BREAKING NEWS

દાણાપીઠ બજારમાં મહાપાલિકા તંત્ર પબ્લિક યુરિનલ તોડવા જતા હોબાળો

  • January 24, 2026 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઝાદી પૂર્વેની રાજકોટની સૌથી જૂની બજાર એવી દાણાપીઠ બજારમાં ૬૦૦ દુકાનો વચ્ચે આવેલી ૭૦ વર્ષ જુની એક માત્ર પબ્લિક યુરિનલ તોડવા જતા વેપારીઓમાં હોબાળો મચી ગયો હતો અને સ્થળ ઉપર ગયેલા મહાનગરપાલિકાના ચીફ પર્યાવરણ ઇજનેરને ભાગવું પડ્યું હોવાનું જાણવા મળે છે. મહાનગરપાલિકામાંથી ઠરાવ પસાર કર્યા વિના પબ્લિક યુરિનલ જેવી જાહેર સુવિધા દૂર કરી શકાય નહીં તેવી જાણકારી ધરાવતા અમુક વેપારીઓએ સંગઠિત થઇ દલીલો કરતા મ્યુનિ.સ્ટાફ ત્યાંથી રવાના થઇ ગયો હતો.

વિશેષમાં દાણાપીઠ બજારના વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ બે દિવસ પૂર્વે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ચીફ પર્યાવરણ ઇજનેર તેમજ અન્ય બે ચાર લોકો આવ્યા હતા અને પબ્લિક યુરિનલ દૂર કરવાની છે તેમ કહી ગયા હતા દરમિયાન આ વાત સાંભળી વેપારીઓ દુકાન બહાર નીકળી આવ્યા હતા અને હોબાળો થતા ચીફ પર્યાવરણ ઇજનેરને સ્થળ ઉપરથી ભાગવું પડ્યું હતું તેમજ તેમની સાથે આવેલા બે વ્યક્તિ પણ રફુચક્કર થઇ ગયા હતા.

દાણાપીઠના વેપારીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પબ્લિક યુરિનલ પાસે એક બિલ્ડિંગ બની રહ્યું છે કદાચ તે બિલ્ડિંગના એલિવેશનમાં પબ્લિક યુરિનલ આડે આવતી હોય દૂર કરવા પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું બજારમાં ચર્ચાય રહ્યું છે.

હાલ તા.૨૪, ૨૫ અને ૨૬ જાન્યુઆરી દરમિયાન શનિ, રવિ, સોમ તેમ ત્રણ દિવસની રજા આવતી હોય રજાના દિવસોમાં યુરિનલ દૂર કરી નાખવાનું પ્લાનિંગ હોય તેમ જણાતા વેપારીઓએ આ મામલો મહાપાલિકાના પદાધિકારીઓ સુધી પહોંચાડ્યો હોવાનું જાણવા મળે છે.


સુવિધા ન આપો તો વાંધો નહીં, છીનવો નહીં

દાણાપીઠ બજારના દુકાનદારોએ જણાવ્યું હતું કે મહાપાલિકા તંત્ર જુના રાજકોટમાં નવી સુવિધા ન આપે તો વાંધો નહીં પણ હયાત સુવિધાઓ છીનવે નહીં તેવી વિનંતી છે.હાલમાં વર્ષો જુની જે પબ્લિક યુરિનલ છે તે જર્જરીત અને તદન સાંકડી છે છતાં દાણાપીઠ અને પરા બજાર તેમ બે બજાર વચ્ચેની એક માત્ર પબ્લિક યુરિનલ છે. આથી અહીં નવી યુરિનલ બનાવી આપી નિયમિત સફાઇ કરવામાં આવે તેવી વેપારીઓએ માંગ ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application