અર્ધા ગોહિલવાડમાં ઝાપટાથી સવા ઈંચ સુધીનો કમોસમી વરસાદ ખાબક્યો

  • May 10, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શુક્રવારે બપોરથી રાત્રિ સુધીમાં અર્ધા ગોહિલવાડમાં ઝાપટાથી સવા ઈંચ કમોસમી વરસાદ પડ્યો હતો. ગારીયાધારમાં  સવા,ઉમરાળા અને પાલીતાણામાં પોણો,ભાવનગરમાં અર્ધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સિહોરમાં ઝાપટુ પડયુ હતુ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભાવનગર જિલ્લામાં સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ રહયો છે. જિલ્લામાં શુક્રવારે સાંજે ચાર વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ઝાપટાથી સવા ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે.જેમાં ગારિયાધારમાં ભારે પવન અને ગાજવીજ સાથે સાંજે ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાથી લોકો પરેશાન થયા હતા.
ભાવનગર શહેરમાં શુક્રવારે સવારે જોરદાર ઝાપટુ વરસ્યુ હતુ.બાદમાં સાંજે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં ભાવનગરમાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો.અર્ધો ઈંચ વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.પાંચમા દિવસે પણ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી.
તદઉપરાંત સાંજે પાલીતાણામાં અને ઉમરાળામાં વરસાદે પોણો -પોણો ઈંચ પાણી પીરસી દીધુ હતુ.આથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જ્યારે સિહોરમાં ઝાપટુ પડયુ હતુ.સિહોર તાલુકાના કનાડ, મેઘવદર અને નવા જાળીયા સહિતના ગામોમાં ભારે વરસાદ થતા આ ગામોની નદીઓમાં પૂર આવ્યુ હતુ.જ્યારે વલભીપુર,ઘોઘા, તળાજા, મહુવા અને જેસરમાં વરસાદે વિરામ લીધો હતો.
શુક્રવારે સાંજે  ૪ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં ગારિયાધારમાં ૩૦, પાલીતાણામાં ૨૦,ઉમરાળામાં ૧૬, તળાજામાં ૧, ભાવનગરમાં ૧૧,સિહોરમાં ૩ મિ.મી. વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application