વાવડીમાં મકાનો તોડી પડાશે તો ધર્મ પરિવર્તન અને હિજરતની ચેતવણી

  • December 02, 2023 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બે દિવસ પહેલા વાવડીમાં જિલ્લા કલેકટર તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરીને ચાર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ચાલુ ઓપરેશન દરમિયાન બહુજન સમાજ પાર્ટીના આગેવાનો કાર્યકરો અને આ વિસ્તારના લોકોએ વિરોધ કરતા ઓપરેશન મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે જો અમને ન્યાયની લડત પૂરી થાય તે પહેલા મકાનો છીનવી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે તો અમારે નાછૂટકે ધર્મ પરિવર્તન કરી હિજરત કરવાની ફરજ પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે.


પ્રભાબેન મેરામભાઇ સાગઠીયા, ખીમજીભાઈ મીઠાભાઇ પાતર, ચકુબેન ઉર્ફે શાંતિબેન નાજાભાઇ રાઠોડ અને દેવીબેન અરવિંદભાઈ મકવાણાએ કલેકટર અને પોલીસ કમિશનરને લેખિતમાં પાઠવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમે છેલ્લા 12 થી 15 વર્ષથી અહીં રહીએ છીએ. લાઈટ કનેક્શન છે અને ગ્રામ પંચાયતના વેરા પણ ભરીએ છીએ. આ વિસ્તાર મહાનગરપાલિકામાં ભળી ગયો છે.


જમીનની માલિકીના મામલે ચાલતા વિવાદમાં અમે અપીલ દાખલ કરી છે. પ્રાંત અધિકારી સંદીપ વર્માએ  અમારી અપીલ નામંજૂર કરી છે અને 60 દિવસની સમય મયર્દિામાં કલેકટર સમક્ષ અપીલ સામે રજૂઆતની અમને કાયદાકીય છૂટ આપવામાં આવી હોવાથી અમે કલેકટર સમક્ષ 29 નવેમ્બરના રોજ અપીલ દાખલ કરી છે. આ કેસનું હજુ નિવારણ આવ્યું નથી ત્યાં મામલતદાર અને તેની ટીમે ચાર મકાનો તોડી પાડ્યા છે.
ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડનાર સામે કાયદાકીય પગલાં લેવાની માગણી પણ કરવામાં આવી છે. હવે જો રહેણાંકના મકાનો અપીલ તેમજ અમારી ન્યાયિક લડત પૂરી થાય તે પહેલા છીનવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો અમારે ધર્મ પરિવર્તનની અને હિજરતની ફરજ પડશે તેવું ફરિયાદીઓએ જણાવ્યું છે.


દરમિયાનમાં આ મામલે બહુજન સમાજ પાર્ટીના વાસુદેવ એમ. સોલંકીએ ગઈકાલે જિલ્લા કલેકટરને મળીને જણાવ્યું હતું કે વાવડીના સહકારી ખરાબાના સર્વે નંબર 149 ની જમીન માં થયેલા બાંધકામો તોડી પાડવાના બદલે તે રેગ્યુલરાઈઝ કરી આપવા જોઈએ અથવા તો ડિમોલિશન કરતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા રહેણાંક માટે કરવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application