ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના 142 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને ઇંગ્લેન્ડ વુમન્સ ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં ભારતે ઇંગ્લેન્ડની ટીમને 270 રનથી હરાવી હતી. આ મેચમાં સિંધી સમાજનું ગૌરવ ગણાતી વડોદરાની યાસ્તિકા ભાટીયાએ શાનદાર પ્રદર્શન કરી સદી ફટકારી હતી. લોર્ડ્સના મેદાનમાં સદી ફટકારનારી યાસ્તિકા પહેલી મહિલા ક્રિકેટર બની ગઈ છે. હજી સુધી લોર્ડ્સના મેદાનમાં કોઈ પણ મહિલા ક્રિકેટરે સદી ફટકારી નથી. યાસ્તિકાના આ પરફોર્મન્સથી તેમના પરિવાર, સિંધી સમાજ, વડોદરા, ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે.
10 થી 13 જુલાઈ દરમિયાન રમાયેલી આ 4 દિવસીય ટેસ્ટ મેચ ફક્ત બંને દેશો વચ્ચેની સિરીઝ હતી, જે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં એક સિદ્ધિ માનવામાં આવી રહી છે. જ્યારે લોર્ડ્સમાં ઘણી મહિલા ODI અને T-20 મેચ રમાઈ છે, ત્યારે આ પ્રતિષ્ઠિત મેદાન ક્યારેય મહિલા ટેસ્ટ મેચનું આયોજન કરી શક્યું નથી. આ ઐતિહાસિક મેચમાં યાસ્તિકા ભાટીયાએ પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.
મારૂ હજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી
પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટર બનેલી ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી છે. યાસ્તિકા ભાટિયાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 158 બોલમાં 113 રન બનાવ્યા હતા, જેના પછી ભારતે ત્રીજા દિવસે ટી બ્રેક સમયના ઠીક પહેલા પોતાની બીજી ઇનિંગ જાહેર કરી દીધી અને યજમાન ઇંગ્લેન્ડ સામે 457 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો.
હજુ ઘણું બધું આવવાનું બાકી છે
યાસ્તિકા ભાટિયાએ ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ (લોર્ડ્સમાં સદી બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બનવું) અવિશ્વસનીય છે કારણ કે છ મહિના પહેલા હું સંપૂર્ણપણે વિપરીત પરિસ્થિતિમાં હતી અને જો ત્યારે કોઈએ કહ્યું હોત કે મારું નામ લોર્ડ્સના ઓનર બોર્ડમાં હશે તો હું આના પર વિશ્વાસ ન કરત. તેમણે કહ્યું, હજુ તો આનાથી બહેતર પ્રદર્શન કરવાનું બાકી છે. હું શરૂઆતથી જ એવું માનતી આવી છું કે હું પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કરી શકું છું. પરંતુ અત્યાર સુધીનો સમય ખરેખર ઘણો સારો રહ્યો છે. આ તો બસ શરૂઆત છે. હજુ ઘણું બધું આવવાનું બાકી છે અને હું તેની આતુરતાથી રાહ જોઈ રહી છું.
સફળતાનો શ્રેય કોને આપ્યો?
તેમણે પોતાની આ સફળતાનો શ્રેય પોતાના પરિવાર, ટીમના સાથીઓ અને સહયોગી સ્ટાફના સભ્યોને આપ્યો હતો, જેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમના ડાબા ઘૂંટણમાં લાગેલી ગંભીર ઈજામાંથી બહાર આવવામાં તેમની મદદ કરી હતી. આ ઈજા માટે તેમણે સર્જરી કરાવવી પડી હતી અને તે સ્વદેશમાં રમાયેલા વનડે વર્લ્ડ કપમાં રમી શકી નહોતી, જેમાં ભારત વિજેતા બન્યું હતું. યાસ્તિકા ભાટિયાએ કહ્યું, પડદા પાછળ ઘણા લોકો કામ કરી રહ્યા છે, મારો પરિવાર, મારા પિતા, માતા, મારી બહેન, તેઓ મારા માટે સૌથી મોટો સહારો રહ્યા છે. મારા કોચ, અહીં ટીમના સહયોગી સ્ટાફના સભ્યો અને ટીમના મારા સાથીઓ, બધાએ મારો સાથ આપ્યો.
સર્જરી પછી મારે બિલકુલ નવેસરથી શરૂઆત કરવી પડી
તેમણે કહ્યું, આ સિવાય COE (BCCIનું સેન્ટર ઓફ એક્સેલન્સ) પણ, જ્યાં મેં ઈજામાંથી બહાર આવવાની પ્રક્રિયા દરમિયાન ઘણો સમય વિતાવ્યો. આ બધાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમના વિના આ શક્ય ન બન્યું હોત. યાસ્તિકા ભાટિયાએ કહ્યું કે જ્યારે તેઓ ઈજાના કારણે બહાર હતી ત્યારે રમત પ્રત્યેના તેમના જુસ્સાએ તેમને સકારાત્મક માનસિકતા જાળવી રાખવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું, સર્જરી પછી મારે બિલકુલ નવેસરથી શરૂઆત કરવી પડી હતી. બે મહિના સુધી મારે સંપૂર્ણપણે આરામ કરવો પડ્યો હતો. પરંતુ મને પોતાની જાત પર ભરોસો હતો કે હું આ ઈજામાંથી બહાર આવીને વાપસી કરી શકું છું. ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ રમત પ્રત્યેનો પ્રેમ અને પોતાની જાત પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે.
દેશ માટે રમવું એ મારા માટે ખૂબ જ ગર્વની વાત
યાસ્તિકા ભાટિયાએ પોતાની સદી વિશે કહ્યું, મેં સદી બનાવવા વિશે નહોતું વિચાર્યું, પરંતુ સારી ગતિએ મોટો સ્કોર બનાવવા પર ધ્યાન આપ્યું જેથી આપણને તેમની 10 વિકેટ લેવા માટે પૂરતો સમય મળી શકે. આ જ મારા મગજમાં હતું. દેશ માટે રમવું એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.