કુખ્યાત બુકી રાકલાના ભત્રીજા સહિતની વોન્ટેડ ત્રિપુટી નાણાના જોરે છેડાની શોધમાં

  • January 25, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે ગત મંગળવારે માત્ર બે કલાકના ગાળામાં ક્રિકેટ સટ્ટાના ત્રણ–ત્રણ દરોડા તો પાડયા પરંતુ કુખ્યાત બુકી કે ક્રિકેટ સટ્ટામાં કિંગ મનાતા રાકેશ ઉર્ફે રાકલાના ભત્રીજા તેજશ રાજુભાઈ રાજદેવ સહિત અન્ય બે બુકીબંધુ અમિત ઉર્ફે મોન્ટુ ખમણ દિપકભાઈ પોપટ તથા નિરવના માસ્ટર આઈડી થકી નામો ખોલ્યા છે. બે દિવસ વિત્યે હજી ત્રણેય પોલીસના હાથમાં તો નથી આવ્યા પરંતુ ધનાઢય આરોપી ત્રિપુટી પૈસા અને પોલિટિકલ પાવરના જોરે રજૂ થવા છેડાની શોધમાં મથતી હોવાની ભારે ચર્ચા છે.

મંગળવારની બપોર બાદ ક્રાઈમ બ્રાંચ માટે ક્રિકેટ સટ્ટાની કામગીરીમાં સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ સટ્ટો રમતી, રમાડતી ત્રણ માછલીઓ રૂપ સૂકેતુ કનૈયાલાલ ભુતા ઉ.વ.૪૫, નિશાંત હરેશભાઈ ચગ ઉ.વ.૨૩ તથા ભાવેશ અશોકભાઈ ખખ્ખર ઉ.વ.૪૨ને અલગ અલગ ત્રણ દરોડા પાડીને પકડી પાડયા હતા. ત્રણેય દરોડામાં સૂકેતુની ભૂમિકા કી રોલ રહ્યો હતો. ભાવેશ તથા નિશાંતને પણ સૂકેતુએ જ તેજશ રાજદેવની માસ્ટર આઈડી અપાવી હતી.
સૂકેતુ તથા ભાવેશના મોબાઈલમાંથી તેજશ ઉપરાંત અન્ય બે બંધુ અમિત ઉર્ફે મોન્ટુ ખમણ અને નિરવની માસ્ટર આઈડી નીકળતા ક્રાઈમ બ્રાંચ પ્રથમ વખત અલગ અલગ ત્રણ ત્રણ ગુના નોંધી તેજશ તથા પોપટ બંધુને વોન્ટેડ બતાવ્યા હતા.

૧૧.૬૫ લાખની રોકડ સહિતની મત્તા સાથે પકડાયેલા સૂકેતુ, ભાવેશ તથા નિશાંતના મોબાઈલનો અભ્યાસ પોલીસે આરંભતા અંદરથી ટૂંકા ટૂંકા નામવાળા અનેક પંટરો કે ખેલીઓ સાગરીતોના નામો ખુલ્યા છે. જે આધારે આવા ઈસમોને તપાસના નામે તેડા મોકલાયા હોવાનું જાણવા મળે છે.

ક્રાઈમ એસીપી બી.બરી.બસિયાના માર્ગદર્શન, પીઆઈ બી.ટી.ગોહિલની રાહબરી હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચર તથા ટીમ દ્રારા ચલાવાઈ રહેલી તપાસમાં વોન્ટેડ એવા ધનાઢય ત્રણેય બુકીઓ તેજશ, મોન્ટુ તથા નિરવને શોધવા તેના નિવાસસ્થાન, બેઠકો કે આવા સ્થાનોએ પોલીસે ઓનપેપર શોધ કે તપાસ કરી હતી પરંતુ એકપણ વ્યકિત હાથ લાગ્યા ન હતા.
આર્થિક રીતે અતિ સુખી સંપન્ન પી.એમ.આંગડિયાના નામે કરોડોના વ્યવહારો ચલાવતા તેજશ રાજદેવ તથા તેના કાકા રાકેશ નાણાનો તો ખરો જ પોલિટિકલ પાવર પણ સારો એવો ધરાવે છે. રાકેશ અગાઉ રાજકોટમાં વોર્ડ નં.૩માં ભાજપના ઉમેદવાર તરીકે મ્યુ.કોર્પેારેશનની ચૂંટણી પણ લડી ચૂકયો છે. કહેવાય કે ચર્ચાય છે કે, પોલીસ અચાનક ત્રણ–ત્રણ ગુનામાં નામ તો ખોલી નાખ્યા આવું કરવા પાછળનો પોલીસનો ઈરાદો શું હશે? એવું સ્પષ્ટ્ર હશે કે કુખ્યાત બુકીઓને પણ છોડયા નથી? બીજી વાતો એવી પણ ચાલી છે કે, હવે પૈસા અને પોલિટિકસ પાવરથી પોલીસ સમક્ષ રજૂ થવાના છેડા શોધાઈ રહ્યા છે. પોલીસ માટે પણ અત્યારે તો ગમે તેમ કરીને ધનાઢય વોન્ટેડ બુકી ત્રિપુટીને કોઈ રીતે પકડવાનો ટાસ્ક હશે. બુકીઓના ટેકનિકલ સોર્સ કે આવી માહિતીઓ જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમની પણ મદદ લેવાઈ છે. પકડાયેલા ત્રણેયના મોબાઈલ ફોન ડિટેઈન સાયબર ક્રાઈમની મદદથી ફોરેન્સિક ઢબે ચકાસાશે.
ક્રિકેટ સટ્ટાની હારજીતના લાખો, કરોડોના વ્યવહારો આંગઠિયા મારફતે થતાં હોવાની પુરી આશંકા આધારે પોલીસે એ દિશામાં પણ તપાસની નજર દોડાવી છે. અત્યારે તો સટ્ટાનું નેટવર્ક ભેદવા માટે પોલીસ ઓનપેપર સ્ટ્રોંગ દેખાઈ રહી છે. આગળની તપાસમાં શું નીકળે કે પોલીસ કયાં સુધી પહોંચી શકે એ જોવું રહ્યું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application