કે આ નિર્ણયથી તેઓ નબળા નહીં પરંતુ 'વધુ શક્તિશાળી' બન્યા છે. તેમણે કહ્યું કે દેશના હિતોના રક્ષણ માટે એક રાષ્ટ્રપતિ ખરેખર હવે પહેલા કરતા પણ વધુ ટેરિફ લગાવી શકે છે. ટ્રમ્પનું માનવું છે કે આ ચુકાદો વિદેશી હિતોથી પ્રભાવિત હતો.
ભારતીય નિકાસકારો માટે શું છે આશા?
જો આ ટેરિફ કાયમી ધોરણે રદ થાય છે, તો ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતી ચીજવસ્તુઓ (જેમ કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને આઈટી સેવાઓ) પરનો કરબોજ ઘટી શકે છે. જોકે, ટ્રમ્પ જે રીતે આક્રમક વલણ અપનાવી રહ્યા છે, તેને જોતા આગામી દિવસોમાં અમેરિકા કોઈ નવો કાયદો કે વટહુકમ લાવે તેવી પણ શક્યતા છે.