વાંકાનેર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને આવતીકાલે તા. ૨૦મી મે ના રોજ ભારતભરના કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનો દ્રારા બંધના એલાનને ટેકો જાહેર કરી મામલતદાર તથા પી.આઈ.ને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જેમાં વાંકાનેર એસોસિએશનના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલા, ઉપપ્રમુખ હિતેષભાઈ, સેક્રેટરી બિપીનભાઈ દોશી, રાજેન્દ્રસિંહ પી. જાડેજા સહિતના વ્યાપારી એસોસિએશનના આગેવાનો, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે પ્રમુખ તથા સેક્રેટરી દ્રારા જણાવાયું હતું કે કોઈપણ દર્દીને ઈમરજન્સી દવાની જરુર પડશે તો વિશેષ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. વધુમાં જણાવતા કેન્દ્ર સરકાર દ્રારા ઓનલાઈન દવા વેચાણને મંજુરી મળ્યા બાદ અનેક બિનનિયમિત પ્લેટફોર્મ દ્રારા નિયમોના ભગં સાથે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે ડોકટરની યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ મળવાની શકયતાઓ વધી રહી છે. દર્દીઓની ગોપનીય માહિતીનો દુરુપયોગ તેમજ સમય સીમા પૂર્ણ થયેલી કે નકલી દવાઓના વેચાણનો ભય વધી રહ્યો છે. આથી જીએસઆર ૮૧૭(ઈ)ને પાછું ખેંચી કડક નિયંત્રણ લાદવાની માગ કરવામાં આવી છે. તેમજ જીએસઆર ૨૨૦(ઈ) તા. ૨૦–૩–૨૦૨૦ હેઠળ સ્પ્યુરિયસ અને નકલી (બનાવટી) દવાઓના મુદ્દે પણ ચિંતા વ્યકત કરવામાં આવી હતી..