USA ના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટી ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સૌજ્ન્ય મુલાકાત

  • May 15, 2023 09:31 PM 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત USA ના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટી એ ગાંધીનગરમાં લીધી હતી. તેમણે માર્ચ-ર૦ર૩માં USAના ભારતસ્થિત રાજદૂત તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી છે. ગુજરાતની તેમની આ મુલાકાત દરમ્યાન મળેલા ઉષ્માસભર આવકાર અંગે પ્રસન્નતા વ્યકત કરતાં રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ યુ.એસ અને ભારત વેપાર-વણજના દ્વિપક્ષીય સંબંધો, મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને નેટ ઝીરો કાર્બન ઇકોનોમીના ક્ષેત્રોમાં સાથે મળીને ઘણું સારૂં કામ કરી શકે તેમ છે તેવી અપેક્ષા દર્શાવી હતી. 


US ના રાજદૂતશ્રીએ ભારત અને ગુજરાત સાથે U-20, ઓલિમ્પીક્સ ગેઇમ્સ અને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને લોસ એન્જેલસની મુલાકાત લેવા પણ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં વાતચીત દરમ્યાન જણાવ્યું કે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે ખ્યાતિ પામ્યું છે. US અને ગુજરાત વચ્ચે લાંબાગાળાના સંબંધો નિયમીત સંવાદ અને ઉચ્ચસ્તરીય જોડાણોની ગતિથી વધુ વિસ્તર્યા છે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું. 


મુખ્યમંત્રીએ સૌને સાથે રાખીને વિકાસ માર્ગે ચાલવાની ‘વસુધૈવ કુટુંબકમ’ની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાવના આ સૌજ્ન્ય મુલાકાત બેઠકથી સાકાર થશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત દેશની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ૧૪ ટકાનું યોગદાન આપે છે તથા વિશ્વનો સૌથી મોટો ૩૦ ગીગાવોટનો સોલાર એન્ડ વિન્ડ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે તેની ભૂમિકા આપી હતી. 


આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ અમેરિકન કંપનીઓને સ્વચ્છ ઊર્જા, ગ્રીન મોબિલીટી તેમજ ગ્રીન મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા માટે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ, ગ્રીડ ઇન્ટીગ્રેશન અને ગ્રીન હાઇડ્રોજન ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે રિન્યુએબલ એનર્જી સ્પેસમાં સહયોગ અને રોકાણોની તકો શોધવા ઇંજન પાઠવ્યું હતું. એટલું જ નહિ, મુખ્યમંત્રીશ્રીએ ભારતના પ્રથમ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી એવા ગિફટ સિટીમાં અમેરિકન ફિનટેક કંપનીઓ અને ટેક સ્ટાર્ટઅપ્સને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, બ્લોક ચેઇન, સાયબર સિક્યુરિટી જેવા સેક્ટર્સમાં તકો શોધવા આમંત્રિત કરી હતી. 


આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી હૈદર તથા યુ.એસ રાજદૂતાવાસના અધિકારીઓ તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application