ઓમાનના શિનાસ બંદર નજીક 20 ભારતીય નાગરિકોને લઈ જતા જહાજ એમટી જલવીર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસમાં ત્રીજો હુમલો થયો છે. ઓનલાઇન સામે આવેલી તસવીરોમાં દર્શાવ્યા મુજબ સમુદ્રમાં તે સળગી રહ્યું છે. ઘટનાના અહેવાલો પછી સંબંધિત અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. એમટી જલવીરના ક્રૂએ એક એસઓએસ સંદેશ જારી કર્યો હતો. ઓમાનના દરિયાકિનારે અમેરિકાની સેના દ્વારા 'સેટેબેલો' જહાજ પર થયેલા આવેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે.
કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. પાલાઉ દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર જહાજ 'સેટેબેલો' ગલ્ફ ઓફ ઓમાનમાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાનો દાવો છે કે આ જહાજે તેમના બ્લૉકેડનું ઉલ્લંઘન કર્યું તેથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાના હુમલા બાદ જહાજના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી.
એમટી જલવિહાર પર હુમલા પહેલા, ઓમાનના દરિયાકાંઠે છેલ્લા ત્રણ દિવસથી હુમલાઓ થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ જહાજ પર સતત ત્રીજો હુમલો છે. નોંધનીય છે કે, બુધવારે, ભારતે ટેન્કર સેટેબેલો પરના હુમલાની સખત નિંદા કરી હતી. ભારતે યુએસ ચાર્જ ડી'અફેર્સ, જેસન મીક્સને વિદેશ મંત્રાલયમાં સમન્સ પાઠવીને આ બાબતે સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો. અહેવાલ મુજબ, ભારત દ્વારા યુએસ ડેપ્યુટી ચીફ ઓફ મિશનને સમન્સ પાઠવવા અને બે જહાજો પરના હુમલા અંગેના પ્રશ્નના જવાબમાં, સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ બાબતે ભારત સરકાર સાથે સીધા સંપર્કમાં છે.
અધિકારીઓ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં પુષ્ટિ આપવામાં આવી છે કે તેમને આજે શિનાસ બંદર નજીક એક જહાજ સાથે જોડાયેલી ઘટના અંગે માહિતી મળી હતી. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નિવેદનમાં ઉમેર્યું હતું કે સ્થાનિક વહીવટ અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલમાં, ઘટનાના કારણ અથવા સંભવિત અસર અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. ઓમાનમાં ભારતીય દૂતાવાસે આ હુમલા અંગે માહિતી પૂરી પાડી હતી, અને વધુ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે ગયા બુધવારે પણ ઓમાન દરિયાકાંઠે એક વાણિજ્યિક જહાજ પર હુમલો થયો હોવાની જાણ થઈ હતી. તે જહાજમાં કુલ 28 લોકો સવાર હતા, જેમાંથી 24 ભારતીય નાગરિકો હતા. દુઃખદ વાત એ છે કે, તે હુમલા બાદ ત્રણ ભારતીયો ગુમ થયા હોવાના અહેવાલ છે, જ્યારે 21ને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. તે ઘટના 10 જૂનના રોજ બની હતી, અને ભારતે આ હુમલાની સખત નિંદા કરી છે.
ત્રણ દિવસમાં ત્રણ ઘટનાઓ
8 જૂન 2026- એમટી મેરીવેક્સ- તમામ 24 ભારતીયો સુરક્ષિત
10 જૂન 2026- એમટી સેટેબેલો- 21 ભારતીયોનું રેસ્ક્યૂ, 3ના મોત
11 જૂન 2026- એમટી જલવીર- ઘટનાની તપાસ ચાલુ
આવી હિંસક ઘટનાઓ સ્વીકાર્ય નહીં: યુએનમાં ભારત દ્વારા આકરા પ્રહાર
મિડલ ઈસ્ટ અને ઈરાન સંઘર્ષની વચ્ચે વૈશ્વિક સુરક્ષા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ સામે પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારત આવી હિંસક ઘટનાઓને ક્યારેય સ્વીકારશે નહીં. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે યુએનની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. હરીશ પર્વતનેનીએ કહ્યું કે, વિશ્વના નાગરિકોમાં યુએન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે કારણ કે તે સંઘર્ષોને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. તેનું મુખ્ય કારણ 80 વર્ષ જૂનું સુરક્ષા પરિષદનું આઉટડેટેડ માળખું છે.