રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની મબલખ આવકો શરૂ; ભાવમાં કડાકો

  • August 22, 2023 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં લીલાછમ શાકભાજીની મબલખ આવકો શરૂ થતાં ભાવમાં કડાકો બોલ્યો છે. ટમેટામાં ૧,૦૨,૭૦૦ કિલોની આવક થતા ભાવ ગગડ્યા છે અને આજની હરાજીમાં ભાવ ઘટીને પ્રતિ કિલોના ૩૨થી ૫૦ના ભાવે સોદા થયા હતા.


વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૧ દિવસની વરસાદ ન હોય ખેતર વાડીઓમાંથી શાકભાજીનો નવો પાક ઉપાડવાનો પર્યાપ્ત સમય રહેતા હાલ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાંથી શાકભાજીની આવક લગભગ ડબલ થઇ ગઇ છે અને શાકભાજીના ભાવ મહિના પૂર્વે જેટલા હતા તેનાથી અડધા કરતા ઓછા થઇ ગયા છે. આગામી દિવસોમાં શાકભાજીની આવક હજુ વધશે અને ભાવ હજુ ઘટશે.ખાસ કરીને સ્થાનિક દેશી ટમેટાની આવકો શરૂ થતા ટામેટાના ભાવ જેવા ચડ્યા હતા તેવા જ પડ્યા છે. રાજકોટ યાર્ડમાં ૧,૦૨,૭૦૦ કિલો ટમેટાની આવક થતા રૂ.૩૨થી ૫૦ના કિલો વેંચાયા હતા.


એકંદરે હાલમાં તમામ શાકભાજીના ભાવ પ્રતિ કિલોના સરેરાશ રૂ.૮થી ૬૦ના ભાવે યાર્ડમાં વેંચાઇ રહ્યું છે. અલબત્ત રિટેલ શાક માર્કેટ અને સોસાયટીઓમાં શાકભાજી વેંચતા ફેરિયાઓએ હજુ ભાવ ઘટાડ્યા નથી.
બિપોરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે આ વર્ષે વહેલો વરસાદ વરસ્યો હતો જેથી વાવણી વહેલી થઇ હતી, આમ, આ વર્ષે નવા શાકભાજીનો પાક પણ વહેલો માર્કેટમાં આવી ગયો છે. દરમિયાન છેલ્લા ૨૧ દિવસના લાંબા મેઘવિરામ વચ્ચે શાકભાજીનો નવો પાક બજારમાં આવી જતા ભાવ ઝડપભેર ગગડવા લાગ્યા છે.

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જ પાંચ લાખ કિલોથી વધુ બટેટા વેચાયા
રાજકોટ માર્કેટ યાર્ડમાં ગઇકાલે શ્રાવણ માસના પહેલા સોમવારે ૫,૧૦,૦૦૦ કિલો બટેટાના સોદા થયા હતા અને ભાવ ગુણવત્તા અનુસાર પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૩૦થી ૩૨૧ સુધી રહ્યા હતા.

ડુંગળીની સૌથી વધુ ૫.૫૦ લાખ કિલો આવક; મણનો ભાવ ‚ા.૧૬૦થી ૪૪૦
રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં સૌથી વધુ આવક ડુંગળીની થઇ રહી છે. તાજેતરમાં ૫,૫૦,૦૦૦ કિલોની આવક સામે પ્રતિ મણનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.૧૬૦થી ૪૪૦ સુધી જળવાયેલો રહ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application