નિરમા ચોકડી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા

  • December 18, 2023 05:33 PM 

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન નિરમા ચોકડી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એસયુવી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો અને કાર સહીત રૂપિયા ૭.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, રાહુલ ગોહિલ (રહે.આખલોલ જકાતનાકા) તથા મહેશ ઉર્ફે મયુર પરમાર (રહે.ચિત્રા) બન્ને સફેદ કલરની મહિન્દ્રા કંપનીની TUV 300 આગળ-પાછળ રજી.નંબર-GJ-18-BF 8326માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી શહેરમાં જવાના છે. જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ હાઇ-વે ઉપર તરફ જતાં રોડ ઉપર નિરમાના પાટીયે બજરંગદાસ બાપાની મઢુલી પાસે રોડ ઉપર વોચમાં રહેતાં રાહુલ દિનેશભાઇ ગોહિલ (ઉ.વ.૩૦, રહે.રૂમ નંબર-૧૦૬, સરયુ વિંગ્ઝ,સ્વપ્ન સાકાર સોસાયટી, ટોયોટા શો રૂમ પાછળ, આખલોલ જકાતનાકા) અને મહેશ ઉર્ફે મયુર રાજુભાઇ જેન્તીભાઇ પરમાર (ઉ.વ.૨૬ રહે.ઇન્દિરાનગર,રફિક મોટર ગેરેજવાળો ખાંચો,ચિત્રા) ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે હાજર મળી આવ્યા હતા. પોલીસે બંને શખ્સોને ઝડપી લઇ આ ઇંગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૪૮ ભરેલી પેટી-૪૦માં કુલ બોટલ નંગ-૧૯૨૦ કિ.રૂ.૧,૯૨,૦૦૦, એક સફેદ કલરની મહિન્દ્દા કંપનીની TUV 300 કાર નંબર-GJ-18-BF 8326 જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦ તેમજ વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦, એક કિપેડવાળો મોબાઇલ કિ.રૂ.૫૦૦ અને રોકડ રકમ રૂ.૬,૦૦૦, અન્ય એક મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૭,૧૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. એલસીબી ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આ ઈંગ્લીશ દારૂનો જથ્થો આપનાર તથા મંગાવનાર અંગે પૂછપરછમાં વધુ બે શખ્સો ભૌમિકરાજસિંહ રાયજાદા (રહે.અમદવાદ) અને ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા (રહે.પ્રેસ કવાટર્સ) સહીત તમામ વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application