ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કારને બીજી કારનો ટલ્લો લાગતા પલટી ખાઈ ગઈ, સાળા-બનેવીનું મોત, એક બાળક અને બે મહિલાને ઈજા

  • April 21, 2025 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર-સોમનાથ ધોરી માર્ગ પર સાણોદર ગામ નજીક પૂરપાટ વેગે જઈ રહેલી કારને અન્ય કારનો ટલ્લો લાગતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બેકાબૂ બનેલી કાર રોડ પરથી ઉતરી પલ્ટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર બે યુવાનોના ગંભીર ઈજા થતા મોત નિપજ્યા હતા, જ્યારે એક બાળક અને બે મહિલાને પણ ગંભીર ઈજાઓ થતા ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનોના ચાલકો તેમજ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. 


બેકાબૂ બનેલી કાર રોડ પરથી ઉતરી પલ્ટી મારી ગઈ હતી

અકસ્માત અંગે પ્રાપ્ત થયેલ પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પૂરપાટ વેગે જઈ રહેલી કારને માર્ગ પર આગળના ભાગે જઈ રહેલી અન્ય બે કાર પૈકી એક કારનો જોરદાર ટલ્લો લાગતા કાર નં. જીજે૦૪ ઈએ ૪૫૭૮ના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બેકાબૂ બનેલી કાર રોડ પરથી ઉતરી પલ્ટી મારી ગઈ હતી. કાર પલ્ટી જતા કારમાં સવાર દિનેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ (ઉં.વ.૩૩, રે. ભંડારીયા, જિલ્લો: ભાવનગર) અને જીતુભાઈ ધરમશીભાઈ પરમાર (ઉં.વ. ૩૨, રે. ગરાજીયા, તા.પાલીતાણા, જિલ્લો : ભાવનગર)ને ગંભીર ઈજાઓ થતા બંન્નેના મોત નિપજ્યા હતા. 


ત્રણને ગંભીર ઈજા પહોંચી

જ્યારે મુક્તાબેન જીતુભાઈ અને ભાવુબેન દિનેશભાઈ તેમજ એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ત્રણેયને ઈમરજન્સી ૧૦૮ મારફત સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આગળ તમામની સ્થિતિ સ્થિર હોવાનું હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. અકસ્માતનાં પગલે માર્ગ પર પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો તેમજ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો, અને માર્ગ પર સર્જાયેલા ટ્રાફિકજામને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંન્ને યુવાનો સગપણમાં સાળા-બનેવી થતા હોવાનું જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application