ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી, એક જ પરિવારના ત્રણ દટાયા, એક મહિલાનો મૃતદેહ બહાર કઢાયો, એકને બચાવાઇ, હજુ એક કાટમાળ હેઠળ

  • February 20, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલમાં આજે વહેલી સવારે બે માળનું મકાન ધારાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મકાન ધરાશાયી થયાનો અવાજ આવતા આસપાસના લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. બે માળનું મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ વ્યક્તિ દબાયા છે. જેને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

ફાયરના 20થી વધુ કર્મચારીનું રેસ્ક્યૂ ઓપરેશનગોંડલ નગરપાલિકા ફાયર વિભાગના 20થી વધુ સ્ટાફ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મકાનનો કાટમાળ ધરાશાયી થતા માતા નીતાબેન વારધાણી કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સુનિલભાઈના પત્ની ઉષાબેનને કાટમાળ નીચે દબાય જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જેમના મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હજુ પણ મકાન માલિક સુનિલભાઈ વારધાણી ધરાશાયી મકાનના કાટમાળ નીચે દબાયા હોય નગરપાલિકા ફાયર ટીમ દ્વારા કટર, ક્રેન, જેસીબીની મદદથી બહાર કાઢવા પ્રયત્ન હાથ ધરાયા છે. મકાન ધરાશાયી ઘટનાસ્થળે બી ડિવિઝન પી.આઈ જે.પી. ગોસાઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો હતો. 

લોકોના ટોળેટોળા એકઠા થયા
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલના સહજાનંદનગરમાં ગરબી ચોક પાસે બે માળનું મકાન ધરાશાયી થયું છે, જેમાં 3 વ્યક્તિ દબાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા  ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા છે. 

​​​​​​​

માતાને બહાર કઢાયા, પુત્રવધૂનું મોત, પુત્ર હજુ દટાયેલો
મળતી માહિતી મુજબ  સુનિલભાઈ વરધાણી, તેની પત્ની ઉષાબેન વરધાણી અને માતા મિતાબેન કટમાળમાં દટાયા હતા. જેમાં માતા મિતાબેન વરધાણીને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઉષાબેનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. જેસીબી, ક્રેન, એમ્બ્યુલન્સ, ફાયર, અને ધારાસભ્ય સહિતની ટીમ ઘટનાસ્થળે  હાજર છે. તેમજ ગોંડલ પોલીસ પણ દોડી આવી છે.

ઉષાબેન વરધાણીનું મોત
સુનિલભાઈ વરધાણી ગોંડલ રેલવે સ્ટેશન સામે પાનની કેબીન ધરાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. સુનિલભાઈના પત્ની ઉષાબેન વરધાણી (ઉં.વ.40)નું મોત નીપજ્યું છે. તેમના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો છે.

જેસીબીની મદદ લેવામાં આવી
આ ઘટના સવારે 7 વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું છે. મકાનના કાટમાળમાં દબાયેલ 1 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે. ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમે 
જેસીબીની મદદ સાથે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે.


ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સવારે 7 વાગ્યાની આસપાસ જોરદાર અવાજ આવતા અમે બહાર દોડી ગયા હતા. બહાર આવીને જોયું તો બાજુમાં રહેલું બે માળનું ઘર પડી ગયું હતું અને ધૂળની ડમરી ઉડી હતી. આ મકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application