111-ઉમરેઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું અને સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. કેન્દ્રીય ચૂંટણી પંચની એક નવી પહેલના ભાગરૂપે મતદાન મથકના પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા ઇસીઆઇનેટ એપ પર મતદાન ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યા સુધી અપલોડ કરાયેલા ડેટા મુજબ ૧૧૧-ઉમરેઠ બેઠક માટે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩% મતદાન નોંધાયું છે.
મતદાન શરૂ થાય તે પહેલાં દરેક મતદાન મથક પર ઇવીએમ પર એક મોક પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉમેદવારો દ્વારા નિયુક્ત કરાયેલા મતદાન એજન્ટો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ ૪૬ ગામોનો સમાવેશ થાય છે અને ૦૩ નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ ૦૬ હરીફ ઉમેદવારો મેદાને છે. ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૧,૨૬,૫૪૫ પુરુષ મતદારો, ૧,૧૯,૦૭૨ મહિલા મતદારો અને અન્ય ૦૬ મતદારો મળીને કુલ ૨,૪૫,૬૨૩ મતદારો નોંધાયા છે.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં ૬૮ મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩૮ મતદાન મથકો મળી કુલ ૩૦૬ મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા હતા. જ્યાં થતી તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે વેબકાસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી હતી. આ મતદાન મથકો પૈકી 0૧ મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત, ૦૨ યુવાઓ દ્વારા સંચાલિત તથા ૦૨ મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો, જ્યારે ૦૫ આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા હતા. મતદાન મથકો પર તૈનાત કરવાના ઇવીએમની યાદી ચૂંટણી લડતા ઉમેદવારોને અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ઇસીઆઇના સુધારેલા નિયમો અનુસાર ઉમેદવારોને મતદાન મથકોના પ્રવેશદ્વારથી ૧૦૦ મીટરના અંતરે તેમના બૂથ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, જે મતદારો માટે અને તેમાં પણ ખાસ કરીને જેમની પાસે મતદાર માહિતી સ્લિપ ન હોય તેમના માટે ફાયદાકારક હતી. ૧૦૧ જેટલા ૮૫થી વધુ વયના અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરે મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી, જેના માટે ખાસ સમર્પિત ટીમો દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં મતદાનની પ્રક્રિયા ધરવામાં આવી હતી. મતદાનની સુલભતા સુનિશ્ચિત કરવા માટે ૨૧૮ જેટલી વ્હીલચેરની સુવિધા રખાઈ હતી, જ્યારે નાગરિકોને મદદરૂપ થવા માટે ૩૬૧ સ્વયંસેવકો પણ ખડેપગે રહ્યા હતા. સાથોસાથ ૮૫+ના વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારોને બૂથ સુધીની નિઃશુલ્ક મુસાફરી હેતુ ૬ વાહનો પણ આરક્ષિત રાખવામાં હતા. તદુપરાંત ગરમીને ધ્યાને રાખીને તમામ કેન્દ્રો પર ઓઆરએસ, મંડપ/શેડ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી હતી. કેન્દ્ર પર મતદારોને જરૂરી તમામ માહિતી પૂરી પાડવા માટે વોટર આસિસ્ટન્સ બૂથ પણ તૈયાર કરાયા હતા જ્યાં મતદારોના મોબાઈલની જાળવણી માટે પણ સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી.