કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોર દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

  • April 12, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગેશ્વર ખાતેથી નશામુક્ત ભારત અભિયાનને લીલીઝંડી આપી

કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી કૌશલ કિશોર ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેમના દ્વારા દ્વારકા નજીકના નાગેશ્વર ખાતેથી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પદયાત્રાનો શુભારંભ કરવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સ્વચ્છતા કેળવાય તે હેતુથી સ્વચ્છ ભારત અભિયાન પ્રારંભ કરાવ્યો હતો. જેના અનુસંધાને સમગ્ર દેશમાંથી નાગરિકો નશામુકત બને તેમજ સ્વચ્છતા કેળવે તે માટે અનિલ પર્વતારોહી નામના યુવક અને તેની ટીમ દ્વારા સમગ્ર દેશમાં આવેલ બાર જ્યોતિર્લિંગની પદયાત્રા કરીને સ્વછતા અને નશામુકત ભારત અભિયાનનો સંદેશો પાઠવશે તેમજ લોકોમાં જાગૃતતા લાવશે. નાગરિકો વિવિધ પ્રકારના વ્યસનથી દુર રહે તેમજ અન્ય લોકોને પણ તેનાથી દૂર રહેવાની પ્રેરણા આપે તેવી અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનિલકુમાર પર્વતારોહી નામના યુવક અને તેમની ટીમ દ્વારા દેશમાં બાર રાજ્યોમાં આવેલ બાર જ્યોતિર્લિંગ સ્થળે તેમજ કુલ ૪૧ દિવસ અને આશરે આઠ હજાર કરતાં પણ વધુ કિલોમીટરની પદયાત્રા કરીને આ અભિયાન મથુરા ખાતે પૂર્ણ થશે. આ પ્રસંગે દ્વારકાના મામલતદાર વી.કે. વરુ, ચીફ ઓફીસર ઉદય નશિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
**
દ્વારકામાં કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોરના અઘ્યક્ષસ્થાને ખાસ બેઠક
દ્વારકાના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી કૌશલ કિશોરના અઘ્યક્ષસ્થાને સ્થાનિક વહીવટ તંત્ર તેમજ અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રી કૌશલ કિશોરએ જણાયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. નાગરિકોના જીવનધોરણમાં સુધારો થાય તે માટે સ્વચ્છતા તથા નશામુકિત જેવી બાબતો પર ધ્યાન આપવું અગત્યનું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં વ્યસનને કારણે થતી બીમારી જીવલેણ બને છે તેમજ યુવાનોને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનો ભોગ બને છે. સરકાર નાગરિકોની સુખાકારી તેમજ રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે જરૂરી પગલાઓ લઈ રહી છે. જેના ભાગરૂપે નાગેશ્વર ખાતેથી નશા મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમના દ્વારા જિલ્લામાં સ્વચ્છતા, વેસ્ટ મેનેજમેન્ટ, સિંચાઇ, પ્રવાસન થકી રોજગારીની તકો સહિતના મુદ્દાઓ પર જરૂરી સૂચનો આપ્યા હતા અને નાગરિકોમાં સ્વચ્છતા અને નશામુક્તિ માટે જાગૃતતા કેળવાઈ તે માટે જરૂરી પગલાઓ લેવા માટે પણ જણાવ્યું હતું. આ બેઠકમાં દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર. પરમાર, દ્વારકા નગરપાલીકા ચીફ ઓફીસર ઉદય નશીત સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application